Wednesday, 30 June 2010

ઓ વ્રજનારી - દયારામ

આ પદમાં શ્રીકૃષ્ણના મુખે શોભતી વાંસળી વ્રજનારીઓની મીઠી પજવણી કરતી હોવાથી અને શ્રીકૃષ્ણના અધરનો રસ નિત્ય ચાખતી હોવાથી તેમની ઇર્ષાનું પાત્ર બની છે. વ્રજનારી-ગોપીઓ એથી વાંસળીને ઉપાલંભ આપે છે. ગોપીઓના અસરકાર ઉત્તર આપતી વાંસળી પોતાની વેદના અને દુઃખની વાત કરે છે. વાંસમાંથી વાંસળી બનવા સુધીની પ્રક્રિયા જણાવતાં તેણે ટાઢ-તડકો વેઠ્યો છે, વરસાદની ઝડી સહી છે, પોતાના અંગો છેદ્યા છે, ત્યારે જ તે શ્રીકૃષ્ણની પ્રીતિપાત્ર બની શકી છે. વાંસળીની જેમ ભક્ત પણ તપ કરે, દુઃખ સહન કરે ત્યારે જ તે પ્રભુનો પ્રીતિપાત્ર બને છે. કવિએ સજીવારોપણ અલંકાર દ્વારા સરસ રીતે કૃષ્ણભક્તિનો ભાવ રજૂ કર્યો છે.


કૃષ્ણગીત
કવિ - દયારામ

ઓ  વ્રજનારી  !  શા  માટે   તું   અમને  આળ  ચડાવે ?
પુણ્ય પૂરવ તણાં, એથી પાતળીયો અમને લાડ લડાવે.

મેં પૂરણ તપ સાધ્યાં વનમાં, મેં ટાઢતડકા વેઠ્યાં તનમાં,
ત્યારે    મોહને    મ્હેર   આણિ   મનમાં,   ઓ   વ્રજનારી !

હું ચોમાસે ચાચર રહેતી, ઘણી મેધઝડી શરીરે સહેતી,
સુખદુઃખ   કાંઇ   દિલમાં   નવ   લ્હેતી, ઓ વ્રજનારી !

મારે અંગ વાઢ વઢાવિયા, વળી તે સંઘાડે ચડાવિયા,
તે     ઉપર      છેદ    પડાવિયા,     ઓ      વ્રજનારી !

ત્યારે હરિએ હાથ કરી લીધી, સૌ કોમાં શિરોમણિ કીધિ,
દેહ     અર્પી   અર્ધ    અંગે    દીધી,   ઓ   વ્રજનારી !

માટે દયાપ્રીતમને છું પ્યારી, નિત્ય મુખથી વગાડે મુરારિ,
મારા    ભેદગુણ    દીસે      ભારી    !   ઓ      વ્રજનારી ! 

No comments:

Post a Comment