Sunday, 5 September 2010

ભોંદુભાઇ તોફાની - બાળગીત

શિક્ષકદિને મારા સર્વે શિક્ષકોને મારા પ્રણામ. માણીયે આ ગીત

સ્વર,ગીત, સંગીત - ???



હાથીભાઇનું એક મદનિયું, ભોંદુભાઇ તોફાની,
જ્યારે પણ તોફાને ચડતું, યાદ કરાવે નાની.

પળમાં પાછું ડાહ્યું ડમરું, બોલે કાલું કાલું,
આખા જંગલમાં એ સૌને લાગે વ્હાલું વ્હાલું.

રોજ સવારે વહેલું વહેલું ઊઠી ભણવા જાતું
રસ્તામાં એક તળાવ, એમાં પેટ ભરીને ના'તું

જંગલમાં તો સહુથી ફેમસ કીડીબાઇની સ્કુલ,
એને મન તો બધા બાળકો રંગબેરંગી ફૂલ

દૂર દૂરથી બધા ફૂલો અહીંયા ભણવા આવે
મનગમતી ડાળી પણ જાણે પોતાને મહેકાવે.

નવા સવા ત્યા ટિચર આવ્યાં, નામ લોંકડીબાઇ
પર્સ હલાવી સૌને કરતાં રહેતાં હેલ્લો હાઇ.

રોજે રોજ કરીને આવે નવી નવી એ ફેશન,
કંઇ જ ભણાવે નહીં અને આપે લાંબું લાંબુ લેસન.

એક દિવસ વિના કારણે બધાને ધમકાવ્યાં,
ભોંદુભાઇને તો આખો દી' અંગુઠા પકડાવ્યાં

બિચારા ભોંદુભાઇ એની મોટી મોટી ફાંદ
ધોળા દા'ડે ધરતી ઉપર એણે જોયો ચાંદ

ભોંદુભાઇનું મગજ ભમ્યું કે પાઠ ભણાવું આને,
આ તે કેવા ટીચર જે બાળકને દુશમન માને

લાંબુ લાંબુ લેસન છે અને નાનકડી સ્લૅટ
બોંદુભાઇને ત્યાં દેખાયું દાદાજીનું પેટ.

ભોંદુભાઇએ તો માંડીને કરી સ્કુલની વાત,
વાત સાંભળીને દાદાજીને પણ લાગ્યો આઘાત.

બીજે દી ટીચર બોલે બધા લેસન લાવ્યાં,
ભોંદુભાઇએ સાદ કરીને દાદાને બોલાવ્યાં.

મોંટા ટિચર કીડીબાઇ તો એવા સીધાસાદા
હાથીભાઇને જોઇ કહે કે 'આવો હાથીદાદા'.

પેટ ઉપર આશું ચીતર્યુ ને આ ઉંમરમાં ફૅશન
દાદાજી કે ના રે ના, છે ભોંદુભાઇનું લેસન.

લેસન કરતાં એને જ્યારે નાની લાગી સ્લૅટ
ભોંદુભાઇને ગમી ગયેલું ત્યારે મારું પેટ.

કીડીબાઇએ તરત લોંકડી ટીચરને બોલાવ્યાં
જુઓ જુઓ આ હાથીદાદા લેસન ઉચકી લાવ્યાં.

લેસન જોતાં જોતાં એને યાદ આવી ગઇ નાની
કહે લોંકડી માફ કરોને મેં ખુબ કરી મનમાની

કીડીબાઇ કે કંઇ વાંધો નહીં , હવે રાખજો ધ્યાન
સાચૂકલા ટીચર તો આપે લેસન સાથે વ્હાલ.

બાળક સાથે બાળક થઇને જો રહેતા ના ફાવે
હાજર છે, આ ભોંદુભાઇ જે તુરંત પાઠ ભણાવે

No comments:

Post a Comment