Tuesday, 19 March 2013

બોલે ઝીણા મોર - મીરાંબાઇ

સાચો પ્રેમ હોય તો એમાં ગાજવીજ ન હોય. પ્રેમ એ અત્યંત સૂક્ષ્મ વસ્તુ છે. બે વ્યકિત વરચેની અંગત વાત છે. એને જાહેર કરો એટલે એમાં દર્શન કરતાં પ્રદર્શનનું તત્ત્વ વધારે આવે. પ્રેમને દેખાડાની જરૂર નથી. મીરાં એકમાત્ર કવયિત્રી એવી છે કે એ પ્રેમની ગાજવીજ સાથે વાત કરે તો પણ એની સૂક્ષ્મતા હણાતી નથી અને ગાજવીજ વિના વાત કરે ત્યારે પણ એની સૂક્ષ્મતા વાદળ વરચે કયારેક વીજળી દેખાય એમ પ્રગટ થઈને પાછી સંતાઈ જાય છે

માણસનું અંગેઅંગ બોલી ઉઠતું હોય એ રીતે જાણે કે આખુંયે અસ્તિત્વ વિવિધ સ્વરમાં સંવાદ સાધે છે. મોર, બપૈયા અને કોયલના સ્વરનું વૃંદાવન સર્જાય છે. ઘનઘોર વાતાવરણ છે. માઝમ રાત છે. કાનને તો તૃપ્તિ થાય. એની સામગ્રી પ્રારંભમાં છે પણ આ અંધકારને ચીરતી ભલી વીજળી પણ ચમકી ઉઠે છે. કશુંયે ધોધમાર નથી. વરસાદ પણ ઝરમર વરસે છે. મેહુલા પાસે પણ વરસવાની કળા છે. એ કયો મેહુલો વરસે છે એ ખોલીને સમજાવવાની જરૂર નથી. આખો સાળુ નહીં, પણ સાળુડાની કોર ભીની થાય છે.


આ ગીત ઐશ્વર્યાના અવાજમાં ફરીથી.

કવયિત્રી - મીરાંબાઇ
સ્વર - ઐશ્વર્યા

 


સ્વર - ???




બોલે ઝીણા મોર,

બોલે ઝીણા મોર,

રાધે ! તારા ડુંગરિયા પર બોલે ઝીણા મોર રે.


મોર હી બોલે,બપૈયા હી બોલે, 
કોયલ કરત કલશોર .
રાધે ! તારા ડુંગરિયા પર બોલે ઝીણા મોર રે.

કાલી બદરિયા મે બીજલી ચમકે,
મેઘ હુઆ ઘનઘોર.
રાધે ! તારા ડુંગરિયા પર બોલે ઝીણા મોર રે.

ઝરમર ઝરમર મેહુલો વરસે,
ભીંજે મારા સાળુડાની કોર .
રાધે ! તારા ડુંગરિયા પર બોલે ઝીણા મોર રે.

બાઇ મીરાં કે પ્રભુ ગિરિધર નાગર,
પ્રભુ મારા ચિત્તડા કેરો ચોર.
રાધે ! તારા ડુંગરિયા પર બોલે ઝીણા મોર રે.

(પ્રસ્તાવના અને શબ્દો - દિવ્યભાસ્કર)

1 comment: