Saturday, 12 October 2013

અંબા અભયપદ દાયિની - ગરબો


માતાજીની આઠમ નિમિત્તે માણીયે આ પ્રખ્યાત પ્રાચીન ગરબો.


અંબા અભયપદ દાયિની રે
શ્યામા સાંભળજો સાદ ભીડભંજની
અંબા અનાથોના નાથ ભીડભંજની

હેમ હીંડોળે હીંચતા રે
હીંચકે આરાસુરી માત ભીડભંજની
સખીઓ સંગાથે કરે ગોઠડી રે
આવી આઠમની રાત ભીડભંજની

સર્વે આરાસુરી ચોકમાં રે
આવો તો રમીએ રાસ ભીડભંજની
એવે સમે આકાશથી રે
આવ્યો કરુણ પોકાર ભીડભંજની
કોણે બોલાવી મુજને રે
કોણે કર્યો મુને સાદ ભીડભંજની
મધદરિયે તોફાનમાં રે
માડી ડૂબે મારું વ્હાણ ભીડભંજની

કીધી કમાણી શું કામની રે
જાવા બેઠા છે જ્યાં પ્રાણ ભીડભંજની
વાયુ ભયંકર વીંઝતો રે
વેરી થયો છે વરસાદ ભીડભંજની
પાણી ભરાણાં વહાણમાં રે
કેમે કાઢ્યા નવ જાય ભીડભંજની
આશાભર્યો હું આવિયો રે
વ્હાલા જોતાં હશે વાટ ભીડભંજની
હૈયું રહે નહિ હાથમાં રે
દરિયે વાળ્યો છે દાટ ભીડભંજની

માડી તમારો આશરો રે
આવો આવો મોરી માત ભીડભંજની
અંબા હિંડોળેથી ઊતર્યાં રે
ઊતર્યાં આરાસુરી માત ભીડભંજની
સખીઓ તે લાગી પૂછવા રે
ક્યાં કીધાં પરિયાણ ભીડભંજની

વાત વધુ પછી પૂછજો રે
બાળક મારો ગભરાય ભીડભંજની
ભક્ત મારો ભીડે પડિયો રે
મારાથી કેમ રહેવાય ભીડભંજની
એમ કહી નારાયણી રે
સિંહે થયા અસવાર ભીડભંજની
ત્રિશૂળ લીધું હાથમાં રે
તાર્યું વણિકનું વહાણ ભીડભંજની

ધન્ય જનેતા આપને રે
ધન્ય દયાના નિધાન ભીડભંજની
પ્રગટ પરચો આપનો રે
દયા કલ્યાણ ગુણ ગાય ભીડભંજની
ભીડ એની બધી ભાંગજો રે
સમરે કરજો સહાય ભીડભંજની

0 પ્રત્યાઘાતો:

Copyright 2009-2013 © With Respective Creators, Ahmedabad, Gujarat, India. All Right Reserved.

No song uploaded on this blog can be downloaded by using any techniques. If any one downloads song without permission, blog will not be responsible for copyright infringement.

Back to TOP