Tuesday, 7 September 2010

જનનીની જોડ સખી નહિ જડે રે લોલ : કવિ બોટાદકરને શ્રદ્ધાંજલી

કવિ બોટાદકરની આજે પુણ્યતિથી છે. સાહિત્યમાં બોટાદકરનું બહું મોટું પ્રદાન છે. હા પણ, જો બોટાદકરે બીજી કોઇ રચના ના કરી હોત અને ફક્ત આ જ ગીત લખ્યું હોત, તો પણ ગુજરાત તેમનું આભારી હોત. ત્રણ ત્રણ પેઢીઓથી ઝીલાતું આ ગીત આપણી ભાષાનું વીરલ માતૃસ્તવન છે.

સ્વર - ફાલ્ગુની શેઠ
સંગીત - અજિત શેઠ



મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ
એથી મીઠી તે મોરી માત રે
જનનીની જોડ સખી! નહી જડે રે લોલ.

પ્રભુના એ પ્રેમતણી પૂતળી રે લોલ,
જગથી જૂદેરી એની જાત રે … જનનીની

અમીની ભરેલ એની આંખડી રે લોલ,
વ્હાલનાં ભરેલાં એના વેણ રે … જનનીની

હાથ ગૂંથેલ એના હીરના રે લોલ,
હૈયું હેમંત કેરી હેલ રે … જનનીની

દેવોને દૂધ એનાં દોહ્યલા રે લોલ,
શશીએ સિંચેલ એની સોડ્ય રે … જનનીની

જગનો આધાર એની આંગળી રે લોલ,
કાળજામાં કૈંક ભર્યા કોડ રે … જનનીની

ચિત્તડું ચડેલ એનું ચાકડે રે લોલ,
પળના બાંધેલ એના પ્રાણ રે … જનનીની

મૂંગી આશિષ ઉરે મલકતી રે લોલ,
લેતા ખૂટે ન એની લહાણ રે … જનનીની

ધરતી માતા એ હશે ધ્રૂજતી રે લોલ,
અચળા અચૂક એક માય રે … જનનીની

ગંગાનાં નીર તો વધે ઘટે રે લોલ,
સરખો એ પ્રેમનો પ્રવાહ રે … જનનીની

વરસે ઘડીક વ્યોમવાદળી રે લોલ,
માડીનો મેઘ બારે માસ રે … જનનીની

ચળતી ચંદાની દીસે ચાંદની રે લોલ,
એનો નહિ આથમે ઉજાસ રે
જનનીની જોડ સખી! નહી જડે રે લોલ. 

(શબ્દો - શાયરી.કોમ)

2 comments:

  1. ઉલ્લાસ ઓઝાTuesday, September 07, 2010 2:50:00 pm

    કવિ શ્રી બોટાદકારને લાખ લાખ વંદન.
    સુંદર ગીત. મા તે મા બીજા બધા વગડાના વા.

    ReplyDelete
  2. કવિ શ્રી બોટાદકર ને અમારા વંદન. નાના હતા ત્યારે અભ્યાસમાં તેમની કવિતાઓ આવતી હતી.

    જનની જોડ સખી નહી જડે રે લોલ... આ રચના હંમેશ મને મારી મા ની (જેણે અમે કુટુંબી દાદીમાના વાલાસોયા નામથી બોલાવતા) યાદ અપાવે છે. જે લગભગ મારી નિત્ય પ્રાથનામાં આ રચના ગાવ છું..
    ખૂબજ સુંદર રચના મૂકવા બદલ આભાર ..

    અશોકકુમાર - 'દાદીમાની પોટલી '
    http://das.desais.net

    ReplyDelete