Sunday, 26 September 2010

સાંભરે રે, બાળપણના સંભારણા

આજે જે ગીત હું આપની સમક્ષ રજુ કરુંછું,તે નાટ્યમહર્ષિ સ્વ.શ્રી પ્રભુલાલ દ્વિવેદી એ તેમના નાટક ‘સંપતિ માટે’માં લખેલું છે.મોતીબાઈ ના કંઠે ગવાતું આ ગીત ના ૧૦-૧૦ વાર વન્સમોર થતા હતા અને નાટક પરોઢિયે ૪ વાગ્યે પૂરું થતું હતું. ૧૯૪૧ માં લખાયેલું આ ગીત વાંચી હજી આજેપણ આપણે શૈશવ (બાળપણ)ની યાદોમાં સરકી જઇએ છીએ. જો આપના ઘર માં દાદા-દાદી હોય તો તેમને આ ગીત વંચાવવા વિનંતી.

સ્વર - દિપ્તી દેસાઇ
સંગીત - કાસમભાઇ










સાંભરે રે, બાળપણના સંભારણા
જાણે ઉઘડતા જીવનના બારણા,
એ બાળપણના સંભારણા ……

ફૂલસમાં હસતા —- ખીલતાંતા
પવન સમા લહેરાતા
ગાતાતાં — ભણતાતાં — મસ્તીમાં
મસ્ત મનાતાં
ચ્હાતાંતાં વિદ્યાના વારણાં
એ બાળપણનાં સંભારણા…..

રખેને બોલ્યું કોઈ સાંભળશે
એની ચિંતા નહોતી
ભય નહોતો —- મદ નહોતો
પ્રીતિ ની પીડા નહોતી
નહોતી કોઈ ઝાઝી વિચારણા
એ બાળપણનાં સંભારણા…..

કોઈ અજાણ્યા નરને હોંશે
પ્રિયતમ કહેવું પડશે
વણમુલે વણવાંકે,દાસી થઇ રહેવું પડશે
નહોતી મેં ધારી આ ધારણા
એ બાળપણનાં સંભારણા…..
(શબ્દો અને પ્રસ્તાવના - જૂની રંગભૂમીના ગીતો)

1 comment:

  1. "બાળપણ ના સંભારણા " ગીત સાંભળવા ની અને વાગોળવા ની ખુબ મજા આવી.બીજા કોઈ પણ જુના નાટકો ના ગીત સ્વરબદ્ધ હોય તો જરૂર થી મુકશો. "સંપતિ માટે" નું ખુબજ લોકપ્રિય ગીત "ધનવાન જીવન માણેછે" આપની પાસે હોય તો ખાસ મુકવા વિનંતી.

    ReplyDelete