Tuesday, 17 May 2011

સામી છાતીનાં ધીંગાણા - રમેશ પારેખ

ર.પાની પુણ્યતિથીએ ખુબ ખુબ શ્રદ્ધાંજલી.

સૌરાષ્ટ્રના બાપુઓ વિશે ર.પા.એ અનેક કટાક્ષકાવ્યો રચ્યાં છે. તેવું જ એક કાવ્ય તેમનાં સ્વમુખે માણિયે.



કવિ - રમેશ પારેખ
સ્વર - રમેશ પારેખ



ખાટલીનું વાણ
અમથું અમથું ઝોળો ખાઇ ગ્યું,
હાળું બાયલું...

(કાંઆંઆંઆંઆં....
બાપુના વજન લાગ્યાં?
'ઠકરાણાંના અણગલા લાગ્યા?
ભાયાતુંની નજરું લાગી?
કોના પેટમાં તેલ રેડાણાં?
બાપુનાં ને ખાટલીનાં
સદેવંત સાવળિંગા જેવા હેત
કોનાથી નો જિરવાણાં?
ફાટો, મોઢામાંથી ફાટો...)

બાપુએ  આજ લગી મોટા મન રાખ્યાં તંયેને?
નીકર દાતરડા જેવું વાણ
ને ઇ બાપુની ખાટલીમાં?
બીજા વાણનાં દુકાળ હતા બાપુને?
ભૈ આ તો રજવાડું
ને બીજાના સુખે સુખી ને દુઃખે દુઃખી, એટલે.

પૂછો.
પૂછો કે વાણ હચમચ્યું
ત્યારે હારોહાર કોણ હચમચ્યું છ કાયમ?
બાપુ કે બીજું કોઇ?
વાણે આંચકા ખાધા ત્યારે
કોણે આંચકા ખાધા છ કાયમ?
બીજાએ કે બાપુએ?

તોય આવાં ખૂટલવેડાં બાપુ સાથે?
લબડીને ઘોડિયાની ખોઇ જેવું થઇ જાવાનું?
બાપુ તો સમંદરપેટા ,
બોલ્યા છ એકે વેણ?
છ મૈનાનું છોકરું હોય એમ
મૂંગામૂંગા હીંચકતા રયા છ કે નહીં અંદર?

ગઢના વાણ!
તને જરાય અરેરાટી નો થઇ?
શરમનો આવી-
બાપુને આવું ટચકિયું કરી મેલતા?

કેડ્યના ટચકિયાં વસમાં હો...
અરેરે...ઇ  તને ક્યાંથી ખબર હોય, ખૂટલ?
ધણિને ટચકિયાં થિયાં
ને ગોલકીના, તને તો મનમાંય નથી...

ભગલો રાત ક્યેઃ
'બાપું, આ તો કેડ્યનું ટચકિયું કથોરાનું...'

તો બાપુ ગર્જ્યાઃ
'ક્યારે સમજીશ ડફોળ?
મરદના રોગ થાય મરદને, બાયુંને નંઇ.

બાયું ને ટચકીયા નો થાય
પેચૂટી ખસી જાય, સમજ્યો?'
ભગલો કયે ઃ 'હશે બાપુ,
લાવ, તેલ ચોળી દઉં.'

બાપુ તો ભઠ્યાઃ
'આપણે તેલના ક્યાં દુકાળ છે?'
પણ તેલ હડમાન ચોળાવે
આપણે નંઇ,
તું તારે કોરેકોરું ચોળ્ય...'

તે ભગલાએ સરીપટ ચોળ્યું.
એનો હાથ જ જમ જેવો.
ચપટી વગાડતા તો ટચકિયું
હાળું ગાંડુતુર વકર્યું!

બબ્બે દી'નાં વા'ણા વાયાં છ.
ભગલો રાત આવી આવીને ખબર્યું કાઢી જાય છ.
ગામમાં સોંપો પડી ગયો છ.
ગઢ જેવો ગઢ નિમાણો થઇ ગ્યો છ.
પણ બાપુએ ટચકિયાને મચક આપી નથી હો...
રાત ને દી' સાબદાં ને સાબદાં,
જાગ્યા છ ભડની જેમ,
અરે ડણકું દીધી છે ડણકું...
ઊભા ઊભા. (બેહે ક્યાંથી??)

-આવી મરદાનગી ને મોરચાની વાતું
બે બદામનો ભગલો શું જાણે?
પાધરોક હાળો લઇઆવ્યો
દાક્તરાણી બાઇ પાસેથી દવા
ક્યેઃ 'લ્યો બાપુ, દવા, સુંવાળ્ય થાશે.'

બાપુના તો રૂંવાડા અવળાં થઇ ગ્યાં...
દવા?
ઊભેઊભા વેતરાઇ જાંયે હુંકારે કર્યા વિના,
ને વેતરીય નાખીએ ઇ માંયલા...અમે,
બાયડી પાંહેથી દવા લઇએ?
ફટ છે તને...

બાપુની આંખ્યુંમાં ખુન્નસ જોઇ
ભગલાનાં તો પોતિયાં પલળી ગયાં હો...
તે ભાગ્યો ઊભી પૂંછડીએ
પડીકીનો ઘા કરીને...

પડીકીનો કાગળ ઊખળી ગ્યો છે, પડ્યો પડ્યો...
બાપુ તિરસ્કારથી જુએ છ અને...
બે સફેદ ટીકડિયું બીકની મારી અડોઅડ
સંતાણી છ, કાગળની માલીપા

સાંજ રે ભગલો રાત ડોકાય છ
બાપૂ ક્યે  ઃ પે'લેથી કેવુંતું'ને ડફોળ
કે પડીકીમાં ગોળીયું છે ગોળીયું...
ગોળીયું તો મરદ જ ખાય,
પછી ઇ બંદુકની હોય કે દવાની.

No comments:

Post a Comment