Wednesday, 3 August 2011

કવિતા ન કરવા વિશે કવિતા - જયંત પાઠક

કવિ - જયંત પાઠક



કવિતા કરવાનું બંધ કરીએ તો શું થાય?
સરોવરો સુકાઇ જાય?
નદીઓ વહેતી થંભી જાય?
ડુંગરા ડોલી ઊઠે?
ઘાસ ઊગતું બંધ થઇ જાય?
પૃથ્વી પાતાળમાં ચંપાઇ જાય?
ના,ના એવું એવું તો ના થાય-

પણ... પછી
જલપરીઓ છાનીમાની
ઝીણાં પવનવસ્ત્રો ઉતારી
જલક્રીડા કરવા ના આવે
ડુંગરા વાદળની પાંખ પહેરીને
ઊડી ના શકે;
ઘાસને આંસુનાં ફૂલ ના ફૂટે,
પૃથ્વી ગોળ ગોળ ફરે
પણ ઠેરની ઠેર રહે
અવકાશમાં;
આકાશ ભણી ઊંચે ના જાય.

કવિતા કરવાનું બંધ કરીએ તો
આમ તો કશું ના થાય
- એટલે કે કશું થાય જ નહીં!

No comments:

Post a Comment