Thursday, 9 September 2010

બોલ બોલ રે પ્રીતમ - મુનિ ઉદયરત્ન

જૈન મુનિ ઉદયરત્નની આ રચના છે. આ જૈન સાધુ કવિએ ૨૦ જેટલી રાસકૃતિઓ ઉપરાંત છંદ, બારમાસાં, સ્તવન, સઝ્ઝાય સ્વરૂપમાંની ઘણી કૃતિઓ સમેત વિપુલ લેખન કર્યું છે. તેઓ આશરે ૧૭મી સદીમાં જન્મ્યા હતાં.

આ સ્તવન-પદ નેમિનાથને સંબોધતી રાજુલનું પ્રેમસંવેદન આલેખે છે. રીસની ગાંઠ છોડીને પોતાની સાથે બોલવા, ને નવ ભવ સુધી 'નેહનો આંટો' આપવા, અનુનય કરતી રાજુલના મુખે એક સરસ ચાટુક્તિ મુકાઇ છે ઃ' શેરડીના સાંઠામાં જ્યાં ગાંઠો હોય ત્યાં રસ નથી હોતો- માટે રીસગ્રંથી છોડ..." છેલ્લી પંક્તિમાં કવિ કહે છે કે નેમ ને રાહુલ મુક્તિએ પહોંચતા જ જેમ વિરહ નાઠો તેમ હે સ્વામી, હવે 'ભવનો કાંઠો આપો- ભવનો અંત કરી મુક્તિ બક્ષો.'

બોલ બોલ રે પ્રીતમ મુજ શું બોલ મેલ આંટો રે;
પગલે   પગલે    પીડે    મુજને,   પ્રેમનો કાંટો રે.

રાજેમતી   કહે   છોડ    છબીલા, મનની ગાંઠો રે;
જિહાં ગાંઠો તિહા રસ નહિ, જિમ શેલડી સાઅંઠો રે.

નવ ભવનો મુને આપને નેમજી, નેહનો આંટો રે;
ધોયે કિમ ધોવાય યાદવજી, પ્રીતનો    છાંટો   રે.

નેમ રાજુલ બે મુગતી પહોતા, વિરહ નાઠો રે;
ઉદયરત્ન કહે આપને સ્વામી, ભવનો કાંઠો  રે.

No comments:

Post a Comment