Tuesday, 7 June 2011

પાંજે વતનજી ગાલ્યું - સુંદરજી બેટાઇ

કચ્છી બોલીની છાંટ ધરાવતું આ કાવ્ય નિશાળમાં ભણ્યાં હતાં. વતનના બધા લોકોના સ્મૃતિચિત્રો આપણી આંખ સામે તરવરી ઉઠે છે. આપણા બાળપણ અને વતનની યાદને જીવંત કરતું આ કાવ્ય માણીયે.

કવિ - સુંદરજી બેટાઇ

પાંજે વતનજી ગાલ્યું,
અનેરી પાંજે વતનજી ગાલ્યું.

દુંદાળા દાદજી જેવા એ ડુંગરા
ઉજ્જડ છો દેખાવે ભૂંડાને ભૂખરાં.

બાળપણું ખુંદી ત્યાં ગાળ્યું,
અનેરી પાંજે વતનજી ગાલ્યું..

પાદરની દેરી પર ઝૂકેલા ઝૂંડમાં
ભર્યે તળાવ પેલા કૂવા ને કુંડમાં

છોટપણું છંદમાં ઉછાળ્યું
અનેરી પાંજે વતનજી ગાલ્યું.

પેલી નિશાળ જ્યાં ખાધી'તી સોટીયું
પેલી શેરી જ્યાં હારી-ખાટી લખોટીયું

કેમે ના ભુલાય કાન ઝાલ્યું
અનેરી પાંજે વતનજી ગાલ્યું.

બુઢ્ઢા મીઠીમા એની મીઠેરી બોરડી
ચોકી ખડી એની થડ માંહે ઓરડી

દીધાં શાં ખાવા અમે ઝંઝેરી બોરડી
બોર ભેગી ખાધી'તી ગાળ્યું
અનેરી પાંજે વતનજી ગાલ્યું.

બાવા બજરંગીની ઘંટા ગજાવતી
ગોમી ગોરાણીની જીભને ચગાવતી


ગોવા નાઇની છટાને છકાવતી
રંગીલી રંજીલી ગાલ્યું
અનેરી પાંજે વતનજી ગાલ્યું.

વ્હાલભર્યા વેલામાં ચંચી એ ચીકણી
તંતીલી અંબા ને ગંગુ એ બીકણી
શ્યામુકાકાની એ ધમકીલી છીંકણી
જેવું બધુંય ગયું હાલ્યું
અનેરી પાંજે વતનજી ગાલ્યું.


છોટી નિશાળમાંથી મોટીમાં ચાલ્યા
પટ પટ અંગરેજી બોલ બે'ક ઝાલ્યા

ભાઇ ભાઇ કહેવાતાં અકડાતા હાલ્યાં
મોટપણું મ્હોરંતુ ચાલ્યું
અનેરી પાંજે વતનજી ગાલ્યું.

(શબ્દાર્થ - પાંજે - આપણાં, ગાલ્યું - વાતો)

No comments:

Post a Comment