Wednesday, 10 August 2011

અમને જડ્યાં - રાવજી પટેલ

આજે કવિ રાવજી પટેલની પુણ્યતિથિ. તેમને શબ્દાંજલી આર્પીએ આ ગીતથી.

કવિ - રાવજી પટેલ


પહેલ રે વ્હેલેરાં કંકુપગલાં ઉંબર પરથી
                                      અમને જડ્યાં !
ઝીણી પારેવીની પાંખ ઝીણી પરવાળાની આંખ થઇને
                                      અમને જડ્યાં !
ઘરમાં હરતાં ફરતાં રાતાં આભ હસ્યાં,
                                 નાના આભ હસ્યાં,
મનમાં પગલાં ઝર્યા;
પગલાં પોચાં-પોચાં, પગલાં સોનું-રૂપું,
                               પગલાં રાત-દિવસ
પગલાં સૌને ગમ્યાં.

પહેલ રે વ્હેલેરાં કંકુપગલાં ઉંબર પરથી
                                      અમને જડ્યાં !

એ રે પગલાંમાં ફૂટ્યા ફૂલદરિયા
                           ઊગ્યા પાછલા જનમ
કોળ્યા સુખદુઃખના મોર, ઘર ઘેંકી ઊઠ્યું--
મનમાં મ્હેંકી ઊઠ્યું;
પગલાં ઝાંઝરનો ધૂપ, પગલાં રાતરાણી,
                           પગલાં રણનો છાંયો
પગલાં એવાં જડ્યાં.
પહેલ રે વ્હેલેરાં કંકુપગલાં ઉંબર પરથી
                                      અમને જડ્યાં !

એ રે પગલાંમાં ઘર જાગી જતું, ઘર ઊંઘી જતું
ઘર ઘૌંનું કણસલું થઇને ડોલરિયું ડોલી જતું
મનમાં ડોલી જતું ;
પગલાં લંગર્યા ના લંગરાયાં, ફરી હાથ ના'વ્યાં
                                        રે ના'વ્યા
જડેલાં જરી ના જડ્યાં.
પહેલ રે વ્હેલેરાં કંકુપગલાં ઉંબર પર
                                       ખીલે જડ્યાં !

No comments:

Post a Comment