Thursday, 4 April 2013

મરણોત્તર - રમેશ પારેખ

કવિ - રમેશ પારેખ
પઠન - અંકિત ત્રિવેદી



હું મરી ગયો.
અંતરિયાળ.
તે શબનું કોણ ?
તે તો રઝળવા લાગ્યું.
કૂતરૂં હાથ ચાવી ગયું
તો સમળી આંતરડાનો લચકો ખેંચી ગ ઇ
કાગડા મજેથી આંખો ઠોલે
કાન સોંસરી કીડીઓ આવે-જાય
સાલું, સાવ રામરાજ ચાલે..
પવન દુર્ગંધથી ત્રાસીને છૂ
તે વાળ પણ ન ફરકે

-ને આ બાજુ સાંજ પડું પડું થાય.
ઘેર જવાનું તો હતું નહીં.
આખો રસ્તો પગ પાસે બટકેલો પડ્યો હતો.

હું સારો માણસ હતો.
નખમાં ય રોગ નહીં ને મરી ગયો.
કવિતા લખતો.
ચશ્માં પહેરતો.

ઝાડપાન આઘાત લાગવાના દેખાવમાં ઊભાં છે.
પાછળ ઘર કલ્પાંત કરતું હશે.
અને એમ સહુ રાબેતાભેર.
ખરો પ્રેમ માખીનો
જે હજી મને છોડતી નથી.
હું બિનવારસી,
ને જીવ સાલો, જલ્સા કરતો હશે.
પણ કાકો ફરી અવતરશે.
ને માણસગીરી કરશે, હી હી હી..
-આમ વિચારવેડા કરતો હતો

તેવામાં
બરોબર છાતી પર જ
ના, ના ઘડીક તો લાગ્યું કે અડપલું કિરણ હશે.
પણ નહોતું.
છાતી પર પતંગિયું બેઠું’તું
પતંગિયું..
આલ્લે..
સડસડાટ રૂંવાડાં ઊભાં..
લોહી ધડધડાટ વહેવા માંડ્યું
ઓચિંતી ચીસ નીકળી ગઇ કે

હું મરી ગયો નથી..
સોનલ, ત્યારે હું ફરી જીવતો થયો હોઇશ?

No comments:

Post a Comment