Friday, 23 April 2010

અતિજ્ઞાન - કવિ કાન્તમહાભારતના એક પ્રસંગને આધારે કવિ કાન્તે આ ખંડકાવ્યની રચના કરી છે. દુર્યોધન દૂત દ્વારા યુધિષ્ઠિરને જુગાર રમવાનું આમંત્રણ મોકલે છે. આ બાબત પર ચર્ચા કરવા તે એક પછી એક એમ ત્રણે ભાઇઓને બોલાવે છે, પણ સહદેવને નાનો ગણી બોલાવતા નથી.


આ સમયે સહદેવ દ્રોપદી સાથે અંતઃપુરમા છે. અને તે ત્રિકાળજ્ઞાની હોવાથી જાણે છે કે ભવિષ્ય શું છે, પણ કોઇ પૂછે નહિ ત્યાં સુધી તે સામેથી કહી શકે તેમ નથી એવો તેને શાપ મળેલો છે. કવિ કાન્તે તેનું તીવ્ર મનોમંથન રજુ કર્યુ છે. તેમણે ભાવને અનુરુપ છંદ પ્રયોજીને સહદેવની લાચારી, નિઃસહાયતા, એકલતા અને આત્મધિક્કાર ભરી મનઃસ્થિતિને સચોટ શબ્દોમા રજૂ કરી છે.

આ કાવ્ય આપણને સંદેશો આપે છે કે જ્ઞાન આવકારદાયક છે, પણ અતિજ્ઞાન શાપરૂપ બની જાય છે. સર્વજ્ઞતા હોય તે સાથે સર્વશક્તિમત્તા ન હોય તેવી સ્થિતિ અભિશાપરૂપ બની રહે છે.

કવિ - મણિશંકર ર. ભટ્ટ 'કાન્ત'
કાવ્યપઠન - કૃતેશ 'અભિષેક'(વસંતતિલકા)
ઉદ્ગીવ દ્રષ્ટિ કરતાં નભ શૂન્યા ભાસે,
ઝાંખી દિશા પણ જણાય અનિષ્ટ પાસે;
જામી ગઇ તરત ઘોર, કરાલ રાત,
લાગી બધે પ્રસરવા પર માંહિ વાત.

(અનુષ્ટુપ)
ઇન્દ્રપ્રસ્થજનો આજે વિચાર કરતા હતા;
એક બાબતને માટે શંકા સૌ ધરતા હતા.

(ઉપજાતિ)
દુર્યોધન પ્રેષિત દૂત એક;
દેખાવમાં ઘાતક દુષ્ટ છેક;
જતો હતો અંધ થતી નિશામાં,
સુગુપ્ત રાજગૃહની દિશામા !

(અનુષ્ટુપ)
શાને આવ્યો હતો તેની કલ્પનાઓ ચલાવતા;
ભય સંદેહ દર્શાવી, શિર કોઇ હલાવતા !
(વંશસ્થ)
નિગુઢ શંકા પુરવાસીઓની આ,
જરાય નિષ્કારણ તો નહોતી હા!
કરેલ આમંત્રણ ધર્મરાજને,
રમાડવા ધ્યુત અનિષ્ટભાજને

(અનુષ્ટુપ)
હા કહીને રજા આપી યશસ્વી જ્યેષ્ઠ પાંડવે;
બોલાવ્યા ત્રણ બંધુને મળવાને પછી હવે.

(દ્રુતવિલંબિત)
શિશુ સમાન ગણી સહદેવને
ખબર આ કંઇયે ન કર્યા હતા;
અવર સર્વ ગયા નૃપની કને,
પર દુઃખિત અંતરમાં થતાં !

(અનુષ્ટુપ)
કનિષ્ઠ દ્રૌપદી સાથ પોતાના વાસમાં હતો;
સતી ખેદ હતી જોતી વદને વધતો જતો !

(વંશસ્થ)
ત્રિકાલનું જ્ઞાન હતું કુમારને,
નજીક આંખે નીરખે થનારનેઃ
સ્વપક્ષનો દ્યુત વિષે પરાજય,
વળી દીસે દ્રૌપદીમાનઓ ક્ષય!

(અનુષ્ટુપ)
જાણે બધું, તથાપી હૈં કવહેવાની રજા નહીં:
શમાવી ન શકે તેથી મૂંઝાય મનની મહીં

(વંશસ્થ)
નહીં શકું હાય! બચાવી કોઇને,
અશક્ત જેવો રહું બેસી રોઇને;
ખરે! દીસે દુઃખદ શાપ આ મને,
નિહાળું છું, ભૂત ભવિષ્ય જે કને !

(અનુષ્ટુપ)
"હા ધિક્ હા ધિક ! કૃતઘ્ની હું આમ મૌન ધરી રહુંઃ
આવતું વાદળ દેખી મુખથી ન કશું કહું !"

(વંશસ્થ)
વિચારતા નેત્ર જલે ભરાય છે,
શરીરનું ચેતન ત્યાં હરાય છે;
લઇ જઇને પ્રિય વૂક્ષની સમી,
ગ્રહી કરે, મસ્તકથી રહ્યો નમી!

(અનુષ્ટુપ)
રહી જરા ફરી પાછો છૂટો થાય શરીરથી;
"પ્રિયે! સ્પર્શ કરું શું હું? અધિકાર જરા નથી!"

(વંશસ્થ)
"કરાય શું નિષ્ફલ જ્ઞાન આ,
થનાર ચીજો નવ થાય અન્યથાઃ
સદૈવ ચિંતા દિલમાં વહ્યા કરું,
અનેક હું એકલડો સહ્યા કરું!

(પુષ્પિતાગ્રા)
રજની મહિં સખી ધણીક વેળા,
નયન મળે નહીં ઊંઘ જાય ચાલી;
કરી તુજ શિરકેશ સર્વ ભેળા,
વદન સુધાકરને રહું નિહાલી"

(ઉપજાતી)
આવું કહ્ય્ં ત્યાં શિર શૂળ ચાલ્યું
રહ્યું નહીં મસ્તક મત્ત ઝાલ્યું;
મારી કુમારે અતિ આર્ત હાય,
કહ્યું," હવે એક જ છે ઉપાય!"

ચાલી જરા ને ગ્રહી એક સીસી,
પ્યાલી ભરી દંતથી ઓષ્ઠ પીસી;
ખાલી કરી કંઠ વિષે ત્વરાથી,
ગયો બધો એ બદલાઇ આથી!

(અનુષ્ટુપ)
સતી બેભાન શૈયામાં ગંધથી જ પડિ ગઇ;
સૂતો જ્યોતિષી પ્યાલીને છાતી સાથે જડી દઇ!

1 પ્રત્યાઘાતો:

Copyright 2009-2013 © With Respective Creators, Ahmedabad, Gujarat, India. All Right Reserved.

No song uploaded on this blog can be downloaded by using any techniques. If any one downloads song without permission, blog will not be responsible for copyright infringement.

Back to TOP