પૂજ્ય પિતાશ્રીનું સ્મરણ થતાં - જયદેવ શુક્લ
આજે પિતૃદિનની સહુને શુભેચ્છા. આપણાં સાહિત્યમાં માતાને જે ગરવું સ્થાન અપાયું છે, તેટલું ગરવું સ્થાન પિતાને અપાયું નથી. માતૃવંદનાના ગીતો યાદ કરવાનું કહીયે તો એક આખી શૃખંલા યાદ આવી જાય, પણ પિતૃવંદનાના ગીતો યાદ કરવાનું કહેતા મોટા મોટા સાહિત્યકારો પણ માથુ ખંજવાળવા માંડે.
બહુ શોધખોળ પછી પિતૃસ્મરણનું આ ગીત આપની સમક્ષ લાવ્યો છે. બાળકને ઘર અને સમાજની પરંપરાથી વાકેફ કરવાનું કામ પિતાનું છે. હાથ ઝાલીને પિતા પુત્રને મંદિર લઇ જાય છે, ત્યારે તે પોતાની શ્રધ્ધાનું પુત્રમાં આરોપણ કરે છે. આ પરંપરાસિંચન પિતા માટે એટલું મહત્વનું હોય છે કે ઘણી વાર બાળક માટે આકરાં પણ બને છે. આથી જ બાળક માતા માટે જેટલી લાગણી અનુભવે છે, તેટલી પિતા માટે અનુભવતો નથી. બહુ સાચુ કહ્યું છે કે,' પોતાનાં પિતા સાચા હતાં એ વાતની ખબર પુત્રને ત્યારે જ પડે છે જ્યારે તેનો પુત્ર એમ વિચારવાનું ચાલું કરે છે કે મારાં પિતા ખોટાં છે.' આ કાવ્યમાં કવિને પોથી જોઇને પોતાનાં પિતાનાં સ્મરણ જાગે છે તેની વાત કરી છે.


