Sunday, 11 April 2010

હળવે હળવે હળવે હરજી - નરસિંહ મહેતા



આદિ કવિ નરસિંહ મહેતાનો જન્મ ભાવનગર જિલ્લાના તળાજા ગામમા થયો હતો. નરસિંહ મહેતાના જીવન વિશે કોઇ આધારભૂત વીગતો મળતી નથી. આથી તેમના જીવન વિશે ઘણી માન્યતા પ્રચલિત છે. એમના પિતાનુ નામ કૃષ્ણદાસ અને માતાનું નામ દયાકોર હતું અમ માનવામા આવે છે.તેઓ નાતે વડનગરા નાગર હતાં.



ગુજરાતી સાહિત્યમા ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યની ઉત્કૃષ્ટ ઊર્મિકવિતાનો પ્રારંભ નરસિંહ મહેતાની પદરચનાથી થાય છે.નરસિંહના પદે પદે ઉઘડે છે ગુજરાતી કવિતાનું પ્રભાત. 

બાળપણમાં માતાપિતાનું અવસાન થતાં નરસિંહ ભાઇ-ભાભીની છત્રછાયામાં જૂનાગઢમાં ઊછરે છે.ભાભીનાં મહેણાં સહન ન થતાં ગૃહત્યાગ કરી વનમાં જઇ ગોપનાથ મહાદેવની આરાધના કરી હોવાની માન્યતા છે. તેમની તપસ્યાથી પ્રસન્ન થઇ મહાદેવજીએ તેમને વૈકુંઠમા લઇ જઇ કૃષ્ણ અને રાધાની રાસલીલાના દર્શન કરાવ્યા હતા તેમ પણ મનાય છે.

તેમના લગ્ન માણેકગૌરી સાથે થયા હતા. સંતાનમા એક પુત્રી કુંવરબાઇ અને પુત્ર શામળશાને જન્મ આપી માણેકગૌરી બીમારીથી મૃત્યુ પામ્યા હતા. નરસિંહ મહેતા સંસારી હોવા છ્તાં સંસારથી અલિપ્ત રહી કૃષ્ણભક્તિમા રચ્યા પચ્યા રહે છે. તેમની સમગ્ર કવિતામા કૃષ્ણપ્રેમ અને સમર્પણ છે. એક માન્યતામુજબ તે મીંરાબાઇના સમકાલીન હતા તો કેટલાક વિદ્વાનો તેમને મીંરાબાઇ કરતાં પહેલા થઇ ગયા હોવાનું માને છે.ગુજરાતી ભાષામા ઊર્મિકાવ્યનો પ્રારંભ નરસિંહ મહેતાએ કર્યો હતો અને એટલેજ તે આપણા 'આદિકવિ' કહેવાય છે.

ઝૂલણા છંદમા રચાયેલા નરસિંહના પ્રભાતિયાં સાંભળિ સૈકાઓથી ગુજરાતીઓનું પરોઢ ખીકે છે. અંતરના ઉંડાણમાંથી આવતા તેમના ભક્તિરસયુક્ત પદ હ્રદયસ્પર્શી છે

એક પ્રચલીત માન્યતામુજબ નરસિંહ મહેતાના ભજનો સાંભળિ સાક્ષાત ભગવાન કૃષ્ણ તેમને દર્શન દેતાં હતાં. એટલુજ નહીં પુત્રી કુંવરબાઉનું મામેરાં, પુત્ર શામળશાના વિવાહ, શગળશા શેઠને હૂંડી, શ્રાધ્ધ અને તેમના પર હારની ચોરીનું આળ ચઢાવામા આવ્યું વગેરે પ્રસંગે સ્વયં ભગવાને તેમના વિધ્નો દૂર કર્યા હતાં.  આ પ્રસંગોને વર્ણવતી નરસિંહની રચનાઓ 'શામળશાનો વિવાહ', હાર', 'હૂંડી', 'કુંવરબાઇનું મામેરું અને 'શ્રાધ્ધ' જેવી રચના મળી છે. આ ઉપરાંત તેમણે 'શૃગારમાળા', 'ગોવિંદગમન' અને 'રાસસહસ્ત્રપદી'ની પણ રચના કરી છે. તેમણે 'સુદામાચરિત્ર'ની રચાના દ્વારા ગુજરાતી આખ્યાન પરંપરાની સ્થાપના કરી હતી જેને પ્રમાનંદે આગળ ધપાવી હતી.

ગુજરાતી ભાષાના સહુપ્રથમ ચિત્રપટ પણ નરસિંહ મહેતા પર બનાવામાં આવ્યું હતું એટલુ જ નહીં ભારતમા કોઇ એક વ્યક્તિના જીવન પર સહુથી વધુ ચિત્રપટ બન્યા હોય તો તે નરસિંહ મહેતા છે.

નરસિંહ મહેતાએ મલ્હાર રાગ ગાઇ વરસાદ વરસાવ્યો હતો. ભવિષ્યમા તેમના વંશમા થઇ ગયેલા તાના-રિરિ બહેનોએ પણ મલ્હાર રાગ ગાઇ તાનસેનની દેહાગ્નિને શામી હતી.

તેમના જીવનના કેટલાક પ્રસંગોના વિડિયો યુ ટ્યુબ પર ઉપલબ્ધ છે. તે ચિત્રપટ 'કુંવરબાઇનું મામેરું' માંથી લેવામા આવ્યા છે.તેને પણ જરૂર જોજો.

કુંવરબાઇનું મામેરું


હુંડીનો પ્રસંગ


નાત બહાર મુકવાનો પ્રસંગ


મલ્હાર રાગનુ ગાન


મંદિરના હારની ચોરીનુ આળ




આજના આ પદની વાત કરીયે તો, પ્રેમલક્ષણા ભક્તિયુક્ત આ પદમા ગોપીએ શ્રીકૃષ્ણનો અનુભવ પ્રસન્નમહિમા પ્રેમપૂર્વક ગાયો છે. ગોપીએ હરખથી કૃષ્ણના આગમનને વધાવ્યું છે. શ્રીકૃષ્ણને પામતાં ન્યાલ થઇ જતી ગોપીના ઉદગાર સાવ સાદી ભાષામા પણ જે સરસતા અને સચોટતાથી રજૂ થયાં છે તે નોંધપાત્ર છે. અને આરતી મુનશીએ તેટલી જ સરસ રીતે આ ગીત ગાયું છે. તો માણો આ ગીત.


પદ - નરસિંહ મેહતા
સ્વર - આરતી મુનશી




હળવે હળવે હળવે હરજી મારે મંદિર આવ્યા રે;
મોટે  મોટે   મોટે મેં   તો   મોતીડે   વધાવ્યા   રે.

કીધું     કીધું    કીધું  મુને   કાંઇક કામણ કીધું રે;
લીધું   લીધું   લીધું   મારું   મન  હરીને લીધું રે.

ભૂલી ભૂલી ભૂલી હું તો ઘરનો   ધંધો   ભૂલી   રે;
ફૂલી ફૂલી  ફૂલી  હું તો  હરિમુખ  જોઇ  ફૂલી  રે.

ભાંગી ભાંગી ભાંગી મારા ભવની ભાવટ ભાગી રે;
જાગી  જાગી  જાગી હું  તો  હરિને  સંગે  જાગી  રે.

પામી   પામી  પામી  હું   તો પૂરણ  વરને  પામી  રે;
મળિયો મળિયો મળિયો મહેતા નરસૈંયાનો સ્વામી રે.
(નોંધ - આ માહિતી મે મારી જાણકારી મુજબ આપી છે. તેમા કોઇ ભૂલ હોય તો મને જરૂર જણાવજો.અને હા,આ ગીતના શબ્દો વીકીપીડીયા પરથી લીધા છે.)

0 પ્રત્યાઘાતો:

Copyright 2009-2013 © With Respective Creators, Ahmedabad, Gujarat, India. All Right Reserved.

No song uploaded on this blog can be downloaded by using any techniques. If any one downloads song without permission, blog will not be responsible for copyright infringement.

Back to TOP