કવિ અખાનો પરિચય
આજે અક્ષયતૃતિયા એટલે કે અખાત્રીજનો દિવસ છે. વણજોયા મુહૂર્ત તરીકે આજનો દિવસ દરેક શુભ કાર્યો માટે ઉત્તમ ગણાય છે. ગામડામાં ખેડૂતો આજના દિવસે તેમનાં ઢોરને સજાવે છે અને લણણીનો પ્રારંભ કરે છે. જો કે આજનો દિવસ ગુજરાતી સાહિત્ય માટે સોનાનો ગણાય છે. કારણ કે આજે સાહિત્યમાં છપ્પાને અમર કરનાર અખાનો જન્મદિવસ છે.
અખા વિશે વાત કરતાં પહેલા થોડી છપ્પા વિશે વાત કરી લઇયે. છપ્પા એટલે છ પંક્તિઓવાળો કાવ્યપ્રકાર. તેમાં રોળા છંદની ચાર અને ઉલ્લાળા છંદની બે પંક્તિઓ હોય છે. જો કે અખાએ છપ્પામાં ચોપાઇ છંદનો ઉપયોગ કર્યો છે. મધ્યકાલીન સાહિત્યમાં સદાચારબોધ અને કટાક્ષ માટે છપ્પા પ્રયોજાયા છે. સાહિત્યમાં અખા અને શામળના છપ્પા પ્રખ્યાત છે.
છપ્પા અખાનુ સમર્થ સર્જન છે. સંસારનુ સાચું ચિત્રણ છપ્પામાં છે. સમાજની રૂઢિગ્રસ્તતા, સામાજિક દૂષણો, ધાર્મિક પાખંડ, ઢોંગ, આચારજડતા, સાંપ્રદાયિક ઝઘડાં, કર્મકાંડ, દેહદમન, બાહ્યાચારો, દંભી ભક્તો, પાખંડી ગુરૂઓ વગેરે સામે તેમણે તીખા કટાક્ષો કર્યા છે. તેમના છપ્પામાં ધારદાર કથન છે. તેમાં થોડામાં ધણો અર્થ ભરેલો વર્તાય છે. અખાની ભાષા અર્થઘન અને ઓજસ્વી છે. તે અર્થપ્રગટ કરવા જે અલંકારો યોજે છે તે તાજગી ભર્યા છે.
અખો અમદાવાદ પાસેના જેતપુર ગામનો વતની. અખાત્રીજના દિવસે જન્મ, આથી નામ પડ્યું અક્ષયકુમાર. પણ પ્રચલીત બન્યો અખાના નામથી. ઇસુની સત્તરમી સદીમાં થઇ ગયેલા અખા ભગત ગુજરાતના સમર્થ વેદાંતી કવિ છે. તત્ત્વજ્ઞાન અને કવિતાનો સુભગ સમન્વય એમની રચનાઓમાં જોવા મળે છે. ગુજરાતમાં જ્ઞાનમાર્ગી કવિઓમાં તેઓ શ્રેષ્ઠ છે. તેમની કેટલીયે કાવ્યપંક્તિઓ લોકોનાં હૈયાંમાં વસી ગઇ છે.
જ્ઞાતિએ સોની એવા અખા ભગત બાળપણથી જ બુદ્ધિમાન, એકાંતપ્રિય અને ગંભીર પ્રકૃતિના હતા.એકપછી એક સ્વજનોની કરૂણ વિદાયે તેમને વૈરાગ્ય પ્રતિ વાળી દીધા હતા. અખાનાં જીવનની કેટલીક ઘટનાઓની કડવાશ તેમની રચનાઓમાં જોવા મળે છે.
જમુના નામની સ્ત્રીને તેમણે ધર્મની બહેન માની હતી. તેને કોઇ પ્રસંગે સોનાના દાગીનાની ભેટ આપી. પણ ગામજનોએ જમુનાની એવી કાનભંભેરણી કરી કે, 'સોની તો પોતાની બહેનને પણ છેતરે.' આથી જમુનાબહેને બીજા સોની પાસે એ દાગીનાની શુધ્ધતાની ખરાઇ કરાઇ. આ વાતની અખાને ખબર પડી ત્યારે તેને ખુબ આઘાત લાગ્યો.
ઉપરાંત કાળુપુરની ટંકશાળમાં ઉપરી તરીકે ફરજ બજાવી હતી. આ સમયે તેમના પર ગેરરીતીનું ખોટું આળ મુકવામાં આવ્યં. આ બધા પ્રસંગોને કારણે અખાનો સંસારમાંથી રસ ચાલી ગયો. સમાજમાં જોયેલી કડવી વાસ્તવિક્તાનું ચિત્રણ તેની રચનાઓમાં જોવા મળે છે. તેની વાતો જેટલી કડવી છે, તેટલી જ સાચી છે. સામાન્ય રીતે વેદાંત નિરસ વિષય ગણાઅ છે. દ્વૈત-અદ્વૈત, મૂર્તિપૂજા, પાખંડ વગેરે વિષયો સામાન્ય વ્યક્તિઓની સમજ બહારના છે. પણ અખાની અનુભવવાણીએ તેનું અત્યંત રસમય નિરુપણ કર્યુ છે.
છપ્પા ઉપરાંત અખાએ 'અનુભવબિંદુ','અખેગીતા','પંચીકરણ','ગુરુશિષ્યસંવાદ' વગેરે કૃતિઓ આપી છે. 'બ્રહ્મલીલા' અને 'સંતપ્રિયા' વગેરે રચના તેમણે હિન્દીમાં પણ આપી છે. અખાનો આ પરિચય આપવા મારા ગુજરાતીના પાઠ્યપુસ્તકનો સહારો પણ લીધો છે.
0 પ્રત્યાઘાતો:
Post a Comment