Monday, 17 May 2010

ભગવાનનો ભાગ - રમેશ પારેખ

આજે રમેશ પારેખની પુણ્યતીથીએ સાંભળિયે તેમના અવાજમાં એક ગીત.


કાવ્યપઠન - કવિ રમેશ પારેખ



નાનપણમાં બોરાં વીણવા જતા.
કાતરા પણ વીણતા.
કો'કની વાડીમાં ઘૂસી ચીભડાં પણ ચોરતા.
ટેટા પાડતા.

પછી બધા ભાઇબંધો પોતાનાં ખિસ્સામંથી
ઢગલી કરતા ને ભાગ પાડતા-
- આ ભાગ ટીકુનો.
- આ ભાગ દીપુનો.
- આ ભાગ ભનિયાનો, કનિયાનો...
છેવટે એક વધારાની ઢગલી કરી કહેતા-
'આ ભાગ ભગવાનનો!'

સૌ પોતપોતાની ઢગલી
ખિસ્સામાં ભરતા,
ને ભગવાનની ઢગલી ત્યાં જ મૂકી
રમવા દોડી જતા.

ભગવાન રાતે આવે, છાનામાના
ને પોતાનો ભાગ ખાઇ જાય - એમ અમે કહેતા.

પછી મોટા થયા.
બે હાથે ઘણુંય ભેગું કર્યુ;
ભાગ પાડ્યા - ઘરના, ઘરવખરીના,
ગાય, ભેંસ, બકરીના.
અને ભગવાનનો ભાગ જુદો કાઢ્યો?

રબીશ! ભગવાનનો  ભાગ?
ભગવાન તે વળી કઇ ચીજ છે?

સુખ, ઉમંગ, સપનાં, સગાઇ, પ્રેમ -
હાથમાં ઘણું ઘણું આવ્યું...

અચાનક ગઇ કાલે ભગવાન આવ્યા;
કહે, લાવ મારો ભાગ...

મેં પનખરની ડાળી જેવા
મારા બેહાથ જોયા, ઉજ્જડ.
એકાદ સૂકું તરણુંયે નહીં.
શેના ભાગ પાડું ભગવાન સાથે?
આંખમાં ઝળઝળિયાં આવ્યાં,
તે અડધાં ઝળઝળિયાં આપ્યાં ભગવાનને.

વાહ! કહી ભગવાન મને અડ્યા,
ખબે હાથ મૂક્યો,
મારી ઉજ્જડતાને પંપાળી,
મારા ખાલીપાને ભરી દીધો અજાણ્યા મંત્રથી.

તેણે પૂછ્યું; 'કેટલા વરસનો થયો તું?'
'પચાસનો' હું બોલ્યો.

'અચ્છા..' ભગવાન બોલ્યાઃ '૧૦૦માંથી
અડધાં તો તે ખર્ચી નાખ્યાં...
હવે લાવ મારો ભાગ!'
ને મેં બાકીના પચાસ વરસ
ટપ્પ દઇને મૂકી દીધાં ભગવાવવા હાથમાં!

ભગવાન છાનામાના રાતે એનો ભાગ ખાય.

હું હવે તો ભગવાનનો ભાગ બની પડ્યો છું અહીં.
જૌં છું રાહ-
કે ક્યારે રાત પડે
ને ક્યારે આવે છાનામાના ભગવાન
ને ક્યારે આરોગે ભાગ બનેલા મને
ને ક્યારે હું ભગવાનનાં મોંમા ઓગળતો ઓગળતો...

0 પ્રત્યાઘાતો:

Copyright 2009-2013 © With Respective Creators, Ahmedabad, Gujarat, India. All Right Reserved.

No song uploaded on this blog can be downloaded by using any techniques. If any one downloads song without permission, blog will not be responsible for copyright infringement.

Back to TOP