માડી તારાં બેસણાં ગઢ ગિરનાર : લોકગીત
તમને થશે કે આ ભર ઉનાળે આ ગરબાની રમઝટ કેમ માંડી? એનું કારણ એ છે કે આજે હું જૂનાગઢ આવ્યો છું. અને ગિરનારનો પર્વત જોઇ હૈયું આનંદથી છલકાઇ ઉઠે છે. આ વખતે ગિરનાર આવ્યો છું તો બે મહિના પહેલાં કરેલી ગિરનારની યાત્રા યાદ આવી ગઇ.
વેહેલી સવારે સાડા ત્રણ વાગે ઉઠી વેરાવળથી જૂનાગઢ પહોંચ્યો હતો. જૂનાગઢ સ્ટેશનથી તળેટી પહોંચવા રિક્ષા પકડી. આખો રસ્તો સુમસામ અને મને બહુ જ બીક લાગે. એમાં પણ રિક્ષાવાળાએ મારી પાસેથી ત્રણગણું ભાડું પડાવી લીધું. પાકિટ જોયું તો રોકડાં ત્રીસ રુપિયા વધ્યાં.
વળી, એ દિવસે પર્વત ચઢવાનો ટૂંકો અને સરળ રસ્તો કોઇ સ્પર્ધાને કારણે બંધ હતો. બીજા રસ્તેથી પર્વત ચઢવો પડ્યો, જે ખૂબ જ પથરાળ હતો. પગમાં એવું તો વાગેને. વળી, આગલી રાતે મેં કશું ખાધું પણ ન હતું. આથી પેટમાં પણ લા'ય લાગી હતી. નીચેથી એક પાણીની બોટલ લીધી હતી અને પૈસા ખતમ થઇ રહ્યાં.
આખરે માતાજીની કૃપાથી અંબાજી સુધી તો પહોંચ્યો. પણ મંદિરમાં બહુ કડવો અનુભવ થયો. માતાજીના દર્શન કરતાં પહેલાં પૂજારી દસ રૂપિની ભેટ માંગે!!! થોડું ઝઘડીને વગર પૈસે દર્શન કર્યા, પણ મન ખાટું થઇ ગયું. વળી, ભૂખ અને તરસથી બૂરાં હાલ હતાં. મને તો આડે દિવસે પણ દર અડધાં કલાકે પાણી પીવા જોઇએ જ. અને અહીં બે કલાકથી પાણીનું ટિપું પણ મળ્યું ન હતું. આખરે કમને દત્તાત્રેય જવાનું માંડીવાળી નીચે ઉતરવા લાગ્યો.
માતાજીએ બહુ જ આકરી પરીક્ષા કરી હતી. આખરે હેમખેમ નીચે આવ્યો તો ખરો. પણ મંદિરમાં થયેલા કડવા અનુભવને કારણે હવે ફરી ગિરનાર ચઢતાં પહેલા સો ટકાં વિચાર કરીશ.
લોકગીત
સ્વર - ઉષા મંગેશકર, પ્રફુલ્લ દવે
- છંદ -
માડી તારા બેસણાં ગઢ ગિરનાર,
નવે ખંડ નજર્યું પડે રે લોલ.
માડી તેં તો દિપાવ્યો સોરઠ દેશ,
ધજાએ આંય ખોળ્યું ધરું રે લોલ.માડી તારા બેસણાં…
માડી તારી લટમાં જમુના ઝૂલે,
જીભડિયે ગંગા ઝરે રે લોલ.માડી તારા બેસણાં…
માડી તારા નમણાં નિર્મળ રૂપ,
કે કરોડ કરોડ વંદન કરું રે લોલ.માડી તારા બેસણાં…
માડી મેં તો કો’ક દિ’ કીધા હોય,
એ પૂણ્ય તારે પગે ધરું રે લોલ.માડી તારા બેસણાં…
માડી તારા ઊંચા મંદિર નીચા મોલ,
ઝરુખડે દીવા બળે રે લોલ.માડી તારા બેસણાં…
(શબ્દો - ઊર્મિસાગર)
0 પ્રત્યાઘાતો:
Post a Comment