Friday, 23 July 2010

ઉમા- મહેશ્વર - રામનારાયણ પાઠક 'શેષ'

આજથી જયા-પાર્વતીવ્રતનો પ્રારંભ થાય છે. સારો જીવનસાથી મેળવવા કુંવારિકા જયામાની પૂજા-અર્ચના કરે છે. આપણા શાસ્ત્રોમાં પણ શિવ-પાર્વતી આદર્શ દાંપત્યનું પ્રતિક ગણાય છે. તો આજે માણીયે શિવ-પાર્વતીનાં દાંપત્યજીવનના પ્રતિક સમા આ કાવ્યને.



શિવ-પાર્વતીના મીઠા કલહનું આ સુંદર કાવ્ય છે. સમુદ્રમંથનમાંથી નીકળેલા બધા રત્નો દેવતાઓએ વહેંચી લીધા, જ્યારે મહાદેવને ભાગે કેવળ હળાહળ વિષ આવ્યું. તેના જવાબમાં મહાદેવજી કહે છે કે હું તો તમારા આ અધરનુ અમૃત પીવું છું, ત્યારે પાર્વતી કહે છે કે, આખા જગતમાં છેતરાઇને આવો છો અને ઘરમાં મને છેતરો છો? તમે પણ માણો શિખરિણી છંદમાં રચાયેલ કાવ્ય.

કવિ - રામનારાયણ વિ. પાઠક 'શેષ'

"અરે ભોળા સ્વામી! પ્રથમથી જ હું જાણતી હતી,
ઠગાવાના છો જી જલધિમથને વ્હેંચની મહીં,
જુઓ ઇન્દ્રે લીધો તુરગમણિ ઉચ્ચૈઃશ્રવસ, ને
વળી લીધો ઐરાવત જગતના કૌતુક સમો,

લીધી કૃષ્ણે લક્ષ્મી, હિમસમ લીધો શંખ ધવલ,
અને છૂટો મૂક્યો શશિધર સુધાનાં કિરણનો,
બધાએ ભેગા થૈ અમૃત, તમને છેતરી, પીધું
અને ---" "ભુલે ! ભુલે! અમૃત ઉદધિનું વસત શી?
રહી જેને ભાગ્યે અનુપમ સુધા આ અધરની!"

"રહો, જાણ્યા એ તો જગ મહીં બધે છેતરઇને
શિખ્યા છો ઘર આવીને ઘરની ઘરૂણી એક ઠગતાં.
બીજું તો જાણે કે ઠીક જ. વિષ પીધું ક્યમ કહો?"

"બન્યું એ તો એવું કની સખી! તહીં મંથન સમે,
દીઠી મેં આલિંગી જલનિધિસુતા કૃષ્ણતનુને,
અને કાળા કંઠે સુભગ કર એવો ભજી રહ્યાં
મને મારા કંઠે મન થયું બસ એ રંગ ધરવા ---
મુકી જો, આ બાહુ ઘન મહીં ન વિદ્યુત સમ દીસે!"

તહીં વિશ્વે આખે પ્રયણઘન નિઃસીમ ઊલટ્યો
અને એ આશ્લેષે વિષ જગતનું સાર્થક બન્યું!


2 પ્રત્યાઘાતો:

Pancham Shukla Friday, July 23, 2010 6:44:00 am  

ઘણા નવા કાવ્યો અને ગીત/સંગીતથી બ્લોગ મનનીય બન્યો છે. હમણાથી સરસ અપડેટ થાય છે.

Anonymous,  Friday, July 23, 2010 3:09:00 pm  

દુનિયા ભલે મહાદેવ માનીને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરે, પણ તેમને તો પોતાનાં હોમ મિનિસ્ટરને પ્રસન્ન કરવા પડે છે. ઘેર ઘેર માટીનાં ચુલા

Copyright 2009-2013 © With Respective Creators, Ahmedabad, Gujarat, India. All Right Reserved.

No song uploaded on this blog can be downloaded by using any techniques. If any one downloads song without permission, blog will not be responsible for copyright infringement.

Back to TOP