હળવદનાં બ્રાહ્મણો ૩૫ લાડું જમે - લોકગીત
હળવદ એટલે લાડવા પ્રિય બ્રાહ્મણોનું ગામ. મારું મોસાળ ધ્રાંગધ્રાથી હળવદ થોડા જ કિલોમિટરનાં અંતરે. અહીંના બ્રાહ્મણો એક જ ટંકમાં ૨૦-૩૦ લાડવા ખાવા માટે પ્રખ્યાત. આ લાડુપ્રિય પ્રજાની ખાસિયતને રજૂ કરતું એક મસ્તીગીત માણીયે.
સ્વર - ????
સંગીત - ????
હે અંબે માડી હે, હળવદ ગામે હે...
અંબેમાડી હળવદમાં શું બામણ જોયા અમે,
જમણવારમાં જાયે તો પાંત્રીસ લાડુ જમે
જમણવારમાં જાયે તો પાંત્રીસ લાડુ જમે
ઝાપટે લાડું.......
ઘડ્યાં બામણ મા તે કેવાં?,
કર્યા પરાક્રમો જોવા જેવા,
ભલભલાંને ભાંગી નાખે,
અહીંના મર્દો છે તેવાં,તેવાં
અહીં ઘણાય વીરો થઇ ગયાં,
કોના કોના નામો લેવાં
આ માટીના કણેકણોમાં
શુરાતન છે રમે,
જમણવારમાં ભૂદવે અહીં પાંત્રીસ લાડુ જમે,
જમણવારમાં ભૂદવે અહીં પાંત્રીસ લાડુ જમે,
કેવા હળવદિયા છે..........
અહીં ઘણાં પાળીયા ખાંભી,
અગણીત છે સતીઓની દહેરી,
રહી યાદો છે હવે બાકી,
બસ આ જ શહીદો કેરી
હળવદના વિતેલા યુગની
સાક્ષી છે શેરી એ શેરી.
હળવદ કેરાં હવાને પાણી,
સહુ કોઇને ગમે
અહીંના બામણો જમણવારમાં પાંત્રીસ લાડું જમે.
મંદિરમાં સાંજ સવારે ઘંટારવ છે સંભળાતા,
તળાવની પાળે વૃક્ષોની ડાળે બેઠેલા પંખીડા ઓ ગાતાં ગાતાં ગાતાં
મંદિરમાં સાંજ સવારે ઘંટારવ છે સંભળાતા,
છે તળાવે મંદિર તારું,
હે શક્તિ કેરી માતા,
ભક્તો આવે તારી શરણો, માડિ તુજને નમે,
હળવદનાં બામણને માડિ લાડું ખાવા ગમે.
અંબેમાડી હળવદમાં શું બામણ જોયા અમે,
જમણવારમાં જાયે તો પાંત્રીસ લાડુ જમે
જમણવારમાં જાયે તો પાંત્રીસ લાડુ જમે
પાંત્રીસ લાડુ જમે...............
અને હા, આ હળવદ વિશેષ ગીત પછી સંદેશમાં આપેલો હળવદનો ટૂંકો પરિચય પણ માણો.
સમગ્ર ઝાલાવાડમાં ઐતિહાસિક નગરી તરીકે ગણાતા હળવદ કાંઈક અનોખો જ ઇતિહાસ ધરાવે છે. એક સમયનું રણ સમરાંગણ અને રતૂંબડી માટીમાં બ્રાહ્મણોના શૌર્યનો ઇતિહાસ ધરાવતા હળવદ ગામનો પાયો રાજા રાજોધરજીએ ઇ.સ. ૧૪૮૮ના મહા વદી ૧૩ના રોજ નાખ્યો હતો. ત્યારે હળવદના વસવાટને પાંચસો એકવીસ વર્ષ પૂરા થઈ પાંચસો બાવીસમા વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો છે. ઝાલા રાજાઓની એક સમયની રાજધાની ગણાતા હળવદમાં અનેક શિવાલયો અને અન્ય દેવી-દેવતાઓના અસંખ્ય મંદિરોના કારણે હળવદ છોટા કાશી તરીકે નામના મેળવી ચૂક્યું છે.
રાતા લુઘડા હાળા મો, રખને ભાઈ હળવદિયા હો... આ કહેવત હળવદિયાઓ માટે વર્ષો જૂની બની ગઈ છે. હળવદની આ પવિત્ર ધરા ઉપર ઝાલાવાડમાં સૌથી વધુ યુદ્ધો ખેલાયા હોવાના પુરાવાઓ પણ અત્રે જોવા મળે છે. ૧૯મીના ઉત્તરાર્ધમાં થયેલી ગણતરી મુજબ હળવદમાં ત્રણસો નેવું જેટલા પાળિયાઓ પૈકી બસો જેટલા પાળિયા તેમ જ એકસો જેટલી સતી-શુરાની દેરીઓ હળવદના રાજીપેર વિસ્તારમાં આજે પણ મોજૂદ છે. ઉપરાંત તાલુકા અને શહેરી વિસ્તારના વિવિધ ભાગોમાં તેમ જ વિવિધ સીમાડાઓમાં જ્યાં જ્યાં નજર દોડાવો ત્યાં ત્યાં શૂરવીરોની મર્દાનગીની ગવાહી આપતા પાળિયાઓ આજે પણ અડીખમ ઊભા છે.
હળવદ શહેર દરિયાની સપાટીથી ૪૦ મીટર ઉપર છે. પાંચસો વર્ષ સુધી ઝાલાવાડનું પાટનગર રહી ચૂકેલું હળવદ ફરતો કિલ્લો અને ગઢ આવેલા છે અને આ ગઢને છ છ દરવાજાઓ પણ આવેલા છે. જેવા કે ધ્રાંગધ્રા દરવાજો, મોરબી દરવાજો, કુંભાર દરવાજો, દંતેશ્વર દરવાજો, ગોરી દરવાજો, તળાવ દરવાજો આજે પણ અહીં મોજૂદ છે. હળવદ શહેર મધ્યે આવેલું સાતસો એકરનો ફેલાવો ધરાવતું સામંતસર તળાવ શહેરની શોભામાં અભિવૃદ્ધિ કરી રહ્યું છે. ઇ.સ. ૧૭૦૯માં રાજા જયવંતસિંહે સામતસર તળાવના કિનારે એક ભવ્ય રાજમહેલ બનાવ્યો હતો જે આજે પણ મોજૂદ છે અને આ મહેલ થકી હળવદની ઓળખ થઈ રહી છે. માત્ર ચાર અક્ષરના બનેલા હળવદ શહેર પોતાના ખોળામાં અનેક વિરાટોને સમાવીને બેઠું છે.
હળવદના વિવિધ રાજવીઓ
હળવદ શહેરનો પાયો રાજા રાજોધરજીએ મહા વદી તેરસ ઇ.સ. ૧૪૮૮માં મળ્યા બાદ હળવદના વિવિધ રાજવીઓ કુશળ અને બાહોશ હતા જેમાં રાજોધરજી, માનસિંહજી, રાવસિંહજી, ચંદ્રસિંહજી,આશાહારમજી, અમરસિંહજી, મેઘરાજજી, ગજસિંહજી, જશવંતસિંહજી, પ્રતાપસિંહજી, રૃપસિંહજી,રણમલસિંહજી, મયુરધ્વજસિંહજી જેવા પરાક્રમી વીર રાજાઓ થઈ ગયા.
હળવદ નામ કેવી રીતે પડયું ?
ઐતિહાસિક દૃષ્ટિએ જોઈએ તો ઇ.સ. સાતમી સદી દરમિયાન પ્રસિદ્ધ ચીની યાત્રી યુ એન સાંગે ભારત યાત્રા કરતા વલભીપુરથી લોગનપુર ગયા હતા. સંસ્કૃતમાં લોગન શબ્દ હળનો પર્યાય છે. આજથી સૈકા પહેલાં સંસ્કૃતપ્રેમીઓ આ ભૂમિને લોગનપુર તરીકે ઓળખતા હતા. ઉપરાંત આ ગામનો વસવાટ હળ જેવો હોય તેનું નામ હળવદ પડયું છે. શહેરના જાણીતા ઇતિહાસવિદ્ અને ભૂદેવ એવા ભાનુભાઈ ઠાકર આજે ૮૦ વર્ષે પણ જુવાનિયાને શરમાવે તેવી તાકાત ધરાવે છે. તેઓના જણાવ્યા મુજબ આજે હળવદ ગામના વસવાટને પાંચસો એકવીસ વર્ષ પૂરા થયા છે. હળવદની ઓળખ આજે પણ સમગ્ર દેશ અને દુનિયામાં અનેરી છે. તેથી જ હળવદના ભૂદેવો તથા હળવદના લાડુ પ્રખ્યાત થયા છે. લાલ માટીની મહેકવાળા અને જ્યાં ફરતા શિવમંદિરો આવ્યા છે જેની આજુબાજુ અનેક શૂરવીરોના પાળિયા શહેરનું પૂરું રક્ષણ કરી રહ્યા છે તેવા હળવદની ભૂમિને લાખ લાખ પ્રણામ સાથે હેપ્પી બર્થડે ટુ યુ... !
વિશ્વમાં જાણીતા હળવદના લાડુ
છોટા કાશી તરીકે ઓળખાતા હળવદ શહેર ભૂદેવોની નગરી તરીકે પણ જાણીતું છે. હળવદના ભૂદેવો લાડવા ખાવામાં સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. માત્ર એક જ ટંકે સાઠ લાડવા ખાનાર હળવદના દુર્ગાશંકર બાપા જગ પ્રખ્યાત ગણાતા હતા. આજે પણ હળવદિયા બ્રાહ્મણો પૈકી અમુક જુવાનિયાઓ વીસ જેટલા લાડવા સામાન્ય આરોગી જાય છે. જે તે સમયે ચુરમાના લાડુ બ્રાહ્મણો માટે ઔષધી સમાન પુરવાર થયાનું જાણવા મળે છે.
સ્મશાનમાં લોકો શા માટે જતા હોય છે? કોઈકને અંતિમ વિદાય આપવા માટે! સુરેન્દ્રનગરના હળવદ સિવાયનાં સ્મશાનો માટે આ જવાબ સાચો છે. હળવદમાં કોઈને અગ્નિદાહ આપવા ઉપરાંત છેડાછેડી પણ સ્મશાનમાં છૂટે છે! એ ઉપરાંત હળવદ તેના બળુકા બ્રાહ્મણો માટે પણ ખ્યાતનામ છે.
સ્મશાનથી શરૃઆત
આમ તો સ્મશાનમાં જવાની કોઈને ઇચ્છા ન હોય પણ ત્યાં જવું પડે એ પણ નક્કી છે. કોઈની અંતિમવિધિ સિવાય લોકો ત્યાં જતા હોતા નથી. એમાંય મોટા ભાગનાં સ્મશાનોમાં તો ભૂત થતાં હોવાની માન્યતા પ્રચલિત હોઈ એટલે જવાનો કોઈ સવાલ જ નથી. સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા હળવદનું સ્મશાન જરા અલગ પ્રકારનું છે. અહીં બ્રાહ્મણ નવદંપતીઓ છેડાછેડી છોડવા આવે છે. આ પ્રથાનાં મૂળિયાં સમજાવતાં હળવદના વયોવૃદ્ધ ભાનુભાઈ ઠાકર અને જયંતિભાઈ કહે છે, ‘જે કુટુંબના પૂર્વજો સતી થયા હોય અથવા જેના પાળિયા હોય તેના આશીર્વાદ લઈને જ લગ્નજીવન આગળ ધપાવવું એવી પરંપરા છે. આ પરંપરા ક્યારે શરૃ થઈ તેની ચોક્કસ જાણકારી મળતી નથી પણ એ પરંપરા કોઈ તોડી શક્યું નથી એ હકીકત છે.’ કદાચ આ દેશનું એકમાત્ર એવું સ્મશાન હશે જ્યાં એક તરફ ચિતા સળગતી હોય અને બીજી બાજુ કોઈ દંપતીની છેડાછેડી છોડવાની વિધિ ચાલતી હોય. દેશ પરદેશમાં ગમે ત્યાં રહેતા બ્રાહ્મણો અહીં છેડાછેડી છોડવા આવે છે.
એક સમયે હળવદ બહાદુરોનું ગામ હતું. ત્યાંની શૂરવીરતાની સાક્ષી પૂરતા પાળિયાઓ ગામની ભાગોળે ઇતિહાસના મૌન સાક્ષી બનીને ઊભા છે. અહીં સૌથી વધુ વસ્તી ભૂદેવોની. આજે પણ ૪૫ હજારની વસતી ધરાવતા હળવદમાં ૨૦ હજાર જેટલા બ્રાહ્મણોે રહે છે.
એક ગણતરી પ્રમાણે ૧૯મી સદીના ઉતરાર્ધમાં હળવદના પાદરમાં પોણા ચારસો જેટલા પાળિયા હતા. તેમાંથી ૧૪ પાળિયાઓનાં નામ ઉકેલી શકાયાં ન હતાં. મરદ પાછળ સતી થયેલી સ્ત્રીઓની ૩૦૦ દેરીઓ છે. એ સતી સ્ત્રીઓને તેના કુુટૂંબીજનો દેવી ગણી તેની પૂજા કરે છે.
એક સમયે હળવદ ઝાલાવાડનું પાટનગર ગણાતું. ઝાલાવાડમાં સૌથી વધુ ધિંગાણાં અહીં થયાં છે. એ સમયે બ્રાહ્મણોની બહુમતી હતી એટલે સ્વાભાવિક રીતે જ લડવૈયાઓ પણ બ્રાહ્મણો જ હતા. અહીંના સ્મશાનમાં હળવદના રાજાઓની દેરીઓ પણ છે.
આખા દેશમાં ૩ સ્મશાનો પ્રખ્યાત છેઃ ઉજ્જૈનનું મહાકાલેશ્વર સ્મશાન, પાટણનું હિંગળાજ સ્મશાન અને હળવદનું રાજેશ્વર સ્મશાન. સામાન્ય રીતે સ્મશાનનો સંબંધ મોત સાથે હોય છે, પણ હળવદનું સ્મશાન ત્યાં થતી હલચલને કારણે ‘જાગતંુ સ્મશાન’ પણ કહેવાય છે.
છોટે કાશીની મોટી સ્પર્ધા
વર્ષોથી હળવદમાં ભૂદેવો વચ્ચે લાડુ ખાવાની સ્પર્ધા યોજાય છે. એ સ્પર્ધામાં પહેલાં તો કમિટી લાડુનું કદ નક્કી કરે. લગભગ સો ગ્રામ વજન ધરાવતા લાડુ સાથે ભોજનમાં માત્ર દાળ જ પિરસાય. છેલ્લે ૨૦૦૬માં હરીફાઈ યોજાયેલી ત્યારે વિજેતા બનેલા સ્પર્ધેકે પોતાના પેટમાં ૩૦ લાડૂ સમાવી દીધા હતા! હળવદમાં જન્મેલા અને દેશ-પરદેશમાં ખ્યાતિ પામેલા ખગોળવિજ્ઞા|ની ડો.જે.જે. રાવલ કહે છે, ‘અમે નાના હતા ત્યારે ચાર-પાંચ લાડુ માંડ ખાઈ શકતા. આજે પણ ચારથી વધુ ખાવા મુશ્કેલ છે. પણ ખાનારાઓ ૫૦-૫૦ લાડવા આરોગી જતા.’
આ સ્પર્ધા સાથે એક રસપ્રદ પ્રસંગ જોડાયેલો છે. લગભગ ત્રણેક દાયકા પહેલાં અહીં દુર્ગાશંકર સવાલી નામના બ્રાહ્મણ રહેતા હતા. તેઓ સામાન્ય રીતે ૬૦ લાડુ જમી જતા. એક વખત કંઈક ૬૫ લાડુ ખવાઈ ગયા અને તેમની તબિયત બગડી. વૈદને બોલાવ્યા, નાડી તપાસાઈ, બીજી નાની મોટી તપાસ પૂરી થઈ અને વૈદે કહ્યું કે હું ચાર ગોળી આપું છું તે ખવડાવી દો એટલે બધું બરાબર થઈ જશે. એ વખતે દુર્ગાશંકર બોલ્યા, કે ના ના, ચાર ગોળી જ ખાવાની હોય તો હું ચાર લાડુ ખાવાનું પસંદ કરીશ! શું તેમનો લાડુપ્રેમ.. જોકે અહીંના બ્રાહ્મણો ખાલી લાડૂ ખાવામાં પાવરધા ન હતા, જરૃર પડયે થાળી બાજુ પર મૂકી તલવારો પણ હાથમાં લઈ લેતા.
- અજય દવે (હળવદ)
4 પ્રત્યાઘાતો:
વ્હાલેશ્રી,
હું ય ઝાલાવાડ સત્તર તાલુકા, ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ કૂળનો છું સુરેન્દ્રનગર વતન અને મારૂં જન્મસ્થળ અને મોસાળ પણ ધ્રાંગધ્રા છે ભાઈ...!
આમ,રાજકોટ રહું છું પણ અત્યારે અમેરિકા છું
હળવદ વિષે સુંદર અને રસપ્રદ જાણકારી આપી તમે.
ઐતિહાસિક બાબતો બધાને ખ્યાલ ન હોય એ તમે સ-રસ પૂરી પાડી.
અભિનંદન અને આભાર.
Dear Sir
Jay Mahadev
Excellent Congratulations to you really Thanks Dear
વાહ અજયભાઇ,
હુ સોહમ રાવલ લખતરનો છુ.આપણે બ્રાહમણો લાડવા જોઇને પાણીના ના આવે તો જ નવાઇ!(હા, કદાચ કાજુ-કતરી જોઇને ના પણ આવે!)
સરસ માહિતિ અને વર્ણન..
Good one :-) I heard the story of દુર્ગાશંકર from my father...
Post a Comment