Monday, 6 September 2010

સુમતિનાથ ગુણ શું મિલી જી - યશોવિજય

પર્યુષણ મહાપર્વ અનુસંધાને જૈનસાધુ યશોવિજયની આ રચના. જૈનસંપ્રદાયમાં મોટી પ્રતિભા ગણાયેલા આ વિદ્વાન સાધુએ સંસ્કૃત-પ્રાકૃત અને ગુજરાતી-હિન્દી વગેરેમાં અનેક નાની-મોટી ગદ્ય-પદ્ય રચનાઓ કરી છે. જેમાં જંબુસ્વામીરાસ' જેવી દીર્ધકૃતિઓ ઉપરાંત 'ચોવીસીઓ' અને ઘણાં પદો-સઝ્ઝાયો વગેરેનો સમાવેશ થાય છે.

આ સ્તવન-પદમાં  સુમતિનાથ માટેની વિસ્તરતી પ્રીતિને જલમાં વિસ્તરતા તેલબિંદુની ઉપમા, તથા છુપાવી ન શકે ને મુખર થઇ ઊછળી રહે તેવી પ્રીતિ માટેનાં સદ્રશ્યો- કસ્તુરીની સુગંધ,આંગળિથી મેરૂં ન ઢંકાય વગેરે નોંધપાત્ર છે.


સુમતિનાથ ગુણ શું મિલીજી, વાશે મુજ મન પ્રીતિ,
તેલબિંદુ જિમ વિસ્તરે જી, જલમાંહી ભલી રીતિ,
સોભાગી જિન શું લાગ્યો અવિહડ રંગ.

સજ્જનશું જે પ્રીતડી જી, છાની તે ન રખાય,
પરિમલ કસ્તૂરી તણોજી મહીં મહીં મહાકાય.
સોભાગી જિન શું લાગ્યો અવિહડ રંગ.

અંગુલીયે નવિ મેરૂ ઢંકાયે, છાબડિએ રવિ-તેજ,
અંજલિમાં જિમ ગંગ ન માયે, મુજ મન તિમ પ્રભુ-હેજ.
સોભાગી જિન શું લાગ્યો અવિહડ રંગ.

હુઓ છીપે નહિ અધર અરુણ જિમ, ખાતાં પાન સુરંગ,
પીવત ભર ભર પ્રભુગુણ પ્યાલા, તિમ મુજ પ્રેમ અભંગ.
સોભાગી જિન શું લાગ્યો અવિહડ રંગ.

ઢાંકી ઇક્ષુ પરાળશું જી, ન રહે લડિ વિસ્તાર,
વાચક 'જસ' કહે પ્રભુ તણોજી, તિમ મુજ પ્રેમ-પ્રકાર
સોભાગી જિન શું લાગ્યો અવિહડ રંગ.

0 પ્રત્યાઘાતો:

Copyright 2009-2013 © With Respective Creators, Ahmedabad, Gujarat, India. All Right Reserved.

No song uploaded on this blog can be downloaded by using any techniques. If any one downloads song without permission, blog will not be responsible for copyright infringement.

Back to TOP