મહોલ્લા માતાની આરતી
અમારા સ્વાતિ ફ્લેટમાં અમે બાળમંડળી મહોલ્લામાતાની સ્થાપના કરતાં. અંદરોઅંદર થોડું ઝઘડતા, થોડું રમતાં. ફ્લેટના કુલ ૧૨ સભ્યો અને આજુબાજુનાં બંગલાના બીજા ૫ સભ્યો થઇને કુલે ૧૭ સભ્યો વચ્ચે અમે મહોલ્લામાતાની સ્થાપના કરતાં. ફાળા પેટે સહુની પાસે ફક્ત ૫ રૂપિયા અને દિવા માટે તેલ ઉઘરાવતા. તેમ છતાં પ્રસંગ રંગેચંગે પાર ઉતરતો. એ વખતે જે ઉત્સાહ હતો અને નવરાત્રીનો જે આનંદ આવતો તે આજે ૨૦૦ રૂપિયાના પાસ ખર્ચીને ગરબા રમવા જતી વખતે કોણ જાણે નથી આવતો.
ત્યાં આદ્યશક્તિની આરતી અને વિશ્વંભરી સ્તુતિ પત્યા બાદ અમે મહોલ્લામાતાની આરતી કરતાં. એક સાથે અમે બાળટોળી ભેગી મળીને માતાજીના જયકારથી વાતાવરણ ગુંજવી દેતા. તમે પણ માણો મહોલ્લામાતાની આરતી.
મહોલ્લામાતાની આરતી, લઇ ગયા વનમાળી,
વનમાળી તો રાંધે છે, પાર્વતી તો પીરસે છે,
ઘડી ઘડીના ઓધવજી, પાઘડીના પ્રભુજી,
શેરીએ શેરીએ દીવા બળે, મહીં મહાદેવજી ભજન કરે
ભજન કરતાં રાત પડી, મહોલ્લાદેવી સુઇ ગયાં.
0 પ્રત્યાઘાતો:
Post a Comment