રાધા ગમે કે મીરાં - ઇસુભાઇ ગઢવી
કાન તને રાધા ગમે કે ગમે મીરાં?
એકે કાળજ કરવત મૂક્યાં,
એકે પાડ્યા ચીરા !
એકે જોબન ઘેલી થઇને તને નાચ નચાવ્યાં,
એકે જોબન ઘૂણી માથે તારો અલખ જગાવ્યો
એકે તને ગોરસ પાયાંએકે ઝેર કટોરા
પચરંગી પાનેતર તું વીણ રાધે કદી’ન પહેર્યો
મખમલિયો મલીર મીરાંનાં અંગે કદી’ન લહેર્યો
એકે ઓઢી શ્યામ ઓઢણી એક ભગવા લીરા
મલક બધાનો મૂકી મલાજો રાધા બની વરણાગણ
ભર્યો ભાદર્યો મૂકી મેડતો મીરાં બની વેરાગણ
એક નેણની દરદ દીવાની બીજી શબદ શરીરા
હું કોનો છું પૂછો એટલું મળે ક્યાંય જો રાધા
મળે ક્યાંય તો પૂછો મીરાંને કોને વહાલો માધા?
મારે અંતર રાધા વેણુ વગાડે ભીતર મીરાં મંજીરા !
મારે તો મીરાં-રાધા-મીરાં !
(શબ્દ - દેવ ગુજરાતી)
0 પ્રત્યાઘાતો:
Post a Comment