Sunday 10 June 2012

બાનો ફોટોગ્રાફ - સુંદરમ

નિશાળમાં સૌપ્રથમ આ કવિતા ભણ્યા, ત્યારથી હ્રદયને તે સ્પર્શી ગયું છે. સુંદરમે આ એક નાના કાવ્યમાં સ્ત્રીની આખી જિંદગી વણી લીધી છે. બાની કથા એ ભારતની અનેક સ્ત્રીની કથા છે. સમય બદલાયો, પણ આ કવિતામાં વર્ણવેલી પરિસ્થિતિમાં કોઇ મોટો ફેર નથી પડ્યો.

કવિ - સુંદરમ



અમે બે ભાઈ બાને લૈ ગયા ફોટો પડાવવા,
ભાવતાલ કરી નક્કી સ્ટુડિયોમાં પછી ચડયા.

ભવ્ય શા સ્ટુડિયોમાં ત્યાં ભરેલી ખુરસી પરે,
બાને બેસાડી તૈયારી ફોટો લેવા પછી થતી.

‘જરા આ પગ લંબાવો, ડોક આમ ટટાર બા!’
કહેતો મીઠડા શબ્દે ફોટોગ્રાફર ત્યાં ફરે.

સાળુની કોર ને પાલવ શિરે ઓઢેલ ભાગ ત્યાં
ગોઠવ્યાં શોભતી રીતે ફૂલ, પુસ્તક પાસમાં.

ચ્હેરા પે તેજ ને છાયા શોભતાં લાવવા પછી
પડદા છાપરામાંહે આમ ને તેમ ગોઠવ્યાં.

શામળા વસ્ત્રથી ઢાંક્યા કેમેરામાં લહીલહી,
લઈને જોઈતું ફોકસ, પ્લેટ તેમાં ધરી પછી.

ઢાંકણું ખોલતા પ્હેલાં સૂચના આમ આપતો,
અજાણ્યો, મીઠડો, ખાલી ફોટોગ્રાફર બોલિયો :

‘જોજો બા, સ્થિર હ્યાં સામું’ ક્ષોભ ને શોક વિસ્મરી
ઘરમાં જેમ બેઠાં હો, હસતાં સુખડા સ્મરી.

આછેરું હસજો ને બા, પાંપણો પલકે નહિ,
રાખશો જેવું મોં તેવું બરાબર પડશે અહીં.’

અને બા હસતી કેવું જોવાને હું જહીં ફર્યો,
જૂઠડા વર્તમાનેથી કારમા ભૂતમાં સર્યો.

હસવાં રડવાં બેમાં નમતું કોણ ત્રાજવું?
જિંદગી જોઈ ના જોખી કોઈએ કદી બાતણી.

યૌવને વિધવા, પેટે છોકરાં ચાર, સાસરે
સાસુ ને સસરાકેરા આશ્રયે બા પડી હતી.

વૈતરું ઘર આખાનું કરીને દિન ગાળતી,
પુત્રોના ભાવિની સામું ભાળીને ઉર ઠારતી.

બાએ ના જિંદગી જોઈ, ઘરની ઘોલકી તજી,
એને કોએ ન સંભાળી, સૌને સંભાળતી છતાં.

ઘસાતી દેહમાં એના રોગ ને દોગ ઊતર્યા,
સૌની બેપરવાહીથી દર્દ દુ:સાધ્ય શું થયું.

અને બાના પ્રતિ સૌને કરુણાપ્રેમ ઊમટ્યાં,
એહના મનને રાજી રાખવા મથતાં બધાં.

આછેરા માતૃપ્રેમે ને આછા કર્તવ્યભાનથી,
પ્રેરાઈને અમે ચાલ્યાં દવા બાની કરાવવા.

બતાવ્યાં શહેર બાને ત્યાં બંગલા, બાગ, મ્હેલ કૈં,
સિનેમા, નાટકો કૈં કૈં, ગાડીઘોડે ઘુમાવી ને

અમારા પ્રેમ કે સ્વાર્થતણાં સ્મારક શો અમે
અનિષ્ટો શંકતાં ઇચ્છ્યું બાનો ફોટો પડાવવા.

અને ત્યાં નમતા પ્હોરે ફોટોગ્રાફરને તહીં,
અમે બે ભાઈ બાને લૈ ગયા ફોટો પડાવવા.

પુત્રોથી, પતિથી, સાસુ સસરાથી, અરે, બધા
વિશ્વથી સર્વદા સાચ્ચે બિચારી બા ઉપેક્ષિતા,

પડાવા બેઠી ત્યાં ફોટો, ફોટોગ્રાફર ત્યાં ઊભો,
અજાણ્યો, મીઠડો ખાલી હસવા ત્યાં કહી રહ્યો.

અને બા હસતી કેવું જોવાને હું ફર્યો જહીં,
બોર શું આંસુ એકેક બાને નેત્ર ઠર્યું તહીં.

ચિડાયો ચિત્ર લેનારો, ‘બગડી પ્લેટ મ્હારી.’
પ્લેટ શું જિંદગીઓ કૈં બગડી રે હરિ, હરિ!

(શબ્દો - મારું જામનગર)

0 પ્રત્યાઘાતો:

Copyright 2009-2013 © With Respective Creators, Ahmedabad, Gujarat, India. All Right Reserved.

No song uploaded on this blog can be downloaded by using any techniques. If any one downloads song without permission, blog will not be responsible for copyright infringement.

Back to TOP