Friday, 16 April 2010

હાઇકુ - સ્નેહરશ્મી

'
સ્નેહરશ્મિ'ના ઉપનામથી જાણીતા ઝીણાભાઇ રતજી દેસાઇનો જન્મ દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના ચીખલી ગામમાં થયો હતો. ગાંધીજીના સ્વરાજ્ય આંદોલનના રંગે તેઓ રંગાયા હતા. 'અર્ધ્ય', 'પનઘટ' વગેરે તેમના કાવ્યસંગ્રહો છે. તેમની બધી કવિતાઓ 'સકલ કવિતા' નામના ગ્રંથમાં પ્રકાશીત થઇ છે. 'સોનેરી ચાંદ રૂપેરી સૂરજ' અને 'કેવળ વીજ' તેમના પ્રસિધ્ધ હાઇકુ સંગ્રહ છે. તેમણે બાળકો અને કિશોરો માટે પણ કાવ્યો રચ્યા છે. 'તૂટેલા તાર','ગાતા આસોપાલવ' તથા 'હીરાનાં લટકણીયાં' વાર્તાસંદ્રહો છે. 'અંતરપટ' નામની નવલકથા તેમજ 'મારી દુનિયા','સાફલ્યટાંણું', 'ઊઘડે નવી ક્ષિતિજ' તથા 'વળી નવાં આ શૃંગ' - આ ચાર ભાગમાં તેમણે આત્મકથા લખી છે. 'ગુજરાતના ઇતિહાસની કથાઓ', 'ભારત ઇતિહાસદર્શન'ના ત્રણ ભાગ, 'ભારત ઇતિહાસગાથા'ના ત્રણ ભાગ વગેરે તેમના ઇતિહાસ વિશેનાં પુસ્તકો છે. એમણે વિવેચન, સંપાદન અને અનુવાદન ક્ષેત્રે પણ કામ કર્યુ છે. લગભગ અડધી સદી ઉપરાંત સમય માટે અમદાવાદમાં શેઠ સી.એન. વિદ્યાવિહારના આચાર્ય અને ત્યારબાદ નિયામક રહીને ચાર-ચાર વિદ્યાર્થીપેઢીઓનું તેમણે સંસ્કાર-ધડતર કર્યું હતું. તેમને ૧૯૬૭નો રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો.અમણે જાણિતા જાપાની લધુકાવ્યપ્રકાર હાઇકુનો ગુજરાતી સાહિત્યમા પ્રસાર કર્યો છે.

આજે તેમના ૧૦૭મા જનમદિને 'અભિષેક' તરફથી તેમને સ્મરણાંજલી. તેમના ચાર હાઇકુની મજા માણીયે.

પ્રથમ હાઇકુમાં આકાશમા ઊડતા પંખીના ગીતગુંજનથી ફૂટતા પરોઢનું ચિત્રાત્મક અને મનોરમ દ્રશ્ય ઝીલાયું છે.

બીજા હાઇકુમાં ખીલેલા ગુલાબને જોઇને આંખ દ્વારા રૂપ-દર્શન, નાક દ્વારા સુગંધ અને હૈયા દ્વારા ભાવ- એમ ત્રિવિધ સ્તરે સૌંદર્ય પામવાની સ્પર્ધા થતાં ત્રણેય વચ્ચે મીઠા ઝઘડાનું માર્મિક ભાવચિત્ર કંડારી આપ્યું છે.

ત્રીજા હાઇકુમાં વરસાદથી છાપરું ચૂવે છે અને છાપરા નીચે બેઠેલી વિવશ માતાના ખોળામાં સૂતેલું બાળક માતાના આંસુથી ભીંજાય છે- આ બે દ્રશ્યોને સાથે મૂકીને કવિએ પરવશ માતાનું કરુણ શબ્દચિત્ર આલેખ્યું છે     

ચોથા હાઇકુમા વરસાદ પડી ગયા પછીના રમણીય દ્રશ્યનુ વર્ણન છે.

(૧)
ગીત આકાશે;
પંખીની પાંખમાંથી
ફૂટે પરોઢ

(૨)
ખીલ્યું ગુલાબ;
ઝઘડો હવે આંખ
નાક ને હૈયે

(૩)

છાપરું ચુવે;
ભીંજે ખોળામાં બાળ
માનાં આંસુથી.

(૪)
ગયું ઝાપટું
વર્ષી, કિરણો ભીનાં
હવે હવામાં.

0 પ્રત્યાઘાતો:

Copyright 2009-2013 © With Respective Creators, Ahmedabad, Gujarat, India. All Right Reserved.

No song uploaded on this blog can be downloaded by using any techniques. If any one downloads song without permission, blog will not be responsible for copyright infringement.

Back to TOP