Sunday 25 April 2010

સોના જેવી સવાર છે જી - ચંદ્રકાન્ત શેઠ

અહીં આ કાવ્યમાં કવિએ સોના જેવી ઊગતી સવારનાં એકએકથી ચઢિયાતાં મન ભરી દે તેવાં વિવિધભર્યા ચિત્રો ખડાં કર્યાં છે. શબ્દોની સાથે કેવાં કેવા અસરકારક અને હ્રદયસ્પર્શી ચિત્રો આપી શકાય તે આ કાવ્ય દર્શાવે છે.



કવિ - ચંદ્રકાન્ત શેઠ

ભરી ભરીને સવાર પીધી,
             સોના જેવી સવાર છે જી.
ફૂલ ફૂલને પીવા દીધી,
             સોના જેવી સવાર છે જી.
પાન પાનમાં ટશરે ટમકી,
             સોના જેવી સવાર છે જી.
ટહુકે ટહુકે ચોગમ રણકી,
             સોના જેવી સવાર છે જી.
ક્યાંક કમળ-સરોવરમાં ચમકી,
             સોના જેવી સવાર છે જી.
પનઘટ પર બેડાંમાં ઝબકી,
             સોના જેવી સવાર છે જી.
મોરપિચ્છમાં ફર ફર ફરકી,
             સોના જેવી સવાર છે જી.
રાતી હથેલીઓમાં છલકી,
             સોના જેવી સવાર છે જી.
વાદળ વાદળ રંગે ઢળતી,
             સોના જેવી સવાર છે જી.
પતંગીયાની પાંખે લળતી,
             સોના જેવી સવાર છે જી.
માટીના કણકણમાં ગહેકી,
             સોના જેવી સવાર છે જી.
તડકામાં તાજપથી મહેંકી,
             સોના જેવી સવાર છે જી.
હસતાં હસતાં મનમાં ઊગી,
             સોના જેવી સવાર છે જી.
રમતાં રમતાં ઘરમાં પૂગી,
             સોના જેવી સવાર છે જી.

0 પ્રત્યાઘાતો:

Copyright 2009-2013 © With Respective Creators, Ahmedabad, Gujarat, India. All Right Reserved.

No song uploaded on this blog can be downloaded by using any techniques. If any one downloads song without permission, blog will not be responsible for copyright infringement.

Back to TOP