કવિ રમેશ પારેખનો પરિચય
પૂરું નામ - રમેશભાઇ મોહનલાલ પારેખ . સૌરાષ્ટ્રના અમરેલી શહેરમાં જન્મેલા રમેશ પારેખે ગુજરાતી ઊર્મિગીતોને એક નવું જ પરિમાણ આપ્યું છે. જિલ્લા પંચાયતની પ્રમાણમાં શુષ્ક કહી શકાય તેવી નોકરી કરતાં હોવા છતાં, આ શુષ્કતા તેમનાં જીવનમા આવી નથી. તેમના શબ્દોનાં ધોધમાર પ્રવાહમા ગુજરાતી ભાષા સતત ભીંજાતી રહી છે.
રમેશ પારેખની વિશિષ્ટતા હોય તો તે છે, લોકોનાં હ્રદયમાં ઉતરી જાય તેવી રચનાઓ આપવી. સાંભળતાં પહેલા તો વહેમ જાય કે આ લોકગીત તો નથી ને. એટલી સરળતાંથી તેઓ જનસમુદાયની લાગણીને સમજી શક્યા છે અને તેટલી અસરકારકતાંથી અભિવ્યક્ત પણ કરી શક્યા છે. ગુજરાતી સાહિત્યમાં પ્રેમગીતોને પ્રચલીત બનાવવામાં ર.પા.નો ફાળો નાનોસુનો નથી.
જો કે મને તો ર.પા.ના પ્રેમગીતો કરતાં મીંરાગીતો વધુ ગમે છે. આજથી ૫૦૦ વર્ષ પહેલા થઇ ગયેલી મીંરાબાઇનાં કૃષ્ણભક્તિ જાણે ર.પા.ની કલમમાં સોળે કલાયે ખીલી છે. 'મીંરા સાને પાર' નામનાં તેમનાં કાવ્યસંગ્રહના શબ્દે શબ્દે આપણને 'આ તો મીંરાબાઇનાં જ શબ્દો હોય' એવો દ્રઢ વિશ્વાસ થઇ જાય તેટલે અંશે તેમણે મીંરા-કૃષ્ણને આત્મસાત કર્યા છે.
'ચશ્મા કાચ પર','ત્વ','ખડિંગ','ક્યાં જેવા અનેક કાવ્યસંગ્રહ તેમના નામે બોલે છે. 'છ અક્ષરનુ નામ'માં તેમની બધી કવિતાઓ ગ્રંથસ્થ થઇ છે.
ર.પા.ની ઓળખ બાળકોનાં ભેરુ તરીકેની પણ છે. 'ચીં','હાઉક' જેવા બાળગીતો વાંચી અમારી પેઢી મોટિ થઇ છે. 'દે તાલ્લી' અને 'હફરક લફરક'ની બાળવાર્તાઓ મોટાઓને પણ લલચાવે છે.
સાહિત્યના સઘળા ક્ષેત્રો, પછી તે કાવ્ય હોય કે નાટક, વાર્તા હોય કે સંપાદન, ર.પા. એ પોતાની ક્ષમતા પૂરવાર કરી છે. 'અભિષેક' તરફથી ર.પા.ને ખુબ ખુબ શ્રધ્ધાંજલી.
(પૂરક માહિતી - પાઠ્યપુસ્તક મંડળ)
1 પ્રત્યાઘાતો:
શ્રી કૃતેશભાઈ,
ર.પા. વિષે પ્રસ્તુત સરસ માહિતી ગમી.રાજકોટમાં અમે અનેકવાર સાથે બેસીને કવિતાઓ,ગઝલો માણી છે.
સારા કવિ તો હતા જ,એકદમ સહજ અને નિખાલસ માણસ હતા.
એકસુધારોઃ- કવિનું આખુ નામ લખ્યું છે ત્યાં પારેખ ને બદલે પટેલ લખાયું છે જરા સુધારી લેશો.
Post a Comment