દેદાનાં કૂટવાનું ગીત - લોકગીત
(નોંધ ઃ દેદો એટલેમોળાકતમાં છોકરીઓ ધૂળનો મનુષ્યાકાર બનાવી તેને મુડદું ગણી કૂટે છે તે મનુષ્યાકૃતિ.)
દેદો કૂટવાનો રિવાજ ગ્રામ્યસંસ્કૃતિના એક અગત્યના અંગના સ્થાને છે. જેઠ મહિનાના ચારે 'દિતવારે'(રવિવારે) નાનકડી બાળઓ નદીતીરે કે તળાવકાંઠે સાંજની વેળાએ દેદો કૂટવા જાય છે. જો ગામનાં પાદરમાં કોઇ વીરપુરુષની ખાંભી હોય, તો ત્યાં જઇને પણ બાળઓ દેદો કૂટવાની.
આ રિવાજ પાછળ સંસારના એક વ્યવહારની તાલીમ આપવાની દ્રષ્ટિ છે. ગામડાંમાં હજુ પણ મૃત્યુની પાછળ રોવાકૂટવાનો રિવાજ છે. ત્યાં સ્ત્રીઓને રોવાકૂટવાની જરૂર પડે છે, અને તેની તાલીમ સ્ત્રીઓને નાનપણથી 'દેદો કૂટવાના' રિવાજમાંથી મળે છે.
તમે કહેશો કે આ દેદો કોણ છે? આ દેદાનું મૂળ સૌરાષ્ટ્રના ઇતિહાસમાં હોવાનુ મનાય છે. ભરૂચમાં પણ દેદાવંશનો રાજકર્તા હોવાનું શ્રી કે કા શાસ્ત્રીઓ કહેલું. સૌરાષ્ટ્રમાં બે જુવાન દેદા હણાયાનો ઉલ્લેખ મળે છે. એક હણાયો ઝાલાઓના હાથે જાંબુમાં અને બીજો હણાયો લાઠીમાં ગોહિલોના હાથે; અબે આથી જ દેદાઓનાં ગીતોમાં પંક્તિ મળે છે. 'દેદો મરાયો લાઠીના ચોકમાં!' દેદો મીંઢળબંધ વારની લડાઇમાં લાઠી ચોકમાં મરાયો, તેને યાદ કરીને છોકરીઓ કૂટે છે. અત્યારે લાઠીમાં તેના નામની શેરી છે.
આતો એક માન્યતા છે. બીજા મત મુજબ મરશિયા એટલે આપણાં મૃત્યુગીતો. આવાં ગીતો ખાસ કરીને સ્ત્રીઓ ગાય છે. આવાં ગાણાં સ્ત્રીઓ મોટી ઉંમરની થાય ત્યારે શીખતી નથી.નાની ઉંમરમાં જ શીખે છે. હવે આવા મરશિયા શીખતી વખતે કોનું નામ લઇ રોવું? ત્યારે છોકરીઓ દેદાનું નામ લઇને કૂટે છે.
કોઇક કોઇક વખત દેદાને પરણવાનાં ગીતો, હીંચોળવાના ગીતો પણ મળે છે.
અવું એક દેદો કૂટવાનું ગીત વાંચીયે. ગીતના શબ્દો તળપદા છે. આથી સમજ ન પડે તો ભગવદોમંડલમાં વાંચી લેવા વિનંતી.
લીંબડે ઝાઝી લીંબોળી રે, હાલર હુલર થાય!
ચકો દૉધનો સવાદિયો રે, પાડો દોવા જાય !
પાડે મેલી છે પાટુ રે, બાપા કરતો જાય!
બાપે મેલી લાકડી રે, મા મા કરતો જાય!
માએ ભર્યો ચોંટકો રે, ભાઇ ભાઇ કરતો જાય!
ભાઇએ મારી છે થોંટ રે, બેન બેન કરતો જાય!
બેને આલ્યો છે લાડવો રે, ખૂણે બેસી ખાય!
(સંદર્ભ - ગુજરાતી લોકસાહિત્યમાળા ૧)
0 પ્રત્યાઘાતો:
Post a Comment