પૂજ્ય પિતાશ્રીનું સ્મરણ થતાં - જયદેવ શુક્લ
આજે પિતૃદિનની સહુને શુભેચ્છા. આપણાં સાહિત્યમાં માતાને જે ગરવું સ્થાન અપાયું છે, તેટલું ગરવું સ્થાન પિતાને અપાયું નથી. માતૃવંદનાના ગીતો યાદ કરવાનું કહીયે તો એક આખી શૃખંલા યાદ આવી જાય, પણ પિતૃવંદનાના ગીતો યાદ કરવાનું કહેતા મોટા મોટા સાહિત્યકારો પણ માથુ ખંજવાળવા માંડે.
બહુ શોધખોળ પછી પિતૃસ્મરણનું આ ગીત આપની સમક્ષ લાવ્યો છે. બાળકને ઘર અને સમાજની પરંપરાથી વાકેફ કરવાનું કામ પિતાનું છે. હાથ ઝાલીને પિતા પુત્રને મંદિર લઇ જાય છે, ત્યારે તે પોતાની શ્રધ્ધાનું પુત્રમાં આરોપણ કરે છે. આ પરંપરાસિંચન પિતા માટે એટલું મહત્વનું હોય છે કે ઘણી વાર બાળક માટે આકરાં પણ બને છે. આથી જ બાળક માતા માટે જેટલી લાગણી અનુભવે છે, તેટલી પિતા માટે અનુભવતો નથી. બહુ સાચુ કહ્યું છે કે,' પોતાનાં પિતા સાચા હતાં એ વાતની ખબર પુત્રને ત્યારે જ પડે છે જ્યારે તેનો પુત્ર એમ વિચારવાનું ચાલું કરે છે કે મારાં પિતા ખોટાં છે.' આ કાવ્યમાં કવિને પોથી જોઇને પોતાનાં પિતાનાં સ્મરણ જાગે છે તેની વાત કરી છે.
કવિ - જયદેવ શુક્લ
લાલ બાંધણમાં બાંધેલી
યજુર્વેદ સંહિતાની
હસ્તલિખિત પોથીનાં
દર્શન થતાં
રોમરોમ કદમ્બ !
કદમ્બવીથિના મૂળમાં
વહેતાં ઝરણાં
મન્ત્રસરિતાનાં ઉછાળથી
ઘેલાં ઘેલાં....
પોથીની આશકા લેતો
મારો દક્ષિણ હસ્ત
અનુદાત્ત, ઉદાત્ત, સ્વરિત
સ્વરોની રમણામાં
લીન.
ઝરણું त्र्यायुषं जमदग्नेः
મન્ત્ર ઘનપાઠની
પદેપદની સન્ધિ
સુગન્ધિમાં
ખુલ્લાં નેત્રોએ તલ્લીન....
પોથી ખોલતાં જ
મન્ત્રમુગ્ધ !
यज्जाग्रतो दूरमुदैति दैवान
ईशावास्यमिदम सर्वम....
તામ્રવર્ણી પંચમ સ્વરની
પાલખીમાંથી
મન્ત્રોચાર પ્રગટે છે....
મન્ત્રજળ વરસતું
વરસતું
વરસતું જાય છે...
પરા મન્ત્ર ॥
ધરા મન્ત્ર ॥
ક્ષપા મન્ત્ર ॥
પ્રપા મન્ત્ર ॥
ત્રપા મન્ત્ર ॥
આકાશ મન્ત્ર ॥ આવાસ મન્ત્ર ॥ પ્રકાશ મન્ત્ર ॥
સોમ મન્ત્ર ॥
સ્તોમ મન્ત્ર ।।
હું
મન્ત્રપુરુષ!
0 પ્રત્યાઘાતો:
Post a Comment