ગોરમાને પાંચે આંગળીયે - રમેશ પારેખ
કાલથી બહેનોના ગૌરી વ્રતનો પ્રારંભ થયો છે. નાનપણમાં ગૌરીવ્રત અમારાં છોકરાઓ માટે એક મોટી ઇર્ષાનું પાત્ર હતું, કારણ કે આ વ્રતના દિવસોમાં છોકરીઓને શાળાનાં ગણવેશમાંથી મુક્તિ મળતી તથા રંગીન કપડા પહેરવાની છૂટ મળતી. કોઇ પ્ણ શિક્ષક આ દિવસોમાં છોકરીઓને ન વઢતા. અને ઘરમાં તેમને છૂટથી મેવા ખાવા મળતાં. હા, પણ આજે આવી ઇર્ષા નથી થતી. કારણ ફક્ત એટલું જ, કે ભલે બધી છૂટછાટ મળે, પણ આખરે તો વ્રત અમારાં માટે (એટલે કે અમને મેળવવા માટે) જ છે ને...
આજના દિવસે વિભા દેસાઇના સ્વરે ગવાયેલું, રમેશ પારેખની કલમે પ્રગટેલું અને ક્ષેમુદાદાએ મઢેલું આ ગીત જેમાં નાયિકાની ગોરમાતાને એક પ્રેમભરી ફરિયાદ છે. આ ગીત પ્રથમ મેં સાંભળ્યું ત્યારે બસ સાંભળતો જ રહ્યો. સતત પાંચ વાર આ ગીત સાંભળી નાખ્યું. એટલું અદભૂત છે આ ગીત.
લોકગીતની-લોકલયની પરંપરામાં રચાયેલી આ રચના છે. વ્રતતપ સફળ ન થતાં નાયિકા અહીં કશીક ઓછપ અનુભવે છે. ગોરમાને સંપૂર્ણ શ્રધ્ધા સથે પાંચેપાંચ આંગળીયે પૂજવા છતાં નાગલાં ઓછા પડ્અાં છે. શણકાર માટે કમખા ઉપર ખુલ્લે હાથે આભલાં લગાડ્યા પણ એય જાણે કે ઓછાં પડ્યાં છે. માંડવે જૂઇની વેલો ચઢાવી છે અને એની હારો લટકે છે અને નાયિકાનાં આંસુ જાણે કે ઊડી ઊડીને મોભે ચડે છે અથવા તો એ જ અશ્રુજળ મોભેથી નીચે ઝમે છે. યૌવનમાં પ્રવેશેલી નાયિકાની લગ્નોત્સુક મનોદશાને અને મિલનેચ્છાને અહીં સરસ રીતે ઉપાસવામાં આવી છે.
ફિલ્મ - કાશીનો દિકરો
સ્વર - વિભા દેસાઇ
ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યાં ને નાગલા ઓછા પડ્યા રે લોલ
કમ્મખે દોથો ભરીને કાંઇ ટાંક્યા ને આભલાં ઓછાં પડ્યા રે લોલ
માંડવે મ્હેક મ્હેક જૂઇની વેલ કે જૂઇના રેલા દડે રે લોલ
સૈ, મારે નેવાંનું હારબંધ ટોળું કે સામટું મોભે ચડે રે લોલ
ત્રાજવે ત્રંફેલા મોરની ભેળી હું છાનકી વાતું કરું રે લોલ
લોલ, મારે મોભરે કાગડો બોલે ને અમથી લાજી મરું રે લોલ
મેંદીએ મેલું હું મનની ભાત્ય ને હાથમાં દાઝ્યું પડે રે લોલ
આડોશપાડોશ ઘમ્મકે વેલ્યું ને લાપસી ચૂલે ચડે રે લોલ
સૈ, મારે ઊંબરાની મરજાદ કે ઓરડા ઠેસે ચડ્યા રે લોલ
લોલ મારે પથ્થરને પાણિયારે કે જીવતાં મોતી જડ્યાં રે લોલ
લોલ, ઊભી આંગણે નાગરવેલ કે પાંદડા તૂટ્યા કરે રે લોલ
ઓરડે વાની મારી કોયલ આવે ને કાંઇ ઊડ્યા કરે રે લોલ
(શબ્દો - રમેશ પારેખ.ઇન)
0 પ્રત્યાઘાતો:
Post a Comment