મારી આંખે કંકુના સૂરજ આથમ્યા - રાવજી પટેલ
આમ તો આ ગીત મોટા ભાગનાં ગુજરાતી બ્લોગ પર તમને વાંચવા અને સાંભળવા મળશે. પણ આજે આ ગીત ફરી ફરીથી આપની સમક્ષ મુકવાની લાલચ હું રોકી શકતો નથી. તમે ભલે આ ગીત સાંભળ્યું હોય, પણ એને ફરી સાંભળવાનો લ્હાવો લઇ લો. 'કાશીના દિકરા' ફિલ્મમાં આ ગીતનું ચિત્રાંકન સાચે જ ભાવાવહી હતું. ધોરણ ૧૨માં ગુજરાતીના સાહેબે આ કાવ્ય ચલાવ્યું ત્યારે આખો વર્ગ જાણે એક ઘેરા વિષાદમાં ડૂબી ગયો હતો. આ ગીત છે જ એટલું ભાવાવહી.
રાવજી પટેલનું આ ગીત લખાયું છે લગ્નગીતનાં ઢાળમાં પણ એમાં અનુભવ થાય છે આભાસી મૃત્યુનો અથવા તો કહો મૃત્યુના આભાસનો. લગ્ન અને મૃત્યુની ક્ષણોને આમ પાસે પાસે મુકીને જોવાની ઘટના અત્યંત વિલક્ષણ છે. 'કંકુ', 'વે'લ', 'શગ','ઘોડો' અને 'ઝાંઝર' જેવા શબ્દો લગ્નને પ્રગટ કરે છે એટલા જ મૃત્યુને પ્રગટ કરે છે.
સુર્ય જીવનશક્તિનો અર્થ ધરાવે છે અને ધોડા સુર્યના વાહન પણ છે. વળી કંકુનો સંદર્ભ માંગલ્ય સાથે છે. કાવ્યનાયક આથમતા લાલ કંકુ-શા સૂરજને રોજ નિહાળે છે. એટલે જ અહી 'સૂરજ' બહુવચનમાં વપરાયો છે. અકાળે એ પોતાની જીવનશક્તિને આમ આથમતી જુએ છે.
ભારતીય પરંપરામાં મૃત્યુ મંગળ છે, તેથી અહીં 'હણહણતી સુવાસ' શબ્દો મુક્યા છે. 'હણહણવું' શબ્દ ઘોડાના અવાજને, યૌબનસહજ ઉછાળને પ્રગટ કરે છે. આ શબ્દ પકડે છે કાન, પણ 'સુવાસ' શબ્દ પ્રયોજીને કવિએ કાનનું ક્ષેત્ર નાક સુધી વિસ્તાર્યું છે. બધી ઇન્દ્રિયો જાણે કે એકસાથે આ લગ્નમય મૃત્યુનો અનુભવ કરી રહી છે.
'અજવાળા ફેરીને ઊભા શ્વાસ'માં પણ જ્યોર્તિમય દિવ્યલોકનો સંદર્ભ જોઇ શકાય છે. 'પીળે રે પાંદે લીલા ઘોડા ડૂબ્યા'માં યૌવન દરમ્યાન જ મૃત્યુ (પીળું પાન) આવી ગયું એમ કવિ કહે છે.
લગ્ન અને મૃત્યુ બન્નેમાં ચોકનું મહત્વ છે. આગમન અને વિદાયનું એ સંધિસ્થળ છે. લગ્નની જાન ચોકમાંથી જ ઊઘલે છે તો નનામી પણ ચોકમાંથી જ ઊઠે છે.
'પંછાયો' મૃત્યુનો સીધો સંકેત છે. પત્નીનો સ્વાગતબોલ કે ઝાંઝરબોલ હજી રોકે છે. ભરયુવાનીએ મૃત્યુનો અનુભવ હોય ત્યારે હજી વૃત્તિઓ અધૂરી હોય. અલકાતાં-મલકાતાં રાજ(ભોગ) પૂરાં ના ભોગ્વ્યાં હોય, ને આમ ચાલ્યાં જવાનું થાય તો બધું અધુણ્રું-અડશું જ લાગેને! આ અધૂરપને કારણે સજીવી હળવાશ પણ વાગતી હોય તેમ લાગે છે. એ મૃત્યુની ઠેસ છે પણ છે સજીવી, કેમ કે એ નાનકડી ઠેસ પછી પુનઃ ચાલવાનું હોય છે. એ માત્ર હળવી ઠેસ છે.
વ્યાકરણ અને વ્યવહારમાં ન જોવા મળતાં અનિયમિત અને અપરિચિત શબ્દજોડાણો કવિએ આ કાવ્યમાં વાપર્યા છે.
કવિ - રાવજી પટેલ
સ્વર - રાસબિહારી દેસાઇ
સંગીત - ક્ષેમુ દિવેટીયા
સ્વર - ભુપીંદર સિંગ
સંગીત - અજિત શેઠ
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા...
મારી વે;લ શંગારો વીરા, શગને સંકોરો
રે અજવાળા પહેરીને ઊભા શ્વાસ !
પીળે રે પાંદે લીલા ધોડા ડૂબ્યા;
ડૂબ્યાં અલકાતાં રાજ, ડૂબ્યાં મલકાતાં કાજ
રે હણહણતી મેં સાંભળી સુવાસ !
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા...
મને રોકે પંછાયો એક ચોકમાં;
અડધા બોલે ઝાલ્યો; અડધો ઝાંઝરથી ઝાલ્યો
મને વાગે સજીવી હળવાશ !
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા...
0 પ્રત્યાઘાતો:
Post a Comment