નાવિક વળતો બોલિયો - ભાલણ
સહુ વાચક મિત્રોને ૫૦૦વર્ષના ભૂતકાળમાં આજે સફર કરાવી છે. આ એ સમય છે જ્યારે ગુજરાતી સાહિત્ય તેની બાળાવસ્થામાં હતું. મુસ્લિમ, મરાઠા શાસકો વચ્ચે પોતાના અસ્તિત્વ ટકાવા ઝઝૂમતુ હતું. એટલું જ નહિ, પોતાના જ દેશના સંસ્કૃત સાહિત્યની ઉપેક્ષાભરી નજર સહન કરતું હતું. એ વખતે સંસ્કૃત સિવાયની અન્ય ભાષા ની બહુ કિંમત ન હતી. જ્યારે ભાષાની જ કિંમત ન હોય તો તેના સાહિત્યને કોણ પૂછે. આમ છતાં આ સમયમાં આપણા ગુજરાતી સાહિત્યને નાકર, ભાલણ, નરસિંહ મહેતા, મીંરા, યશોવિજય, રૈદાસ, પ્રેમાનંદ, પ્રાણનાથ, ઉદયર્ત્ન, શિવાનંદ, મૂળદાસ જેવા અનેક કવિઓએ બળ પુરું પાડ્યું આજે આવા જ પ્રાચીન સાહિત્યકાર ભાલણની એક રચના માણીયે.
આખ્યાનકાર, પદકવિ અને અનુવાદક એવા ભાલણ આખ્યાનને કડવાબદ્ધ રીતે રજૂ કરનાપા પ્રથમ કવિ હતા. 'નળાખ્યાન','જાલંધર-આખ્યાન' વગેરે દસેક નોંધપાત્ર આખ્યાન આપનાર આ કવિએ 'રામબાલચરિત','દશમસ્કંધ' આદિમાં વાત્સલ્ય, શૃંગાર અને કરુણારસનાં અનેક મધુર ભક્તિપદો પણ આપ્યા છે. 'મુગ્ધ રસિકજનો માટે' કવિ બાણની સંદર ગદ્યકૃતિ 'કાદંબરી'ને એટલી જ ક્ષમતાથી રસાવહ પ્રાસાદિક ગુજરાતી કાવ્યકૃતિરૂપે ઉતારીને ભાલણે ઉત્તમ કવિસૂઝનો પરિચય કરાવ્યો છે.
રામ વિશેનું આ પદ છે. તેમાં નાવિકની ભક્તિભાવ ભરેલી ચાલાકીનું વર્ણન છે. શલ્યાની અહલ્યા બનેલી તે જાણીતી કથાનો લાભ લઇને, 'બે પત્નીને શી રીતે પોષું?'- એવી ચતુરાઇ કરતો નાવિક ગંગાજળ લઇને રામનું પગ ધોવાનું પુણ્ય મેળવી લે છે એ પ્રચલીત ઘટના આલેખને આ પદને લોકપ્રિય બનાવ્યું છે. આ વાંચ્યા પછી જો કવિ કાગનું 'પગ ધોવા દો રઘુરાય' યાદ આવે તો થોડી ધીરજ રાખજો. એ પણ ટૂંક સમયમાં સંભળાવિશ.
સાથ સહુ કો નાવે બેસો, નહિ બેસારું રામ.
વાર્તા મેં સાંભળી છે, ચરણરેણુની અપાર;
અહલ્યા તાં થઇ સ્ત્રી સહી, પાષાણ ફીટી નાર
અજીવિકા માહારી એહ છે, જુઓ મન વિવેક;
સ્ત્રી થાતાં વાર ના લાગે, કાષ્ઠ-પાષાણ એક.
આજીવિકા ભાંગે મ્હારી, આગે એક સ્ત્રી છે ઘેર;
બે મળીને શું જમે? શી કરું તાં પર?
હસિને વિશ્વામિત્ર બોલિયા, ચરણ-રેણે સ્ત્રી થાય;
તે માટે ગંગાજલ લેઇને પખાલો હરિ-પાય.
હસિને હરિ હેઠા બેઠા, રામ અશરણ-શર્ણ,
નાવિકે ગંગાજલ લેઇને, પખાલ્યા તાં ચર્ણ.
(નોંધ - ભાષા ૫૦૦ વર્ષ પહેલાની અપભ્રંશ ગુજરાતી છે. આથી કેટલાક શબ્દોની જોડણી આજે પ્રચલીત છે તે કરતા અલગ કરી છે. રચનાનો મૂળભાવ યથાવત રાખવા તેને સુધારી નથી.)
1 પ્રત્યાઘાતો:
ભાલણ ની સરસ રચના તમે મૂકી છે.
ભાલણ અંગે નવી જાણકારી પણ મળી.
અભિનંદન
'દાદીમાની પોટલી'
http://das.desais.net
Post a Comment