પ્રમુખ સ્વામીનો સાક્ષાત્કાર
ઑફિસના કામથી થોડા દિવસ માટે જૂનાગઢ ગયો હતો. આમ તો નોરતાંમા અમદાવાદની બહાર જવાની ઇચ્છા બિલકુલ ન હતી. જૂનાગઢ પહોંચ્યા પછી ખબર પડી કે પૂજ્ય પ્રમુખ સ્વામી નવરાત્રી દરમિયાન જૂનાગઢના અક્ષરવાડીમાં રોકાણ કરવાના છે. બાપાના દર્શન થશે એ વાતથી મન પ્રસન્ન થઇ ગયું. ઘણા લાંબા સમય બાદ પ્રમુખ સ્વામીના દર્શનનો લ્હાવો મળ્યો છે.
જૂનાગઢનું અક્ષરવાડિ મંદિર અત્યંત રમણીય છે. તેના વિશાળ સંકુલની શોભા આંખો ઠારે તેવી છે. બાપાના દર્શનનો સમય સવારે ૭-૪૦નો હતો. હું સવારમાં ૬-૦૦ વાગે મંગળા કરવા પહોંચી ગયો. મારા આશ્ચર્ય વચ્ચે ૬-૩૦ સુધીમાં સભાખંડ આખો ભરાઇ ગયો. ૭-૦૦ વાગતા સુધીમાં તો સભાખંડમાં માનવ મ્હેરામણ ઊમટી ઊઠ્યો. વહેલા પહોંચવાને કારણે પ્રથમ હરોળમાં મેસવાની જગ્યા મળી ગઇ હતી. બરાબર ૭-૪૦ બાપાએ પ્રવેશ કર્યો. સમગ્ર સભાખંડમાં સ્વામિનારાયણ ભગવાનનો જયજયકાર ગાજી ઊઠ્યો. આશરે ૧ કલાક સુધી સ્વામીબાપાએ પૂજા દર્શન આપ્યા.
હા આજની મુલાકાતમાં ધન્યતાની સાથે ચિંતાની લાગણી પણ થઇ. સ્વામી બાપા ચાલી શકતા નથી. વૃદ્ધાવસ્થાને કારણે વ્હીલચેરમાં જ ભ્રમણ કરી શકે છે. પૂજા સમયે તેમના હાથ-પગ પણ ધ્રૂજતાં હતાં. વળી, આરોગ્યને કારણે તેમણે પોતાનાં પ્રવચનનો લાભ આપવાનો પણ બંધ કર્યો છે. સ્વામિનારાયણ ભગવાનને તેમના સ્વાસ્થય માટે ખરા અંતરથી પ્રાર્થના. કારણે કે સ્વામીબાપા પછી આ સંપ્રદાયનું શું થશે તે મોટો પ્રશ્ન છે. પ્રમુખ સ્વામીએ અથાક પરિશ્રમ કરી આ સંપ્રદાયને વિશ્વવ્યાપી બનાવ્યો, ગુજરાતમાં સંસ્કારની ભરતી લાવ્યાં. આજે સંપ્રદાય તેની ટોચે છે. જો યોગ્ય વારસદાર નહિ આપવામાં આવે તો સંપ્રદાય વેરવિખેર થઇ જશે. ખેર ભગવાન સ્વામિનારાયણ જે કરે તે ખરું.
2 પ્રત્યાઘાતો:
ધન્ય
સાધુ સાધુ
પ્રમુખ સ્વામીના દર્શન કરાવ્યા બદલ આભાર....
Post a Comment