ગુજરાતના કેટલાક શહેરોનાં પ્રાચીન નામો
આજે આપણું અમદાવાદ ૬૦૦ વર્ષ પૂરા કરીને ૬૦૧ના વર્ષમાં પ્રવેશ કરે છે. સહુને વધામણી. ખરૂં પૂછો તો આ અમદાવાદ શહેરની નહીં, પરંતુ આ શહેરના 'અમદાવાદ' નામકરણની ૬૦૧મી વર્ષગાંઠ છે. બાકી તો આ શહેરે આશાભીલના ટેકરા થી માંડીને કર્ણદેવની મહેલાતો અને ઓતિયા-ગોધિયાની સામેની લડાઇથી સ્વતંત્ર્યની લડાઇ સુધીની ઘટનાઓ જોઇ છે. આશાપલ્લી, આશાવલ, કર્ણાવતી, નવાનગર, નવીનપુર, શ્રીનગર, અમદાવાદ, અહમદાબાદ અને એમેડાબાદ એટલા વિવિધ નામોથી આ શહેર ઓળખાઇ ચુક્યુ છે અને ઓળખાઇ રહ્યું છે.
અમદાવાદના વિવિધ નામોની આછી ઝલક આપવાનો મારો વિચાર હતો. પછી અચાનક થયું, ફક્ત અમદાવાદ જ કેમ? અન્ય શહેરોને પણ તેમના વિવિધ નામનો ઇતિહાસ છે. જેણે મુન્શી અને ધૂમકેતુની સોલંકી રાજવંશના ઇતિહાસને નિરૂપતા પુસ્તકો વાંચ્યા હશે તો આજના ગુજરાતના ઘણા શહેરોના જૂના નામોનો ઉલ્લેખ જોવા મળશે. મેં અહીં મારી સ્મરણશક્તિ મુજબ આછેરો પ્રયાસ કર્યો છે. માહિતીનું સંપૂર્ણ શ્રેય કનૈયાલાલ મુનશી અને ધૂમકેતુના પુસ્તકો અને થોડું ઘણું વિકીપીડીયાને જાય છે.
શરૂઆત કરીયે અમદાવાદથી.