હરિને સ્મરીએ તે શુભ ઘડી - ભગવતીકુમાર શર્મા
જીવનના બહુ ઓછા આનંદના પ્રસંગોમાંનો એક તે લગ્ન પ્રસંગ છે. જ્યારે બે વ્યક્તિઓ વચ્ચેના વિજાતીય સંબંધને સમાજની સ્વીકૃતિની મહોર મારવામાં આવે છે ત્યારે એક નવું જીવન, એક નવો વેલો સાકાર થાય છે. હરિને સ્મરીએ કે અંતરની વાણી પ્રગટે તે માટે અભિપ્સા રાખીએ તે આવો પ્રસંગ છે. બ્રહ્મ સંબંધ બાંધવાનો તે પ્રસંગ છે. આ ઘડીએ અંતરમાં રહેલો આપણો સાજન આપણા જીવનમાં નવ ચેતનાનું બીજ રોપે છે. અંતરની વાણીના વેલાની કૂંપળો ફૂટે તેવી ઘડીને કવિ અહીં લગ્નમાંગલ્ય જેવી ઘડી ગણે છે.
લગ્નગીતના ઢાળમાં સોલી કાપડીયાના મધુર સ્વરે ગવાયેલું આ ગીત ( સ્તુતિ? ) આપણને આવા પ્રસંગના માહોલમાં ખેંચી જાય છે.’મંગળ વેળા’ અને ‘મંગળ ફેરા’ વચ્ચેનું મધુર સામ્ય તરત કાન પર ચઢી જાય છે. વજ્જર સાંકળો, ચન્દન મ્હોર્યા, મહુરત, ટીપણું, પદ્મ અંકિત પગલી, વ્હાલોજી આવ્યાની વધામણી આ બધા લગ્ન સમયના પ્રતીકો કવિએ કેવા સરસ સાયુજ્યમાં વાપર્યા છે?
જ્યારે આપણે કોઇ સ્તુતિ ગાઇએ ત્યારે આવો માંગલ્ય-ભાવ પ્રગટે તો તે સ્તુતિ કહેવાય, નહીં તો વ્યર્થ પ્રલાપ.
કવિ - ભગવતીકુમાર શર્મા
સ્વર,સંગીત - સોલી કાપડીયા
હરિને સ્મરીએ તે શુભ ઘડી જાણવી;
મંગળ વેળા વરતી પૂરણ માણવી.
હરિને સ્મરવાનું મહુરત ના નીકળે;
રુદિયે હરિ સાંભર્યા એ પળ ઝળહળે.
હોઠે હોય ભલે વજ્જર સાંકળો;
આતમ બોલે, આતમરામ સાંભળે.
હરિની પદ્મ અંકિત પગલી પરમાણવી
હરિને સ્મરીએ તે શુભ ઘડી જાણવી
ચન્દન મ્હોર્યાનું હોય નહીં ટીપણું;
તત્વ ગ્રહીને ત્યજી દેવું ટૂંપણું.
રાતના અંધારાની કરવી શું રાવ રે?
પાંદડું સળવળ્યે સમજવું મોંસૂંઝણું.
વ્હાલોજી આવ્યાની ઢૂંકડી વધામણી;
હરિને સ્મરીએ તે શુભ ઘડી જાણવી
(પ્રસ્તાવના,શબ્દો - ગદ્યસુર)
0 પ્રત્યાઘાતો:
Post a Comment