Saturday 26 February 2011

ગુજરાતના કેટલાક શહેરોનાં પ્રાચીન નામો

આજે આપણું અમદાવાદ ૬૦૦ વર્ષ પૂરા કરીને ૬૦૧ના વર્ષમાં પ્રવેશ કરે છે. સહુને વધામણી. ખરૂં પૂછો તો આ અમદાવાદ શહેરની નહીં, પરંતુ આ શહેરના 'અમદાવાદ' નામકરણની ૬૦૧મી વર્ષગાંઠ છે.  બાકી તો આ શહેરે આશાભીલના ટેકરા થી માંડીને કર્ણદેવની મહેલાતો અને ઓતિયા-ગોધિયાની સામેની લડાઇથી સ્વતંત્ર્યની લડાઇ સુધીની ઘટનાઓ જોઇ છે. આશાપલ્લી, આશાવલ, કર્ણાવતી, નવાનગર, નવીનપુર, શ્રીનગર, અમદાવાદ, અહમદાબાદ અને એમેડાબાદ એટલા વિવિધ નામોથી આ શહેર ઓળખાઇ ચુક્યુ છે અને ઓળખાઇ રહ્યું છે.

અમદાવાદના વિવિધ નામોની આછી ઝલક આપવાનો મારો વિચાર હતો. પછી અચાનક થયું, ફક્ત અમદાવાદ જ કેમ? અન્ય શહેરોને પણ તેમના વિવિધ નામનો ઇતિહાસ છે. જેણે મુન્શી અને ધૂમકેતુની સોલંકી રાજવંશના ઇતિહાસને નિરૂપતા પુસ્તકો વાંચ્યા હશે તો આજના ગુજરાતના ઘણા શહેરોના જૂના નામોનો ઉલ્લેખ જોવા મળશે. મેં અહીં મારી સ્મરણશક્તિ મુજબ આછેરો પ્રયાસ કર્યો છે. માહિતીનું સંપૂર્ણ શ્રેય કનૈયાલાલ મુનશી અને ધૂમકેતુના પુસ્તકો અને થોડું ઘણું વિકીપીડીયાને જાય છે.

શરૂઆત કરીયે અમદાવાદથી.

  • અમદાવાદઃ- શરૂઆત આ શહેર તેના શાસક આશાભીલના નામથી આશાપલ્લી કે આશાવાલ ઓળખાતું. હાલમાં અમદાવાદમાં અસલાલી વિસ્તાર છે જે કદાચ આશાપલ્લીનું અપભ્રંશ હોય. આશાપલ્લીને જીતી લઇ પાટણપતિ કર્ણદેવ મહારાજે આ શહેરને નામ આપ્યું કર્ણાવતી. ત્યારબાદ ૬૦૧ વર્ષ પહેલા અહમદશાહે આ શહેરને પોતાનું પાટનગર બનાવ્યું અને નામ આપ્યું અહમદાબાદ જે ગુજરાતીમાં અમદાવાદ અને ચીપી ચીપીને ગુજલીશ બોલતા લોકોમાં એમેડાબાદ તરીકે પ્રચલીત છે. નવાનગર, નવિનપુર એ મધ્યયુગના સાહિત્યકારોમાં ઓળખાય છે. તો સ્વામિનારાયણ ગ્રંથોમાં અમદાવાદની શ્રીનગર તરીકે ઉલ્લેખ છે.
  • સૂરતઃ- સૂરત તો અમદાવાદ કરતા પણ જુનું શહેર હોવાનું મનાય છે. સમ્રાટ ચંદ્રગુપ્ત (કે કદાચ તેના કોઇ અનુગામી શાસક)ના વિશે મે એક પુસ્તક વાંચ્યું હતું જેમા સૂરતનો સૂર્યપુર તરીકે ઉલ્લેખ છે. થોડા માસ પહેલા 'સફારી'ના એક અંકમાં સૂરતના વાચકે સૂરતમાં આવેલા પ્રાચીન દેરાસરમાં 'સૂર્યપુર' તરીકે આ શહેરનો ઉલ્લેખ છે તે જણાવ્યું હતું. ત્યારવાદ ત્યાના મુસ્લીમ શાસકોએ તેનું નામ સૂરત કરી નાખ્યું હતું.
  • વડોદરા ઃ- મોટાભાગના લોકો એમ માને છે કે વડોદરાનું બીજું નામ ફક્ત 'બરોડા' છે અને વડોદરા ગાયકવાડોએ વસાવ્યુ છે. પણ હકીકતમાં વડોદરાનું પ્રાચીન નામ છે વટપદ્ર અર્થાત વટવૃક્ષ હેઠળ વિકસેલુ શહેર. બની શકે કે આ શહેરમાં કોઇ કાળે વડના ઘણા ઝાડ હોય. મેં મૂળરાજ સોલંકી (સોલંકીવંશના સ્થાપક) વિશેના પુસ્તકમાં વટપદ્ર શહેરનો ઉલ્લેખ વાંચ્યો હતો.
  • રાજકોટઃ- રાજકોટના સ્થાપક વિભાજી જાડેજાએ પોતાના મિત્ર રાજુસંધિની મૈત્રીના માનમાં પોતાના પાટનગરનું નામ રાજકોટ રાખ્યું હતું. આ બનાવની વધુ વિગત મને ખ્યાલ નથી. હા પણ એટલુ યાદ છે કે જૂનાગઢના નવાબે એકવખત રાજકોટ જીતી લઇને તેનું નામ માસુમાબાદ કર્યુ હતું. પણ પાછળથી રાજકોટના શાસકોએ નવાબને હરાવી શહેર પાછું મેળવ્યું અને નામ રાજકોટ કર્યું. આમતો આ શહેર આખા સૌરાષ્ટ્રના રાજનું કેન્દ્ર છે એટલે રાજકોટ નામ યથાર્થ છે.
  • ખંભાતઃ- ખંભાત મારું વતન છે. આ શહેરે એટલી જાહોજલાલી જોઇ છે જેટલિ માણસ ફક્ત સ્વપ્નમાં જ કલ્પી શકે. છેક ગુપ્તોના સમયથી મેં વાંચ્યું છે કે ખંભાત ધીકતું બંદર હતું. તે પહેલા તો તેનો ઉદ્દભવ કેવી રીતે થયો હશે તેના કોઇ પુરાવા નથી. આ શહેરે પણ અનેક નામો જોયા છે. ખંભાતનું પહેલું નામ એટલે ત્રંબાવટી. અંબાજીની આરતીમાં જે 'ત્રંબાવટી નગરી મા રૂપાવટી નગરી'નો ઉલ્લેખ આવે છે તે નગરી એટલે ખંભાત. તાંબા જેવો વર્ણ ધરાવતી અહીંની રેતીની ચમક જોઇ નામ પડ્યું ત્રંબાવટી તો રૂપાથી ચમકતી જાહોજલાલીને કારણે તે ઓળખાઇ રૂપાવટી તરીકે. (હવે વાત નીકળિ જ છે તે સહર્ષ જણાવિ દઉ કે આ માતાજીની આરતી જેમણે રચી છે તે શિવાનંદ સ્વામી ખંભાતના છે. સંવત ૧૬૨૨ ખંભાતમાં માતાજીના મંદિરની સ્થાપના વખતે તેમણે આ આરતી રચેલી). ખેર મૂળ વાત પર પાછા આવીયે. ત્રંબાવતીનું અપભ્રંશ થયું સ્તંભાવતી કે સ્તંભતિર્થ. સોલંકીકાળમાં આ શહેર આ નામે ઓળખાતું હતું. સ્તંભતિર્થ સમગ્ર ગુજરાતની લક્ષ્મીનું કેન્દ્ર ગણાતું હતું. જે સ્તંભતિર્થ પર રાજ કરે તે સમગ્ર ગુજરાત પર રાજ કરે તેમ મનાતું કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યનો આચાર્યપદે અભિષેક આ શહેરમાં થયો હતો. સમગ્ર ગુજરાતમાં જૈનધર્મનો ફેલાવો થવામાં ખંભાત મુખ્ય કેન્દ્ર હતું. સ્તંભતિર્થ તેના નવાબી શાસનમાં બન્યું ખંભાત. આ સરસ નામને અંગ્રેજોએ તેમના સ્વભાવ મુજબ વિકૃત કરીને બનાવ્યું 'કેમબે'. આજે પણ કોઇ ખંભાતનો નામોલ્લેખ 'કેમબે' તરીકે કરે છે, ત્યારે કાનને ડંખે છે.
  • પાલનપુરઃ-  ગુજરાતમાં સોલંકીકાળના અસ્ત પછી જ્યારે વાઘેલાઓનું રાજ્ય આવ્યું તે સમયમાં આ શહેર સ્થપાયું વાઘેલાનરેશના મિત્ર આબુના દંડનાયક (સામંત) ધારાવર્ષદેવ પરમાર (જે મૂળ સિદ્ધરાજ જયસિંહના સમયથી આબુના સામંત હતા. ત્યારબાદ પાટણના શાસકો કુમારપાળ, અજયપાળ અને ભીમદેવ બીજાની પણ સેવા કરી હતી. તેઓ પોતાની તિરંદાજી માટે પ્રખ્યાત હતા)ના પુત્ર પ્રહિન્નદેવજીએ અરાવલીની ગિરિમાળાની નજીક નવું શહેર વસાવ્યું 'પ્રહિન્નપુર'. જે વખત જતા પાલનપુર બન્યું. વધુ ઇતિહાસ કોઇ પાલનપુરના હોય તો મને જણાવજો. આટલો ઉલ્લેખ મેં ઝવેરચંદ મેઘાણીના પુસ્તક 'ગુજરાત-કથા'માં વાંચેલો.
  • ગોધરાઃ - આજે દેશવિદેશમાં મિડીયાએ બદનામ કરેલ આ શહેરનો પોતાનો જૂનો ઇતિહાસ છે. ચરોતરથી ગાયો અહીં ચરવા આવતી. આથી આ શહેર ગોદ્રહલ તરીકે ઓળખાયું. સોલંકીકાળમાં આ નગર ગોધ્રિકાપંથક તરીકે ઓળખાતું. કુમારપાળ જ્યારે પાટણથી નાસતો ફરતો હતો ત્યારે ગોધરાના જંગલોમાં લાંબા સમય સુધી રહ્યો હતો.
  • અમરેલીઃ- આ કેસર કેરીનો પ્રદેશ. તે અમરાવતી કે અમરાવલી (કેરીની હારમાળા) તરીકે ઓળખાતું. જે  અમરેલી બન્યું.
  • નવસારીઃ-  સોલંકીકાળમાં નવસારી 'નવસારિકા' તરીકે ઓળખાતું અને  ગુજરાતની દક્ષિણની હદમાં છેલ્લો પ્રદેશ ગણાતો.
  • ખેડાઃ- આ પ્રદેશ ગુજરાતનો સહુથી ફળદ્રુપ પ્રદેશ છે. ખેડ કરવા પરથી નામ પડ્યું હશે ખેડા. પ્રાચીન સમયમાં તે ખેટકપંથક તરીકે ઓળખાતું. જ્યારે માળવાના રાજા ભોજના સેનાપતિ એ ગુજરાતને દગો આપીને પાટણની લૂંટ ચલાવી, ત્યારે પાછા ફરતી વખતે પાટણવતી અજુર્નદેવજીએ તેને ખેટકપંથકમાં લડત આપી. નાના નાળામાં તેના સૈન્યને બન્ને બાજુથી રોકી રાખી પહેલા દિવસો સુધી ભૂખે ટળવળાવ્યા અને ત્યારબાદ દ્રંદ્રયુદ્ધ કરી સેનાપતીને હરાવ્યાં. શરમના માર્યા સેનાપતીએ ત્યાજ મોત વહાલું કર્યુ અને ગુજરાતની કીર્તિલક્ષ્મી જળવાઇ રહી.
બસ આજે આટલું જ. આમતો આપણા ગુજરાતના એકએક ગામના નામનો ઇતિહાસ છે. હું કોઇ પણ સ્થળે જાવ તેનું નામ પાછળનો ઇતિહાસ  લેવાની મારી આદત છે. કોઇ પણ જગ્યાનું નામ તેની ઓળખને છતી કરે છે તેમ મારું માનવું છે.

અંતે એક આડવત. બધી જગ્યાનું નામ સમય જતા બદલાયા છે. પણ ગુજરાતનું એક શહેર એવું છે જેનું નામ આજે પણ એનું એજ છે. તે છે જૂનાગઢ. હા કેટલાક સંસ્ક્રુત ભાષાનાં વિદ્વાનો તેનો જિર્ણદુર્ગ તરીકે ઉલ્લેખ કરે છે પણ આ નામ લોકોમાં પ્રચલીત ન હતું.  ૨૫૦૦ વર્ષ પહેલા જ્યારે ગુપ્ત શાસકોએ અહીં સુદર્શન સરોવર બંધાવ્યું ત્યારે પણ તે જૂનાગઢ હતું, સિદ્ધરાજે જ્યારે ખેંગારને હરાવીને ગઢ જીત્યો ત્યારે પણ જૂનાગઢ હતું અને આજે પણ જૂનાગઢ જ છે. ૨૫૦૦ વર્ષમાં ગુપ્તો, ચૌલુક્યો, સોલંકીઓ, વાઘેલા, ચોલ, પલ્લવ, રાષ્ટ્રકૂટ, કુશાણ, રાજપૂતો, મુઘલો, અફધાનો, નવાબો, સીદીઓ, અંગ્રજો જેવા અનેક રાજવંશોની ચડતી પડતી આ નગરે જોઇ, પણ આ નગર જૂનાગઢ જ રહ્યું. તે ન બદલાયું. કદાચ ન બદલાવું આ નગરની પ્રકૃતિ છે, નગરજનોની પ્રકૃતિ છે, તેમ મને લાગે છે.

3 પ્રત્યાઘાતો:

Anonymous,  Saturday, February 26, 2011 4:37:00 pm  

પ્રિય કૃતેશભાઈ,
આપની મહેનત અને જીજ્ઞશાની કદર કરવી રહી.
ગુજરાતના શહેરો વિશેની માહિતી રસપ્રદ રહી.
શુભેચ્છા અને આભાર.

Ramesh Patel Sunday, February 27, 2011 12:57:00 pm  

ગુજરાતના શહેરો વિશેની માહિતી રસપ્રદ રહી.
શુભેચ્છા અને આભાર.
Ramesh Patel(Aakashdeep)

Hitesh Modi,  Monday, March 07, 2011 4:35:00 pm  

Your article is good. But there is no mention of Bharuch - the oldest city of Gujarat.

Copyright 2009-2013 © With Respective Creators, Ahmedabad, Gujarat, India. All Right Reserved.

No song uploaded on this blog can be downloaded by using any techniques. If any one downloads song without permission, blog will not be responsible for copyright infringement.

Back to TOP