કોકિલ પંચમ બોલ બોલો કે પંચમી આવી વસંતની - ઉમાશંકર જોશી
આવતી કાલે વસંતપંચમી છે, ભારતીય પ્રણયદિવસ. ઘણા લોકોની એવી ભૂલભરેલી માન્યતા છે કે વસંતપંચમી એટલે વસંતનો પ્રારંભ. વસંત પંચમી વસંતનો આરંભ નથી, પણ વસંતની છડી પુકારે છે. ભારતીય કેલેન્ડર મુજબ વસંત તો ફાગણ માસમાં બેસે છે.
શાસ્ત્રો મુજબ વસંતપંચમી સરસ્વતીમાતાનો જન્મદિવસ ગણાય છે. નાના બાળકો આજના દિવસથી વિદ્યારંભ કરે છે. આજે એક દિવસ પહેલા જ વધાવીએ આ મંગળ પર્વને. અને હા કાલે એક મસ્ત ભેટ છે આપના માટે. હાલતુરંત તો આ ગીત માણો.
સ્વર - નિરૂપમા શેઠ
સંગીત - અજિત શેઠ
કોકિલ પંચમ બોલ બોલો
કે પંચમી આવી વસંતની.
દખ્ખણના વાયરાનાં આ શાં અડપલાં !
ઊઘડ્યાં લતાઓનાં યૌવનનાં સપનાં,
લાગ્યો જ્યાં એક વાયુઝોલો -
કે પંચમી આવી વસંતની.
મંજરી, મત્ત થઈ ડોલો
કે પંચમી આવી વસંતની.
આંબે આંબે હસે રસની કટોરીઓ,
ગાતા ભમતા ભૃંગ પ્રેમ તણી હોરીઓ.
આછો મકરંદ મંદ ઢોળો
કે પંચમી આવી વસંતની.
આતમ, અંતરપટ ખોલો
કે પંચમી આવી વસંતની.
ચેતના આ આવી ખખડાવે છે બારણાં,
હેતે વધાવી એને લો રે ઓવારણાં.
ઝૂલે શો સૃષ્ટિનો હિંડોળો !
કે પંચમી આવી વસંતની.
(શબ્દો - લયસ્તરો)
0 પ્રત્યાઘાતો:
Post a Comment