Tuesday 8 February 2011

શિક્ષાપત્રી - સ્વામી સહજાનંદ


આજે વસંતપંચમી અને શિક્ષાપત્રી જયંતી છે. ઇ.સ. ૧૮૨૬માં વડતાલ ગામમાં બોરડીના ઝાડની નીચે બેસીને સહજાનંદ સ્વામીએ સમાજ માટે આચરણના નિયમો રચ્યા, જે શિક્ષાપત્રી તરીકે ઓળખાયા. સ્વામિનારાયણ સંપ્રદાયનો આ સહુથી મોટો ગ્રંથ. આ ગ્રંથે સમાજના દરેક વર્ગ માટે આચરણના નિયમો આપ્યા અને આ નિયમપાલને જ આ સંપ્રદાયને વિશિષ્ઠતા આપી. સ્વચ્છતા, સુઘડતા પર મુકેલા ભારને કારણે આ સંપ્રદાય 'ઉજળો સંપ્રદાય' કહેવાયો.

આમ તો શિક્ષાપત્રી ૨૧૨ શ્લોકની છે. મહત્તવની વાત એ છે કે શિક્ષાપત્રી કોઇ સંપ્રદાયની વાત નથી કરતી. એમાં દર્શાવેલા નિયમો ધર્મ અને સંપ્રદાયના ભેદથી પર સમગ્ર સમાજની સુખાકારી માટે છે. ગુજરાતના (અને કદાચ દેશના) સર્વપ્રથમ સમાજસુધારક સહજાનંદ સ્વામીજીએ મનુષ્યના રોજબરોજના જીવનમાં સદાચાર અને નિયમપાલનના મહત્તવને સ્વીકારી આ ગ્રંથ રચ્યો છે. આમ આ ગ્રંથ સંપ્રદાયનિરપેક્ષ છે, ધર્મનિરપેક્ષ છે. આ ગ્રંથમાં દર્શાવેલા નિયમોના પાલનથી તંદુરસ્ત સમાજ અને દેશની રચના થાય છે તેમાં કોઇ શંકા નથી.

સ્વર - સ્વામી ગોલોકવિહારીદાસજી




હું જે તે મારા હદયને વિષે શ્રીકૃષ્‍ણ ભગવાનનું ધ્‍યાન કરું છું. તે શ્રી કૃષ્‍ણ કેવા છે તો જેના ડાબા પડખાને વિષે રાધિકાજી રહ્યાં છે અને જેના વક્ષઃસ્‍થળને વિષે લક્ષ્‍મીજી રહ્યાં છે અને વૃંદાવનને વિષે વિહારના કરનારા છે. (૧)



અને વૃતાલય (વડતાલ) ગામના વિષે રહ્યાં એવા સહજાનંદસ્‍વામી જે અમે તે અમે જેતે નાના પ્રકારના જે સર્વે દેશ તેમને વિશે રહયા એવા જે અમારા આશ્રિત સર્વે સત્‍સંગી તે પ્રત્‍યે શિક્ષાપત્રીને લખીએ છીએ. (૨)



શ્રીધર્મદેવ થકી છે જન્‍મ જેમનો એવા જે અમારા ભાઇ રામપ્રતાપજી તથા ઇચ્‍છારામજી, તેમના પુત્ર જે અયોધ્‍યાપ્રસાદ નામે અને રઘુવીર નામે જેને અમે અમારા દત્તપુત્ર કરીને સર્વે સત્‍સંગીના આચાર્યપણાને વિષે સ્‍થાપન કર્યા છે (૩)



તથા અમારા આશ્રિત એવા જે મુકુંદાનંદ આદિક નૈષ્‍ઠીક બ્રહ્મચારી તથા અમારા આશ્રિત જે મયારામ ભટ્ટ આદિક ગૃહસ્‍થ સંત્‍સંગી (૪)

તથા અમારે આશ્રિત જે સુવાસિની અને વિધવા એવી સર્વે બાઇઓ તથા મુકતાનંદ આદિક જે સર્વે સાધુ (પ)

એ સર્વે તેમણે પોતાના ધર્મની રક્ષાના કરનારા અને શાસ્‍ત્રનેવિશેષે પ્રમાણરૂપ અને શ્રીમન્‍નારાયણની સ્‍મૃતિએ સહિત એવા જે અમારા રુડા આશિર્વાદ તે વાંચવા (૬)

અને આ શિક્ષાપત્રી લખ્‍યાનું જે કારણ છે તે સર્વે તેમણે એકાગ્ર મને કરીને ધારવું અને આ શિક્ષાપત્રી જે અમે લખી છે તે સર્વેના જીવનું હિત કરનારી છે. (૭)

અને શ્રીમદ્દ ભાગવત પુરાણ આદિક જે સતશાસ્‍ત્ર તેમણે જીવનના કલ્‍યાણને અર્થે પ્રતિપાદન કર્યા એવા જે અહિંસા આદિક સદાચાર તેમને જે મનુષ્‍ય પાળે છે તે મનુષ્‍ય આ લોકને પરલોકને વિષે મહાસુખિયા થાય છે. (૮)

અને તે સદાચારનું ઉલ્‍લંઘન કરીને જે મનુષ્‍ય પોતાના મનમાં આવે તેમ વર્તે છે તે તો કુબુધ્ધિવાળા છે અને આ લોકને પરલોકને વિષે નિશ્ચે મોટો કષ્‍ટને જ પામે છે. (૯)

તે માટે અમારા શિષ્‍ય એવા જે તમે સર્વે તેમણે તો પ્રીતિએ કરીને આ શિક્ષાપત્રીને અનુસરીને જ નિરંતર સાવધાનપણે વર્તવું (પણ આ શિક્ષાપત્રીનું ઉલ્‍લંઘન કરીને વર્તવું નહિં) (૧૦)

(હવે જે વતર્યાની રીત કહી છીએ જે) અમારા જે સત્‍સંગી તેમણે કોઇપણ જીવ પ્રાણીમાત્રની પણ હિંસા ન કરવી અને જાણીને તો ઝીણા એવા જૂ, માંકડ, ચાચંડ, આદિક જીવ તેમની પણ હિંસા કયારેય ન કરવી (૧૧)

અને દેવતા અને પિતૃ તેમના યજ્ઞને અર્થે પણ બકરાં, મૃગલા, સસલાં, માંછલા, આદિક કોઇ જીવની હિંસા ન કરવી કેમ જે અહિંસા છે તેજ મોટો ધર્મ છે એમ સર્વ શાસ્‍ત્રોમાં કહ્યું છે (૧૨)

અને સ્‍ત્રી, દ્રવ્‍ય અને રાજય જેની પ્રાપ્તિને અર્થે પણ કોઇ મનુષ્‍યની હિંસા તો કોઇ પ્રકારે કયારેય પણ ન કરવી (૧૩)

અને આત્‍મઘાત તો તીર્થને વિષે પણ ન કરવો ને ક્રોધ કરીને ન કરવો અને કયારેય કોઇ અયોગ્‍ય આચરણ થઇ જાય તે થકી મૂંઝાઇને પણ આત્‍મઘાત ન કરવો અને ઝેર ખાઇને તથા ગળે ટુંપો ખાઇને તથા કૂવે પડીને તથા પર્વત ઉપરથી પડીને ઇત્‍યાદી કોઇ રીતે આત્‍મઘાત ન કરવો. (૧૪)

અને જે માંસ છે તે તો યજ્ઞનું શેષ હોય તો પણ આપત્‍કાળમાં પણ કયારેય ન ખાવું અને ત્રણ પ્રકારની સૂરા અને અગીયાર પ્રકારનું મધ તે દેવતાનું નૈવેધ્ય હોય તો પણ ન પીવું (૧પ)

અને કયારેક પોતાથી કાંઇક અયોગ્‍ય આચરણ થઇ ગયું હોય અથવા કોઇ બીજાથી. અયોગ્‍ય આચરણ થઇ ગયું હોય તો શસ્‍ત્રાદિકે કરીને અથવા ક્રોધે કરીને પણ પોતાના અંગનું તથા બીજાના અંગનું છેદન ન કરવું (૧૬)

અને ધર્મ કરવાને અર્થે (ધર્મ કાર્યને માટે)પણ અમારા સત્‍સંગીએ કોઇપણ ચોરીનું કાર્ય ન કરવું અને ધણિયાતું જે કાષ્‍ઠ પુષ્‍પ આદિક વસ્‍તુ તે તેના ધણીની આજ્ઞા વિના ન લેવું (૧૭)

અને અમારા આશ્રિત જે પુરુષ તથા સ્‍ત્રીઓ તેમણે વ્‍યભિચાર ન કરવો. અને જુગટું આદિક જે વ્‍યસન તેનો ત્‍યાગ કરવો અને ભાંગ, મફર, માજમ, ગાંજો, એ આદિક જે કેફ કરનારી વસ્‍તુ તે ખાવી નહીં અને (પીવી પણ નહીં) (૧૮)

અને જેના હાથનું રાંધેલુ અન્‍ન તથા જેના પાત્રનું જળ તે ખપતું ન હોય તેનું રાંધેલુ અન્‍ન તથા તેના પાત્રનું જળ તે શ્રીકૃષ્‍ણભગવાનની પ્રસાદી ચરણામૃતના મહાત્‍મ્‍યે કરીને પણ જગન્‍નાથપુરી વિના અન્‍ય સ્‍થાનકને વિષે ગ્રહણ ન કરવું (અને જગન્‍નાથપુરીને વિષે જગન્‍નાથજીનો પ્રસાદ લેવાય તેનો દોષ નથી) (૧૯)

અને પોતાના સ્‍વાર્થની સિધ્ધિને અર્થે પણ કોઇના પર મિથ્‍યા અપવાદ આરોપણ ન કરવોઅને કોઇને ગાળ તો કયારેય ન દેવી (૨૦)

અને દેવતા, તીર્થ, બ્રાહ્મણ, પતિવ્રતા, સાધુ અને વેદની નિંદા કયારેય ન કરવી અને ન સાંભળવી. (૨૧)

જે દેવતાને સુરા અને માંસનું નૈવેધ થતું હોય અને વળી જે દેવતાની આગળ બકરા જીવની હિંસા થતી હોય તે દેવતાનું નૈવેધન ખાવું (૨૨)

અને માર્ગને વિષે ચાલતે શિવાલયાદિક જે દેવમંદિરો આવે તેને જોઇને તેને નમસ્‍કાર કરવા અને આદર થકી તે દેવનું દર્શન કરવું. (૨૩)

અને પોતપોતાના વર્ણાશ્રમનો જે ધર્મ તે કોઇ સત્‍સંગીએ ત્‍યાગ ન જ કરવો અને પરધર્મનું આચરણ ન કરવું તથા કલ્‍પીત ધર્મનું આચરણ ન કરવું. (૨૪)

અને જેના વચનને સાંભળવે કરીને શ્રી કૃષ્‍ણભગવાનની ભકિતને પોતાનો ધર્મ એ બે થકી પડી જવાય તેના મુખથકી ભગવવાનની કથા વાર્તા ન સાંભળવી (૨પ)

અને જે સત્‍ય વચન બોલવે કરીને પોતાનો દ્રોહ થાય તથા પારકો દ્રોહ થાય એવું જે સત્‍ય વચન તે કયારેય ન બોલવું અને જે કૃતધ્‍ની હોય તેના સંગનો ત્‍યાગ કરવો અને વ્‍યવહારકાર્યને વિષે કોઇની લાંચ ન લેવી. (૨૬)

અને ચોર, પાપી, વ્‍યસની, પાંખડી, કામી તથા કિમિયા આદિક ક્રિયાએ કરીને જનનો ઠગનારો એ છ પ્રકારના જે મનુષ્‍ય તેમનો સંગ ન કરવો. (૨૭)

અને જે મનુષ્‍ય ભકિતનું અથવા જ્ઞાનનું આલંબન કરીને સ્‍ત્રી, દ્રવ્‍ય અને રસાસ્‍વાદ તેને વિષે અતિશય લોલુપથકા પાપને વિષે પ્રવર્તતા હોય તે છ મનુષ્‍યનો સમાગમ ન કરવો (૨૮)

અને જે શાસ્‍ત્રને વિષે શ્રીકૃષ્‍ણ ભગવાન તથા શ્રીકૃષ્‍ણભગવાનના જે વરાહાદિક અવતારો તેમનું યુકિતએ કરીને ખંડન કર્યું હોય એવા જે શાસ્‍ત્ર તે કયારેય ન માનવાં અને ન સાંભળવા (૨૯)

અને ગાળ્યા વિનાનું જળ તથા દૂધ તે ન પીવું અને જે જળને વિષે ઝીંણા જીવ ઘણા હોય તે જળે કરીને સ્‍નાનાદિક ક્રિયા ન કરવી (૩૦)

અને જે ઔષધ દારૂ તથા માંસ તેણે યુકત હોય તે ઔષધ કયારેય ન ખાવું અને વળી જે વૈધના આચરણને જાણતા ન હોઇએ તે વૈધે આપ્‍યુ જે ઔષધ તે પણ કયારેય ન ખાવું. (૩૧)

અને લોક અને શાસ્‍ત્ર તેમણે મળમૂત્ર કરવાને અર્થે વજર્યા એવાં સ્‍થાનક જે જીર્ણ દેવાલય તથા નદી તળાવના આરા તથા માર્ગ તથા વાવેલું ખેતર તથા વૃક્ષની છાયા તથા ફુલવાડી, બગીચાએ આદિક જે સ્‍થાનકને તેમને વિષે કયારેય પણ મળમૂત્ર ન કરવું તથા થુંકવું પણ નહીં. (૩૨)

અને ચોર માર્ગે કરીને પેસવું નહિ અને નીકળવું નહિ અને જે સ્‍થાનક ધણીયાતું હોય તે સ્‍થાકને વિષે તેના ધણીને પૂછયા વિના ઉતારો ન કરવો (૩૩)

અને અમારા સત્‍સંગી જે પુરુષમાત્ર તેમણે બાઇ માણસના મુખથકી જ્ઞાનવાર્તા ન સાંભળવી અને સ્‍ત્રીઓ સાથે વિવાદ ન કરવો તથા રાજા સંગાથે તથા રાજાના માણસ સંગાથે વિવાદ ન કરવો. (૩૪)

અને ગુરુ અપમાન ન કરવું. તથા જે અતિશય શ્રેષ્‍ઠ મનુષ્‍ય હોય તથા જે લોકને વિષે પ્રતિષ્‍ઠીત મનુષ્‍ય હોય તથા જે વિદ્વાન મનુષ્‍ય હોય તથા જે શસ્‍ત્રધારી મનુષ્‍ય હોય તે સર્વનું અપમાન ન કરવું. (૩પ)

અને વિચાર્યા વિના તત્‍કાળ કોઇ કાર્ય ન કરવું અને ધર્મ સંબંધી જે કાર્ય તે તો તત્‍કાળ કરવું અને પોતે જે વિધા ભણ્યા હોઇએ તે બીજાને ભણાવવી અને નિત્‍ય પ્રત્‍યે સાધુનો સમાગમ કરવો (૩૬)

અને ગુરુ દેવ અને રાજા એ ત્રણના દર્શનને અર્થે જયારે જવું ત્‍યારે ઠાલે હાથે ન જવું અને કોઇનો વિશ્ર્વાસઘાત ન કરવો અને પોતાને મુખે કરીને પોતાના વખાણ ન કરવા (૩૭)

અને જે વસ્‍ત્ર પહેર્યે થકે પણ પોતાનાં અંગ દેખાય તેવું જે ભુંડું વસ્‍ત્ર તે અમારા સત્‍સંગી તેમણે ન પહેરવું (૩૮)

અને શ્રીકૃષ્‍ણ ભગવાનની જે ભકિત તે ધર્મે રહીત એવી કોઇ પ્રકારે ન કરવી અને અજ્ઞાની એવાં જે મનુષ્‍ય તેમની નિંદાના ભય થકી શ્રીકૃષ્‍ણ ભગવાનની સેવાનો ત્‍યાગ કરવો જ નહી. (૩૯)

અને ઉત્‍સવના દિવસે વિષે તથા નિત્‍ય પ્રત્‍યે શ્રીકૃષ્‍ણના મંદિરમાં આવ્‍યા જે સત્‍સંગી પુરુષ તેમણે તે મંદિરને વિષે સ્‍ત્રીઓનો સ્‍પર્શ ન કરવો તથા સ્‍ત્રીઓ તેમણે પુરુષોનો સ્‍પર્શ ન કરવો અને મંદિરમાંથી નિસર્યા પછી પોત પોતાની રીતે વર્તવું (૪૦)

અને ધર્મવંશી ગુરુથકી શ્રીકૃષ્‍ણની દિક્ષાને પામ્‍યા એવા બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્‍ય એ ત્રણ વર્ણના અમારા સત્‍સંગી તેમણે કંઠને વિષે તુલસીની બેવડી માળા નિત્‍યે ધારવી અને લલાટ, હ્રદય અને બે હાથ એ ચારે ઠેકાણે ઊર્ધ્વવપુંડ તિલક કરવું. (૪૧)

અને તે તિલક જે તે ગોપીચંદનને કરીને કરવું અથવા ભગવાનની પૂજા કરતાં બાકી રહ્યું અને કેસર કંકુમાદિકે યુકત એવું જે પ્રસાદીનું ચંદન તેણે કરીને તિલક કરવું (૪૨)

અનુ તે તિલકના મધ્‍યને વિષે જ ગોળ એવો જે ચાંદલો તે જેતે ગોપીચંદને કરીને કરવો અથવા રાધિકાજી અને લક્ષ્‍મીજી તેનું પ્રસાદીનું એવું જે કુમકુમ તેણે કરીને તે ચાંદલો કરવો. (૪૩)

અને પોતાના ધર્મને વિષે રહ્યા અને શ્રીકૃષ્‍ણના ભકત સચ્છુદ્ર તેમણે તો તુલસીની માળા અને ઊધ્‍વપુંડ્ર તિલક તે બ્રાહ્મણ ક્ષત્રિય, વૈશ્‍યની પેઠે ધારવા (૪૪)

અને તે સચ્‍છૂદ્ર થકી બીજા જે જાતિએ કરીને ઉતરતાં એવા ભકતજન તેમણે તો ચંદનાદિક કાષ્‍ઠની બેવડીમાળા તે ભગવાનની પ્રસાદી કરાવીને કંઠની વિષે ધારવી અને લલાટને વિષે કેવળ ચાંદલો કરવો પણ તિલક ન કરવું. (૪પ)

અને જે બ્રહ્મણાદિકને ત્રિપુંડ્ર જેવું આડુ તિલક કરવું તથા રુદ્રાક્ષની માળા ધારણ કરવી એ બે વાનાં પોતાની કુળ પરંપરાએ કરીને ચાલ્‍યાં આવ્‍યાં હોય અને તે બ્રાહ્મણાદિક અમારા આશ્રિત થયા હોય તો પણ તેમણે ત્રિપુંડ્ર અને રુદ્રાક્ષનો કયારેય ત્‍યાગ ન કરવો. (૪૬)

નારાયણ અને શિવજી એ બેનું એકાત્‍મ પણું જ જાણવું. જેમ જે વેદને વિષે એ બેનું બ્રાહ્મણે કરીને પ્રતિપાદન કર્યું છે. (૪૭)

અને અમારા આશ્રિત જે મનુષ્‍ય તેમણે શાસ્‍ત્રે કહ્યો જે આપદધર્મ તે અલ્‍પ આપતકાળને વિષે મુખ્યપણે કરીને કયારેય ગ્રહણ ન કરવો. (૪૮)

અને અમારા સત્‍સંગી તેમણે નિત્‍ય સુર્ય ઉગ્‍યાથી પહેલાજ જાગવું અને શ્રીકૃષ્‍ણ ભગવાનનું સ્‍મરણ કરીને પછી જ શૌચવિધિ કરવા જવું. (૪૯)

અને પછી એક સ્‍થાનને વિષે બેસીને દાતણ કરવું અને પછી પવિત્ર જળે કરીને સ્‍નાન કરીને પછી ધોયેલું વસ્‍ત્ર એક પહેરવું અને એક ઓઢવું (પ૦)

અને તે પછી પવિત્ર પૃથ્‍વીને વિષે પાથરેલું અને શુધ્‍ધ કોઇ બીજા આસનને અડયું ન હોય અને જેની ઉપર સારી પેઠે બેસાય એવું આસન તેને વિષે પૂર્વમુખે અથવા ઉત્તરમુખે બેસીને આચમન કરવું (પ૧)

અને પછી સત્‍સંગી પુરુષમાત્રને ચાંદલો સહીત ઉધર્વપુંડ્ર તિલક કરવું અને સુવાસિની જે સ્‍ત્રીઓ તેમણે તો પોતાના ભાલને વિષે કુમકુમનો ચાંદલો કરવો (પ૨)

અને વિધવા સ્‍ત્રીઓએ પોતાના ભાલને વિષે તિલક ન કરવું તે ચાંદલો પણ ન કરવો તે પછી તે સર્વે જે અમારા સત્‍સંગી તેમણે મને કરીને કલ્‍પ્‍યાં જે ચંદન પુષ્‍પાદિક ઉપચાર તેમણે કરીને શ્રીકૃષ્‍ણ ભગવાનની માનસી પૂજા કરવી. (પ૩)

અને તે પછી જે શ્રીરાધાકૃષ્‍ણની ચિત્રપ્રતિમા તેનું આદર થકી દર્શન કરીને નમસ્‍કાર કરીને પછી પોતાના સામર્થ્ય પ્રમાણે શ્રીકૃષ્‍ણનો જે અષ્‍ટક્ષર મંત્ર તેનો જપ કરીને તે પછી પોતાનું વ્‍યવહારિક કામકાજ કરવું. (પ૪)

અને જે અમારા સત્‍સંગીમાં અંબરીષ રાજાની પેઠે આત્‍મનિવેદી એવા ઉત્તમ ભકત હોય તેમણે પણ પ્રથમ કહ્યું તેવી રીતે અનુક્રમે કરીને માનસી પૂજા પર્યત સર્વે ક્રિયા કરવી (પપ)

અને જેતે આત્‍મનિવેદી ભકત તેમણે પાષણની અથવા ધાતુની જે શ્રીકૃષ્‍ણ ભગવાનની પ્રતિમા અથવા શાલિગ્રામ તેની જે પૂજા તે દેશકાળને અનુસરીને પોતાના સામથ્ર્ય પ્રમાણે પ્રાપ્‍ત થયા જે ચંદન પુષ્‍પ ફળાદિક વસ્‍તુ તેણે કરીને કરવી અને પછી શ્રીકૃષ્‍ણ ભગવાનનો જે અષ્‍ટાક્ષર મંત્ર તેનો જપ કરવો. (પ૬)

અને પછી શ્રીકૃષ્‍ણ ભગવાનના જે સ્‍તોત્ર અથવા ગ્રંથ તેનો પાઠ તે પોતાના સામર્થ્ય પ્રમાણે કરવો અને જે સંસ્‍કૃત ન ભણ્યા હોય તેમણે શ્રીકૃષ્‍ણ ભગવાનનું નામ કીર્તન કરવું (પ૭)

અને પછી શ્રીકૃષ્‍ણભગવાનને નૈવેધ કરીને પછી તે પ્રસાદિનું એવું જે અન્‍ન તે જમવું ને તે જે આત્‍મ નિવેદી વૈષ્‍ણવ તેમણે સર્વ કાળને વિષે પ્રીતિએ કરીને શ્રીકૃષ્‍ણ ભગવાનની સેવાપરાયણ થવું. (પ૮)

અને નિર્ગુણ કહેતા માયાનાં જે સત્‍વાદિક ત્રણ ગુણો તેણે રહિત એવા જે શ્રીકૃષ્‍ણ ભગવાન તેના સબંધથકી તે આત્‍મનિવેદી ભકતની જે સર્વે ક્રિયા તે નિર્ગુણ થાય છે તેથી આત્‍મનિવેદી ભકતને જે તે નિર્ગુણ કહ્યા છે. (પ૯)

અને જે આત્‍મનિવેદી ભકત તેમણે શ્રીકૃષ્‍ણ ભગવાનને અર્પણ કર્યા વિનાનું જળ પણ કયારેય ન પીવું અને પત્ર કંદ ફાળાદીક જે વસ્‍તુ તે પણ શ્રીકૃષ્‍ણ ભગવાનને અર્પણ કર્યા વિનાનું ન ખાવું (૬૦)

અને વળી સર્વે જે અમારા સત્‍સંગી તેમણે વૃધ્‍ધવસ્‍થાએ અથવા કોઇ મોટા આપત્‍કાળે કરીને અસમર્થપણું થઇ ગયે સતે પોતે સેવવાનું જે શ્રીકૃષ્‍ણનું સ્‍વરૂપ તે બીજા ભકતને આપીને પોતે પોતાના સામર્થ્ય પ્રમાણે વર્તવું (૬૧)

અને જે શ્રીકૃષ્‍ણનું સ્‍વરૂપ પોતાને સેવનાને અર્થે ધર્મ વંશના જે આચાર્ય તેમણે જ આપ્‍યું હોય અથવા તે આચાર્ય જે સ્‍વરૂપની પ્રતિષ્‍ઠા કરી હોય તે જ સ્‍વરૂપને સેવવું અને તે વિના બીજુ જે શ્રીકૃષ્‍ણનું સ્‍વરૂપ તે તો નમસ્‍કાર કરવા યોગ્‍ય છે પણ સેવવા યોગ્‍ય નથી. (૬૨)

અને અમારા જે સર્વ સત્‍સંગી તેમણે નિત્‍ય પ્રત્‍યે સાયંકાળે ભગવાનના મંદિર પ્રત્‍યે જવું અને તે ભગવાન તેના નામનું ઉચ્‍ચ સ્‍વરે કરીને કિર્તન કરવું (૬૩)

અને તે શ્રીકૃષ્‍ણની જે કથા વાર્તા તે પરમ આદર થકી કરવી અને સાંભળવી અને ઉત્‍સવને દિવસે વાજિંત્રે સ‍હિત શ્રીકૃષ્‍ણનાં કિર્તન કરવાં (૬૪)

અને અમારા આશ્રિત જે સર્વે સત્‍સંગી તેમણે જે પ્રકારે પૂર્વે કહ્યું તે પ્રકારે કરીને જ નિત્‍ય પ્રત્‍યે કરવું અને સંસ્‍કૃત અને પ્રાકૃત એવા જે સદગ્રંથ તેમનો અભ્‍યાસ પણ પોતાની બુધ્ધિને અનુસારે કરવો (૬પ)

અને જે મનુષ્‍ય જેવા ગુણે કરીને યુકત હોય તે મનુષ્‍યને તેવા કાર્યને વિષે વિચારીને જ પ્રેરવો પણ જે કાર્યને વિશે જે યોગ્‍ય ન હોય તે કાર્યને વિષે તેને કયારેય ન પ્રેરવો. (૬૬)

અને પોતાના જે સેવક હોય તે સર્વની પોતાના સામર્થ્ય પ્રમાણે અન્‍નવસ્‍ત્રાદિક કરીને યથાયોગ સંભાવના નિરંતર રાખવી (૬૭)

અને જે પુરુષ જેવા ગુણવાળો હોય તે પુરુષને તેવા વચન કરીને દેશકાળાનુસારે યથાયોગ્‍ય બોલવવો પણ એથી બીજી રીતે ન બોલાવવો (૬૮)

અને વિનયે કરીને યુકત એવા જે અમારા આશ્રિત સત્‍સંગી તેમણે ગુરુ, રાજા, અતિવૃધ્‍ધ, ત્‍યાગી, વિદ્વાન અને તપસ્‍વીએ છ જણા આવે ત્‍યારે સન્‍મુખ ઉઠવું તથા આસન આપવું તથા મધુર વચને બોલાવવા ઇત્‍યાદિક ક્રિયાએ કરીને એમનું સન્‍માન કરવું. (૬૯)

અને ગુરુદેવને રાજા એમને સમીપે તથા સભાને વિષે પગ ઉપર પગ ચઢાવીને ન બેસવું તથા વસ્‍ત્રે કરીને ઢીંચણને બાંધી ન બેસવું (૭૦)

અને અમારા આશ્રિત જે સર્વે સતસંગી તેમણે પોતાના આચાર્ય સંગાથે કયારેય પણ વિવાદ ન કરવો અને પોતાના સામર્થ્‍ય પ્રમાણે અન્‍ન ધન વસ્‍ત્રદિકે કરીને તે પોતાના આચાર્યને પૂજવા (૭૧)

અમારા જે આશ્રિતજન તેમણે પોતાના આચાર્યને આવતા સાંભળીને આદર થકી તત્‍કાળ સન્‍મુખ જવું અને તે આચાર્ય પોતાના ગામથી પાછા પધારે ત્‍યારે ગામની ભગોળ સુધી વળાવવા જવું (૭૨)

અને ઘણુંક છે ફળ જેને વિષે એવું પણ જે કર્મ તે જો ધર્મ રહિત હોય તો તેનું આચરણ ન જ કરવું, કેમ જે ધર્મ છે તેજ સર્વ પુરુષાર્થનો આપનારો છે માટે કોઇક ફળના લોભે કરીને ધર્મનો ત્‍યાગ ન કરવો (૭૩)

અને પૂર્વે થયા જે મોટા પુરુષ તેમણે પણ જો કયારેય અધર્માચરણ કર્યું હોય તો તેનું ગ્રહણ ન કરવું અને તેમણે જે ધર્માચરણ કર્યું હોય તો તેનું ગ્રહણ કરવું. (૭૪)

અને કોઇની પણ જે ગૃહ્યવર્તા તે તો કોઇ ઠેકાણે પણ પ્રકાશ કરવી જ નહિ અને જે જીવનું જેવી રીતે સન્‍માન કરવું ઘટતું હોય તેનું તેવી રીતે જ સન્‍માન કરવું પણ સમદ્રષ્ટિએ કરીને એ મર્યાદાનું ઉલ્‍લંઘન કરવું નહિ. (૭પ)

અને અમારા જે સર્વે સતસંગી તેમણે ચાતુર્માસને વિષે વિશેષ નિયમ ધારવો અને જે મનુષ્‍ય અસમર્થ હોય તેમણે તો એક શ્રાવણ માસને વિષે વિશેષ નિયમ ધારવો. (૭૬)

અને તે વિશેષ નિયમ તે કિયા તો ભગવાનની કથાનું શ્રવણ કરવું તથા કથા વાંચવી તથા ભગવાનના ગુણનું કીર્તન કરવું તથા પંચામૃત સ્‍નાને કરીને ભગવાનની મહાપુજા કરવી તથા ભગવાનના મંત્રનો જપ કરવો તથા સ્‍તોત્રનો પાઠ કરવો તથા ભગવાનને પ્રદક્ષિણાઓ કરવી. (૭૭)

તથા ભગવાનને સાષ્‍ટાંગ નમસ્‍કાર કરવા એ જે આઠ પ્રકારના નિયમ તે અમે ઉત્તમ માન્‍યા છે તે માટે એ નિયમમાંથી કોઇ એક નિયમ જે તે ચોમાસાને વિષે વિશેષ પણે ભકિતએ કરીને ધારવો. (૭૮)

અને સર્વ જે એકાદશીઓ તેમું વ્રત જે તે આદરથકી કરવું તથા શ્રીકૃષ્‍ણ ભગવાનના જે જન્‍માષ્‍ટમી આદિક જન્‍મદિવસ તેમનું વ્રત જે તે આદરથકી કરવું તથા શિવરાત્રીનું વ્રત જેતે આદરથકી કરવું અને તે વ્રતના દિવસને વિષે મોટા ઉત્‍સવ કરવા (૭૯)

અને જે દિવસે વ્રતનો ઉપવાસ કર્યો હોય તે દિવસે અતિશય યત્‍ને કરીને દિવસની નિંદ્રાનો ત્‍યાગ કરવો, કેમ જે જેમ મૈથુને કરીને મનુષ્‍યના ઉપવાસનો નાશ થાય છે. તેમજ દિવસની નિંદ્રાએ કરીને મનુષ્‍યના ઉપવાસનો નાશ થાઇ છે. (૮૦)

અને સર્વ વૈષ્‍ણવના રાજા એવા જે શ્રીવલ્‍લભાચાર્ય તેના પુત્ર જે શ્રી વિઠ્ઠલનાથજી તે વ્રત અને ઉત્‍સવના નિર્ણયને કરતા હતા. (૮૧)

અને તે વિઠ્ઠલનાથજીએ કર્યો તેને જ અનુસરીને સર્વે વ્રત ને ઉત્‍સવ કરવા અને તે વિઠ્ઠલનાથજીએ કહી જે શ્રીકૃષ્‍ણની સેવા રીતિ તેનું જ ગ્રહણ કરવું (૮૨)

અને સર્વે જે અમારા આશ્રિત તેમણે દ્વારિકા આદિક જે તીર્થ તેમની યાત્રા જેતે પોતાના સામર્થ્ય પ્રમાણે યથાવિધિએ કરીને કરવી અને વળી પોતાના સામર્થ્ય પ્રમાણે દીનજનને દયાવાન થવું (૮૩)

અને અમારા જો આશ્રિત તેમણે વિષ્‍ણુ, શિવ, ગણપતી, પાર્વતિ અને સુર્ય એ પાંચ દેવ પૂજયપણે કરીને માનવા (૮૪)

અને જો કયારેક ભૂતપ્રેતાદિકનો ઉપદ્રવ થાય ત્‍યારે તો નારાયણકવચનો જપ કરવો અથવા હનુમાનજીના મંત્રનો જપ કરવો પણ એ વિના બીજા કોઇ શુદ્ર દેવના સ્‍તોત્ર અને મંત્રનો જાપ જ કરવો (૮પ)

અને સુર્યનું ને ચંદ્રમાનું ગ્રહણ થાય ત્‍યારે અમારા જે સર્વે સત્‍સંગી તેમણે બીજી સર્વે ક્રિયાનો તત્‍કાળ ત્‍યાગ કરીને પવિત્ર થઇને શ્રીકૃષ્‍ણ ભગવાનના મંત્રનો જપ કરવો. (૮૬)

અને તે ગ્રહણ મુકાઇ રહ્યા પછી વસ્‍ત્રસહિત સ્‍નાન કરીને અમારા ગૃહસ્‍થ સત્‍સંગી હોય તેમણે પોતાના સામર્થ્ય પ્રમાણે દાન કરવું અને જે ત્‍યાગી હોય તેમણે ભગવાનની પૂજા કરવી (૮૭)

અને અમારા સત્‍સંગી એવા જે ચારે વર્ણના મનુષ્‍ય તેમણે જન્‍મનું સૂતક તથા મરણનું સૂતક તે પોતપોતાના સંબંધને અનુસારે કરીને યથાશાસ્‍ત્ર પાળવું (૮૮)

અને જે બ્રાહ્મણ વર્ણ હોય તેમણે શમ,દમ,ક્ષમા અને સંતોષ એ આદિક જે ગુણો તેમણે યુકત થવું અને જે ક્ષત્રિય વર્ણ હોય તેમણે શૂરવીરપણું અને ધીરજ એ આદિક જે ગુણ તે યુકત થવું. (૮૯)

અને વૈશ્‍ય વર્ણ હોય તેમણે કૃષિકર્મ તથા વાણિજય-વ્‍યાપાર તથા વ્‍યાજવટો એ આદિક જે વૃતિઓ તેમણે કરીને વર્તવું અને શૂદ્ર વર્ણ હોય તેમણે બ્રાહ્મણાદિક ત્રણ વર્ણની સેવા કરવી એ આદિક વૃતિઓ તેમણે કરીને વર્તવું (૯૦)

અને જે દ્વિજ હોય તેમણે ગર્ભાધા‍નાદિક સંસ્‍કાર તથા આહ્નિક તથા શ્રાદ્ધ એ ત્રણ જે તે પોતાના ગૃહ્યસુત્રને અનુસારે કરીને જેવો જેનો અવસર હોય અને જેવી ધનસંપતિ હોય તે પ્રમાણે કરવા (૯૧)

અને કયારેક જાણે અથવા અજાણે જો નાનું મોટું પાપ થઇ જાય તો પોતાની શકિત પ્રમાણે તે પાપનું પ્રાયશ્ચિત કરવું. (૯૨)

અને ચાર વેદ તથા વ્‍યાસ સૂત્ર તથા શ્રીમદભાગવત નામે પુરાણ તથા મહાભારતને વિષે આવેલું શ્રીવિષ્‍ણુ સહસ્‍ત્રનામ (૯૩)

તથા શ્રીમદભાગવત ગીતા તથા વિદુરજીએ કહેલી જે નીતી તથા સ્‍કંદપુરાણનો જે વિષ્‍ણુખંડ તેને વિષે રહ્યું એવું જે શ્રી વાસુદેવમહાત્‍મ્‍ય (૯૪)

અને ધર્મશાસ્‍ત્રના મધ્‍યમાં રહી એવી જે યાજ્ઞવલ્‍કય ઋષિની સ્‍મૃતિ એ જે આઠ સચ્‍છાસ્‍ત્ર તે અમને ઇષ્‍ટ છે. (૯પ)

અને એ પોતાના હિતને ઇચ્‍છતા એવા જે અમારા સર્વે શિષ્‍ય તેમણે એ આઠ સચ્‍છાસ્‍ત્ર જેતે સાંભળવાં અને અમારા આશ્રિત જે દ્વિજ તેમણે સચ્‍છાસ્‍ત્ર જેતે ભણવાં તથા ભણાવવાં તથા એમની કથા કરવી. (૯૬)

અને તે આઠ સચ્‍છાસ્‍ત્રમાંથી આચાર વ્‍યવહાર અને પ્રાયશ્ચિત એ ત્રણનો જે નિર્ણય કરવો તેને વિષે તો મિતાક્ષરા ટીકાએ યુકત એવી જે યાજ્ઞવલ્‍કય ઋષિની સ્‍મૃતિ, તેનું ગ્રહણ કરવું (૯૭)

આઠ સચ્‍છાસ્‍ત્રને વિષે જે શ્રીમદભાગવતપુરાણ તેના દશમને પંચમ નામે જે બે સ્‍કંધ તે જેતે શ્રીકૃષ્‍ણભગવાનના મહાત્‍મ્‍ય જાપવાને અર્થે સર્વથી અધિકપણે જાણવાં (૯૮)

અને દશમસ્‍કંધ તથા પંચમસ્‍કંધ તથા યાજ્ઞવલ્‍કયની સ્‍મૃતિ એ જે ત્રણ તે અનુક્રમે કરીને અમારું ભકિતશાસ્‍ત્ર, યોગશાસ્‍ત્ર અને ધર્મશાસ્‍ત્ર છે, કહેતાં દશમસ્‍કંધ તે ભકિત શાસ્‍ત્ર છે અને પંચમ સ્‍કંધ તે યોગ શાસ્‍ત્ર છે અને યાજ્ઞવલ્‍કયની સ્‍મૃતિ તે ધર્મશાસ્‍ત્ર છે એમ જાણવું (૯૯)

અને શ્રીરામાનુજાચાર્યે કર્યું એવુ જે વ્‍યાસસૂત્રનું શ્રીભાષ્‍ય તથા શ્રીભગવતગીતાનું ભાષ્‍ય એ જે બે તે અમારું અધ્‍યાત્‍મશાસ્‍ત્ર છે એમ જાણવું (૧૦૦)

અને એ સર્વે સચ્‍છાસ્‍ત્રને વિષે જે વચન તે શ્રીકૃષ્‍ણ ભગવાનનું સ્‍વરૂપ તથા ધર્મ તથા ભકિત તથા વૈરાગ્ય અને ચારના અતિ ઉત્‍કર્ષપણાને કહેતાં હોય (૧૦૧)

તે વચન જેતે બીજા વચનો કરતાં પ્રધાનપણે માનવાં અને શ્રીકૃષ્‍ણભગવાનની ભકિત તે ધર્મે સહિત જ કરવી એવી રીતે તે સર્વે સચ્‍છાસ્‍ત્રનું રહસ્‍ય છે (૧૦૨)

અને શ્રુતિ સ્‍મૃતિ તેમણે પ્રતિપાદન કર્યો એવો જે સદાચાર તે ધર્મ જાણવો, અને શ્રીકૃષ્‍ણભગવાનને વિષે મહાત્‍મ્‍ય જ્ઞાને સહિત જે ઘણો સ્‍નેહ તે ભકિત જાણવી (૧૦૩)

અને શ્રીકૃષ્‍ણભગવાનના વિના અન્‍ય પદાર્થમાં પ્રીતિ નહિ તે વૈરાગ્‍ય જાણવો અને જીવ માયા અને ઇશ્વર તેમના સ્‍વરૂપને જે રૂડી રીતે જાણવું તેને જ્ઞાન કહીએ (૧૦૪)

અને જે જીવ છે તે હ્રદયને વિષે રહ્યો છે ને અણું સરખો સુક્ષ્‍મ છે તે ચૈતન્‍યરુપ છે ને બધુ જાણનારો છે અને પોતાની જ્ઞાનશકિતએ કરીને નખથી શિખા પર્યત સમગ્ર પોતાના દેહ પ્રત્‍યે વ્‍યાપીને રહ્યો છે અને અછેદ્ય, અભેદ્ય, અજર, અમર ઇત્‍યાદીક  છે લક્ષ્‍મણ જેના એવો જીવ છે એમ જાણવો (૧૦પ)

અને જે માયા છે તે ત્રિગુણાત્મિકા છે અને અંધકારરુપ છે ને શ્રીકૃષ્‍ણ ભગવાનની શકિત છે અને આ જીવને દેહ તથા દેહના જે સંબંધી તેમને વિષે અહંતમત્‍વની કરાવનારી છે એમ માયાને જાણવી (૧૦૬)

અને જે ઇશ્વર છે તે જેમ હ્રદયને વિષે જીવ રહ્યો છે તેમ તે જીવને વિષે અંતર્યામીપણે કરીને રહ્યા છે ને સ્‍વતંત્ર છે ને સર્વ જીવને કર્મફળના આપનારા છે એમ ઇશ્વરને જાણવા (૧૦૭)

અને તે ઇશ્વર તે કયા તો પરબ્રહ્મ પુરુષોત્તમ એવા જે શ્રીકૃષ્‍ણ ભગવાન તે ઇશ્વર છે અને તે શ્રીકૃષ્‍ણ જેતે આપણા ઇષ્‍ટદેવ છે ને ઉપાસના કરવા યોગ્‍ય છે અને સર્વ અવતારના કારણ છે (૧૦૮)

અને સમર્થ એવા જે શ્રીકૃષ્‍ણ તે જે રાધિકાજીએ યુકત હોય ત્‍યારે શ્રીરાધાકૃષ્‍ણ એવે નામે જાણવા અને રુકમણીરૂપ જે લક્ષ્‍મી તેમણે યુકત હોય ત્‍યારે શ્રી લક્ષ્‍મીનારાયણ એવે નામે જાણવા (૧૦૯)

અને એ શ્રીકૃષ્‍ણ જેતે અર્જુને યુકત હોય ત્‍યારે શ્રી નરનારાયણ એવે નામે જાણવા અને વળી તે શ્રીકૃષ્‍ણ જેતે બળભદ્રાદિકને યોગ કરીને હોય ત્‍યારે તે તે નામે કહેવાય છે એમ જાણવું (૧૧૦)

અને એ જે રાધાદિક ભકત તે જેતે કયારેક તો તે શ્રીકૃષ્‍ણ ભગવાનને પડખે હોય છે અને કયારેક તો અતિ સ્‍નેહે કરીને શ્રીકૃષ્‍ણભગવાનના અંગને વિષે રહે છે ત્‍યારે તો તે શ્રીકૃષ્‍ણ ભગવાન એકલ જ હોય એમ જાણવા (૧૧૧)

એ હેતુ માટે શ્રીકૃષ્‍ણ ભગવાનનાં જે સ્‍વરુપ તેમને વિષે સર્વે પ્રકારે કરીને ભેદ ન જાણવો અને ચતુર્ભુજપણું અષ્‍ટભુજપણું સહસ્‍ત્રભુજપણું ઇત્‍યાદિક જે ભેદ જણાય છે તે તો દ્વિભુજ એવા જે તે શ્રીકૃષ્‍ણ તેમની ઇચ્‍છાએ કરીને છે એમ જાણવું (૧૧૨)

અને એવા જેતે શ્રીકૃષ્‍ણ ભગવાન તેની જે ભકિત તે જેતે પૃથ્‍વીને વિષે સર્વ મનુષ્‍ય તેમણે કરવી અને તે ભકિત થકી બીજુ કલ્‍યાણકારી સાધન કંઇ નથી એમ જાણવું (૧૧૩)

અને વિધાદિક ગુણવાળા જે પુરુષ તેમના ગુણવાનપણાનું એજ પરમ ફળ જાણવું કર્યું તો જે શ્રીકૃષ્‍ણ ભગવાનને વિષે ભકિત કરવી ને સત્‍સંગી કરવો અને એમ ભકિત ને સત્‍સંગ એ બે વિના તો વિદ્વાન હોય તે પણ અધોગતિને પામે છે. (૧૧૪)

અને શ્રીકૃષ્‍ણભગવાન તથા શ્રીકૃષ્‍ણ ભગવાનનાં જે અવતાર તે જે તે ધ્‍યાન કરવા યોગ્‍ય છે તથા શ્રીકૃષ્‍ણભગવાનની જે પ્રતિમા તે પણ ધ્‍યાન કરવા યોગ્‍ય છે માટે એમનું ધ્‍યાન કરવું અને મનુષ્‍ય તથા દેવાદિક જે જીવ તે તો શ્રીકૃષ્‍ણભગવાનના ભકત હોય અને બ્રહ્મવેત્તા હોય તો પણ ધ્‍યાન કરવા યોગ્‍ય નથી, માટે એમનું ધ્‍યાન ન કરવું (૧૧પ)

અને સ્‍થૂળ, સુક્ષ્‍મ અને કારણ એ જે ત્રણ દેહ તે થકી વિલક્ષણ એવો તે પોતાનો જીવાત્‍મા તેને બ્રહ્મરૂપની ભાવના કરીને પછી તે બ્રહ્મરૂપે કરીને શ્રીકૃષ્‍ણ ભગવાનની ભકિત જેતે સર્વકાળને વિષે કરવી (૧૧૬)

અને શ્રીમદભાગવત પુરાણનો જે દશમ સ્‍કંધ તે જેતે નિત્‍ય પ્રત્‍યે આદર થકી સાંભળવો અથવા વર્ષોવર્ષ એકવાર સાંભળવો અને જે પંડિત હોય તેમણે નિત્‍યપ્રત્‍યે વાંચવો અથવા વર્ષોવર્ષ એક વાર વાંચવો (૧૧૭)

અને એ જે દશમસ્‍કંધ તેનું પુરશ્ચરણ જેતે પુણ્ય સ્‍થાનકને વિષે પોતાના સામર્થ્ય પ્રમાણે કરવું, કરાવવું અને વળી વિષ્‍ણુસહસ્‍ત્રનામ આદિક જે સચ્‍છાસ્‍ત્ર તેનું પુરશ્ચરણ પણ પોતાના સામર્થ્ય પ્રમાણે કરવું, કરાવવું તે પુરશ્ચરણ કેવું છે તો પોતાના માવાંછિત ફળને આપે એવું છે. (૧૧૮)

અને કષ્‍ટની દેનારી એવી કોઇ દેવ સંબંધી આપદા આવી પડે તથા રોગાદિક આપદા આવી પડે તેને વિષે જેમ પોતાની ને બીજાની રક્ષા થાય તેમ વર્તવું, ,પણ બીજી રીતે ન વર્તવું (૧૧૯)

અને આચાર, વ્‍યવહાર અને પ્રયશ્ર્ચિત એ જે ત્રણ વાનાં તે જેતે દેશ, કાળ, અવસ્‍થા, દ્રવ્‍ય, જાતિ અને સામર્થ્ય એટલાને અનુસારે કરીને જાણવાં (૧૨૦)

અને અમારો જે મત તે વિશિષ્‍ટાદ્વૈત છે એમ જાણવું અને અમને પ્રિય એવું જે ધામ તે ગોલોક છે એમ જાણવું અને તે ધામને વિષે બ્રહ્મરૂપે કરીને જે શ્રીકૃષ્‍ણ ભગવાનની સેવા કરવી તે અમે મુકિત માની છે એમ જાણવું (૧૨૧)

અને આ જે પૂર્વે ધર્મ કહ્યા તે જેતે અમારા આશ્રિત જે ત્‍યાગી ગૃહસ્‍થ બાઇ ભાઇ સર્વે સત્‍સંગી તેમના સામાન્‍ય ધર્મ કહ્યા છે કહેતા સર્વ સત્‍સંગીમાત્રને સરખા પાળવાના છે અને હવે એ સર્વેના જે વિશેષ ધર્મ છે તેમને પૃથક પૃથકપણે કરીને કહીએ છીએ (૧૨૨)

હવે પ્રથમ ધર્મવંશી જે આચાર્ય અને તેમની પત્‍નીઓ તેમના જે વિશેષ ધર્મ તે કહીયે છીએ અમારા મોટા ભાઇ અને નાનાભાઇ તેના પુત્ર જે અયોધ્‍યાપ્રસાદ અને રઘુવીર તેમણે પોતાના સમીપ સંબંધ વિનાની જે બીજી સ્‍ત્રીઓ તેમને મંત્ર ઉપદેશ કયારેય ન કરવો. (૧૨૩)

અને તે સ્‍ત્રીઓને કયારેય પણ અડવું નહિ અને તે સાથે બોલવું નહિ અને કોઇ જીવને વિષે ક્રુરપણું ન કરવું અને કોઇની થાપણ ન રાખવી (૧૨૪)

અને વ્‍યવહારકાર્યને વિષે કોઇનું પણ જમાનગરું ન કરવું ને કોઇ આપત્‍કાળ આવી પડે તો ભિક્ષા માગીને પોતાનો નિર્વાહ કરીને તે આપત્‍કાળને ઉલ્‍લંઘવો પણ કોઇનું કરજ તો કયારેય ન કરવું (૧૨પ)

અને પોતાના જે શિષ્‍ય તેમણે ધર્મ નિમિત્તે પોતાને આપ્‍યું જે અન્‍ન તે વેચવું નહિ અને તે અન્‍ન જૂનું થાય તો તે જૂનું કોઇકને દઇને નવું લેવું અને એવી રીતે જે જૂનાંનું નવું કરવું તે વેચ્‍યુ ન કહેવાય (૧૨૬)

અને ભાદરવા સુદી ચતુર્થીને દિવસે ગણપતિની પૂજા કરવી તથા આસો વદી ચતુર્દશીને દિવસે હનુમાનની પૂજા કરવી. (૧ર૭)

અને અમારે આશ્રિત જે સર્વે સત્‍સંગી તેમના ધર્મની રક્ષા કરવાને અર્થે એ સર્વેના ગુરુપણાને વિષે અમે સ્‍થાપન કર્યા એવા જે તે અયોધ્‍યાપ્રસાદ અને રઘુવીર તેમણે મુમુક્ષજનને દીક્ષા આપવી (૧ર૮)

અને પોતાના આશ્રિત જે સર્વે સત્‍સંગી તેમને અધિકાર પ્રમાણે પોતપોતાના ધર્મને વિશે રાખવા અને સાધુને આદર થકી માનવા તથા સચ્‍છાસ્‍ત્રનો અભ્‍યાસ આદર થકી કરવો. (૧૨૯)

અને મોટા જે મંદિર તેમને વિશે અમે સ્‍થાપન કર્યા એવા જે શ્રીલક્ષ્‍મીનારાયણ આદિક શ્રીકૃષ્‍ણના સ્‍વરુપ તેમની જે સેવા તે યથાવિધિએ કરીને કરવી (૧૩૦)

અને ભગવાનના મંદિર પ્રત્‍યે આવ્‍યો જે હરકોઇ અન્‍નાર્થી મનુષ્‍ય તેની પોતાના સામર્થ્ય પ્રમાણે અન્‍નના દાને કરીને આદર થકી સંભાવના કરવી (૧૩૧)

અને વિદ્યાર્થી ભણાવ્‍યાની શાળા કરાવીને પછી તેમા એક વિદ્વાન બ્રાહ્મણને રાખીને પૃથ્‍વીને વિષે સદવિદ્યાની પ્રવૃતિ કરાવવી, કેમ જે વિદ્યાદાને કરીને મોટું પુણ્ય થાય છે. (૧૩૨)

અને હવે એ અયોધ્‍યાપ્રસાદ અને રઘુવીર એ બન્‍નેની જે પત્‍નીઓ તેમણે પોતપોતાના પતિની આજ્ઞાએ કરીને સ્‍ત્રીઓને જ શ્રીકૃષ્‍ણનાં મંત્રનો ઉપદેશ કરવો પણ પુરુષોને ન કરવો (૧૩૩)


અને વળી તે બે જણની પત્નિઓ તેમણે પોતાના સમીપ સંબંધ વિનાના જે પુરુષ તેમનો સ્‍પર્શ કયારેય ન કરવો અને તેમની સાથે બોલવું નહિ. ને તેમને પોતાનુ મુખ પણ ન દેખાડવું. એવી રીતે ધર્મવંશી આચાર્ય અને તેમની પત્‍નીઓ તેમના જે વિશેષ ધર્મ તે કહ્યા (૧૩૪)

હવે ગૃહસ્‍થાશ્રમીના જે વિશેષ ધર્મ તે કહીએ છીએ. અમારે આશ્રીત જે ગૃહસ્‍થાશ્રમી પુરુષ તેમણે પોતાના સમીપ સંબંધ વિનાની જે વિધવા સ્‍ત્રીઓ તેમનો સ્‍પર્શ ન કરવો. (૧૩પ)

અને તે ગૃહસ્‍થાશ્રમી પુરુષ તેમણે યુવા અવસ્‍થાને યુકત એવી જે પોતાની મા, બહેન અને દિકરી તે સંગાથે પણ આપાત્‍કાળ વિના એકાંત સ્‍થળને વિષે ન કહેવું અને પોતાની સ્‍ત્રીનું દાન કોઇને ન કરવું (૧૩૬)

અને જે સ્‍ત્રીને કોઇ પ્રકારના વ્‍યવહારે કરીને રાજાનો પ્રસંગ હોય તેવી સ્‍ત્રીનો જે પ્રસંગ તે કોઇ પ્રકારે પણ ન કરવો. (૧૩૭)

અને તે ગૃહસ્‍થાશ્રમી તેમણે પોતાને ઘેર આવ્‍યો એવો જે અતિથિ તેને પોતાના સામર્થ્ય પ્રમાણે અન્‍નાદિકે કરીને પુજવો અને વળી હોમાદિક જે દેવકર્મ અને શ્રાદ્વાદિક જે પિતૃકર્મ તે જેતે પોતાના સામર્થ્ય પ્રમાણે યથાવિધિ જેમ ઘટે તેમ કરવું (૧૩૮)

અને અમારા આશ્રિત જે ગૃહસ્‍થ તેમપે માતા-પિતા અને ગુરુ તથા રોગાતુર એવા જે કોઇ મનુષ્‍ય તેમની જે સેવા તે જીવનપર્યત પોતાના સામર્થ્ય પ્રમાણે કરવી. (૧૩૯)

અને વળી પોતાના વર્ણાશ્રમને ઘટિત એવો જે ઉદ્યમ તે પોતાના સામર્થ્ય પ્રમાણે કરવો અને કૃષિવૃતિવાળા જે ગૃહસ્‍થ સત્‍સંગી તેમણે બળદિયાના વૃષણનો ઉચ્‍છેદ ન કરવો (૧૪૦)

અને તે ગૃહસ્‍થ સત્‍સંગી તેમણે પોતાના સામર્થ્ય પ્રમાણે સમયને અનુસરીને જેટલો પોતાના ઘરમાં વરો હોય તેટલા અન્‍ન દ્રવ્‍યનો સંગ્રહ જે તે કરવો અને જેના ઘરમાં પશુ હોય એવા જે ગૃહસ્‍થ તેમણે પોતાના સામર્થ્ય પ્રમાણે ચાર પૂળાનો સંગ્રહ કરવો (૧૪૧)

અને ગાય, બળદ, ભેંસ, ઘોડા, આદિક જે પશુ તેમની તૃણ જળાદિકે કરીને પોતાવતે જો સંભાવના થાય તો તે પશુને રાખવા અને જો સંભાવના ન થાય તો ન રાખવા (૧૪૨)

અને સાક્ષીએ સહિત લખત કર્યા વિના તો પોતાના પુત્ર અને મિત્રાદિક સાથે પણ પૃથ્‍વી ને ધનના લેણદેણ કરીને વ્‍યવહાર જેતે કયારેય ન કરવો. (૧૪૩)

અને પોતાનું અથવા બીજાનું જે વિવાહ સંબંધી કાર્ય તેને વિષે આપવા યોગ્‍ય જે ધન તેનું સાક્ષીએ સહિત લખત કર્યા વિના કેવળ બોલી જ ન કરવી (૧૪૪)

અને પોતાની ઉપજનું જે દ્રવ્‍ય તેને અનુસારે નિરંતર ખરચ કરવો પણ તે ઉપરાંત ન કરવો અને જે ઉપજ કરતા વધારે ખરચ કરે છે તેને મોટું દુઃખ થાય છે એમ સર્વે ગૃહસ્‍થોએ મનમાં જાણવું (૧૪પ)

અને પોતાના વ્‍યવહાર કાર્યને વિષે જેટલા ધનની ઉપજ હોય તથા જેટલો ખરચ હોય તે બેયને સંભારીને નિત્‍યપ્રત્‍યે રૂડાં અક્ષરે કરીને પોતે તુનં નામુ લખવું (૧૪૬)

અને તે ગૃહસ્‍થાશ્રમી સત્‍સંગી તેમણે પોતાની જે વૃતિ અને ઉદ્યમ તે થકી પામ્‍યુ જે ધન ધાન્‍યાદિક તે થકી દશમો ભાગ કાઢીને શ્રીકૃષ્‍ણભગવાનને અર્પણ કરવો. અને જે વ્‍યવહારે દુર્બળ હોય તેમણે વીસમો ભાગ અર્પણ કરવો. (૧૪૭)

અને એકાદશી આદિક જે વ્રત તેમનું જે ઉદ્યાપન તે જેતે પોતાના સામર્થ્ય પ્રમાણે યથાશાસ્‍ત્ર કરવું તે ઉદ્યાપન કેવું છે તો મનવાંછિત ફળનું આપનારું છે (૧૪૮)

અને શ્રાવણ માસને વિષે મહાદેવનું પુજન જેતે બિલ્‍વપત્રાદિકે કરીને પ્રીતિપૂર્વક સર્વ પ્રકારે પોતે કરવું અથવા બીજા પાસે કરાવવું (૧૪૯)

અને પોતાના જે આચાર્ય તે થકી તથા શ્રીકૃષ્‍ણ ભગવાનનાં જે મંદિર તે થકી ફરજ ન કાઢવું અને વળી તે પોતાના આચાર્ય થકી અને શ્રીકૃષ્‍ણનાં મંદિર થકી પોતાના વ્‍યવહારને અર્થે પાત્ર ઘરેણા અને વસ્‍ત્રાદિક જે વસ્‍તુ તે માગી લાવવા નહિ. (૧પ૦)

અને શ્રીકૃષ્‍ણભગવાન તથા પોતાના ગુરુ તથા સાધુ એમના દર્શન કરવાને અર્થે ગયે સતે માર્ગને વિશે પારકું અન્‍ન ખાવું નહી. તથા શ્રીકૃષ્‍ણભગવાન તથા પોતાના ગુરુ તથા સાધુ તેમનાં જે સ્‍થાનક તેમને વિષે પણ પારકું અન્‍ન ખાવું નહી, કેમ કે જે પારકું અન્‍ન તો પોતાના પુણ્યને હરી લે એવું છે માટે પોતાની ગાંઠનું ખરચ ખાવું (૧પ૧)

અને પોતાના કામકાજ કરવા તેડયા જે મજુર તેમને જેટલુ ધન અથવા ધાન્‍ય દીધાનું કહ્યું હોય તે પ્રમાણે જ આપવું પણ તેમાંથી ઓછું ન આપવું અને પોતાપાસે કોઇ ફરજ માગતો હોય અને તે ફરજ દઇ ચુકયો હોઇએ તે વાતને છાની ન રાખવી તથા પોતાના વંશ તથા કન્‍યાદાન તે પણ છાનું ન રાખવું અને દુષ્‍ટ એવા જે જન તેમની સાથે વ્‍યવહાર ન કરવો. (૧પ૨)

અને જે ઠેકાણે પોતે રહેતા હોઇએ તે ઠેકાણે કોઇક કઠણ ભુંડો કાળ અથવા શત્રુ અથવા રાજા તેમના ઉપદ્રવે કરીને સર્વ પ્રકારે પોતાની લાજ જતી હોય કે ધનનો નાશ થતો હોય કે પોતાના પ્રાણનો નાશ થતો હોય (૧પ૩)

અને તે જો પોતાનું મૂળ ગરાસનું તથા વતનનું ગામ હોય તોપણ તેનો વિવેકી એવા જે અમારા સત્‍સંગી ગૃહસ્‍થ તેમણે તત્‍કાળ ત્‍યાગ કરી દેવો અને જયાં ઉપદ્રવ ન હોય તેવો જે બીજો દેશ તે પ્રત્‍યે જઇને સુખેથી રહેવું (૧પ૪)

અને ધનાઢય એવા જે ગૃહસ્‍થ સતસંગી તેમણે હિંસાએ રહિત એવા જે વિષ્‍ણુસંબંધી યજ્ઞ તે કરવા તથા તીર્થને વિષે તથા દ્વાદશી આદિક પર્વને વિષે બ્રાહ્મણ તથા સાધુને જમાઠવા (૧પપ)

તે ધનાઢય એવા જે ગૃહસ્‍થ સત્‍સંગી તેમણે ભગવાનના મંદિરને વિષે મોટા ઉત્‍સવ કરાવવા તથા સુપાત્ર એવા જે બ્રાહ્મણ તેમને નાના પ્રકારના દાન દેવા (૧પ૬)

અને અમારે આશ્રિત એવા જે સત્‍સંગી રાજા તેમણે ધર્મશાસ્‍ત્રને અનુસરીને પોતાના પુત્રની પેઠે પોતાની પ્રજાનું પાલન કરવું અને પૃથ્‍વીને વિષે ધર્મનું સ્‍થાપન કરવું. (૧પ૭)

અને તે રાજા તેમણે રાજયના જે સાત અંગ તથા ચાર ઉપાય તથા ઉપાય છ ગુણો તે જેતે લક્ષણે કરીને અથાર્થપણે જાણવાં અને તીર્થ જે મોકલ્‍યાનાં સ્‍થાનક તથા વ્‍યવહારના જાણનારા જે સભાસદ તથા દંડવા યોગ્‍ય જે માણસ તથા દંડવા યોગ્‍ય નહિ એવા જે માણસ એ સર્વને લક્ષણે કરીને યથાર્થપણે જાણવા (૧પ૮)

હવે સુવાસિની બાઇઓના વિશેષ ધર્મ કહીને છીએ અમારે આશ્રિત જે સુવાસિની બાઇઓ તેમણે પોતાનો પતિ અંધ હોય, રોગી હોય, દરિદ્ર હોય, નપુંસક હો તો પણ ઇશ્વરની પેઠે સેવવો અને તે પતિ પ્રત્‍યે કટુ વચન ન બોલવું (૧પ૯)

અને તે સુવાસિની સ્‍ત્રીઓ તેમણે રૂપને યૌવન તેણે યુકત ગુણવાન એવો જે અન્‍ય પુરુષ તેનો પ્રસંગ સહજ સ્‍વભાવે પણ ન કરવો (૧૬૦)

અને પતિવ્રતા એવી જે સુવાસિની સ્‍ત્રીઓ તેમણે પોતાની નાભી, સાથળ અને છાતી તેને બીજો પુરુષ દેખે એમ ન વર્તવું અને ઓઢયાના વસ્‍ત્ર વિના ઉઘાડે શરીરે ન રહેવું અને ભાંડ-ભવાઇ જોવા ન જેવું અને નિર્લજજ એવી જે સ્ત્રીઓ તથા સ્‍વૈરિણી, કામિની અને પુંશ્ર્વલી એવી જે સ્‍ત્રીઓ તેમનો સંગ ન કરવો. (૧૬૧)

અને તે સુવાસિની સ્‍ત્રીઓ તેમણે પોતાના પતિ પરદેશ ગયે સતે આભુષણ ન ધારવાં તથા રુડાં વસ્‍ત્ર ન પહેરવા તથા પારકે ઘેર બેસવા ન જાવું અને હાસ્‍ય વિનોદાદિકનો ત્‍યાગ કરવો. (૧૬૨)

હવે વિધવા સ્‍ત્રીઓના વિશેષ ધર્મ કહીએ છીએ અમારે આશ્રિત જે વિધવા સ્‍ત્રીઓ તેમણે તો પતિ બુદ્ધિએ કરીને શ્રીકૃષ્‍ણભગવાનને સેવવા અને પોતાના પિતા પુત્રાદિક જે સંબંધી તેમની આજ્ઞાને વિષે વર્તવુ પણ સ્‍વતંત્રપણે ન વર્તવું (૧૬૩)

અને તે વિધવા સ્‍ત્રીઓ તેમણે પોતાના સમીપ સંબંધ વિનાના જે પુરુષ તેમનો સ્‍પર્શ કયારેય ન કરવો અને પોતાની યુવાવસ્‍થાને વિષે અવશ્‍ય કાર્ય વિના સમીપ સંબંધ વિનાના જે યુવા પુરુષ તેમની સાથે કયારેય પણ બોલવું નહિ. (૧૬૪)

અને ધાવણો જે બાળક તેના સ્‍પર્શને વિષે તો જેમ પશુને અડી જવાય અને દોષ નથી તેમ દોષ નથી અને કોઇ અવશ્‍યનું કામકાજ પડે તેને વિષે કોઇક વૃદ્ધ પુરુષને અડી જવાય તથા તે વૃદ્ધ સાથે બોલાય તેને વિષે દોષ નથી. (૧૬પ)

અને તે વિધવા સ્‍ત્રીઓ તેમણે પોતાના સમીપ સંબંધ વિનાના જે પુરુષ તે થકી કોઇપણ વિદ્યા ન ભણવી અને વ્રત ઉપવાસે કરીને વારંવાર પોતાના દેહનું દમન કરવું (૧૬૬)

અને તે વિધવા સ્‍ત્રીઓ તેમણે પોતાના ઘરમાં પોતાના જીવનપર્યત દેહનિર્વાહ થાય એટલું જ જો ધન હોય તો તે ધન જે તે કર્મકાર્યને વિષે પણ ન આપવું અને જો તેથી અધિક હોય તો આપવું (૧૬૭)

અને વિધવા સ્‍ત્રીઓ તેમણે એકવાર આહાર કરવો અને પૃથ્‍વીને વિષે સૂવું અને મૈથુનાસકત એવા પશુ પક્ષી આદિક જીવ પ્રણીમાત્ર તેમને જોવા નહિ. (૧૬૮)

અને તે વિધવા સ્‍ત્રીઓ તેમણે સુવાસિની સ્‍ત્રીના જેવો વેષ ન ધારવો તથા સન્‍યાસણી તથા વૈરાગણી તેના જેવો વેષ ન ધારવો અને પોતાના દેશ કુળ અને આચર તેને વિરુદ્ધ એવો જે વેષ તે પણ કયારેય ન ધારવો (૧૬૯)

અને ગર્ભની પાડનારી જે સ્‍ત્રી તેનો સંગ ન કરવો અને તેનો સ્‍પર્શ પણ ન કરવો અને પુરુષના શૃંગારરસ સંબંધી જે વાતો તે કયારેય ન કરવી અને ન સાંભળવી (૧૭૦)

અને યુવા અવસ્‍થાને વિષે રહી એવી જે વિધવા સ્‍ત્રીઓ તેમણે યુવા અવસ્‍થાવાળા જે પોતાના સંબંધી પુરુષ તેમની સંગાથે પણ એકાંત સ્‍થળને વિષે આપત્‍કાળ પડયા વિના ન રહેવું (૧૭૧)

અને હોળીની રમત ન કરવી ને આભૂષણાદિકનું ધારણ ન કરવું અને સુવર્ણાદિક ધાતુના તારે યુકત એવા ઝીણા વસ્‍ત્ર તેનું ધારણ પણ કયારેય ન કરવું. (૧૭૨)

અને સુવાસિની અને વિધવા એવી જે સ્‍ત્રીઓ તેમણે વસ્‍ત્ર પહેર્યા વિના નાહવું નહિ અને પોતાનું જ રજસ્‍વળાપણું તે કોઇ પ્રકારે ગુપ્ત ન રાખવું (૧૭૩)

અને વળી રજસ્‍વળા એવી જે સુવાસીની અને વિધવા  સ્ત્રીઓ તે ત્રણ દિવસ સુધી કોઇ મનુષ્‍યને તથા વસ્‍ત્રાદિકને અડે નહિ અને ચોથે દિવસે નાહીને અડવું (એવી રીતે ગૃહસ્‍થાશ્રમી એવા જે પુરુષ અને સ્‍ત્રીઓ તેમના જ આ વિશેષ ધર્મ કહ્યા તે સર્વ ધર્મવંશી આચાર્ય અને તેમની પત્‍નીઓ તેમણે પણ પાળવા, કેમ કે એ ગૃહસ્‍થ છે.) (૧૭૪)

હવે નૈષ્ઠિક બ્રહ્મચારીના જે વિષેશ ધર્મ તે કહીએ છીએ અમારે આશ્રિત એવા જે નૈષ્ઠિક બ્રહ્મચારી તેમણે સ્‍ત્રીમાત્રનો સ્‍પર્ષ ન કરવો અને સ્‍ત્રીઓ સંગાથે બોલવું નહિ અને જાણીને તે સ્‍ત્રીઓ સન્‍મુખ જોવું જ નહિ. (૧૭પ)

અને તે સ્‍ત્રીઓની વાર્તા કયારેય ન કરવી અને સાંભળવી અને જે સ્‍થાનકને વિષે સ્‍ત્રીઓનો પગફેર હોય તે સ્‍થાનકને વિષે સ્‍નાનાદિક ક્રિયા કરવા ન જવું. (૧૭૬)

અને દેવતાની પ્રતિમાં વિના બીજી જે સ્‍ત્રીની પ્રતિમાં ચરિત્રની અથવા કાષ્‍ઠદિકની હોય તેનો સ્‍પર્ષ ન કરવો અને જાણીને તો તે પ્રતિમાને જોવી પણ નહી. (૧૭૭)

અને તે નૈષ્ઠિક બ્રહ્મચારી તેમણે સ્‍ત્રીની પ્રતિમા ન કરવી અને સ્‍ત્રીએ પોતાના શરીર ઉપર ધારેલું જે વસ્‍ત્ર તેને અડવું નહિ અને મૈથુનસકત એવા ને પશુપક્ષાદિક પ્રાણી માત્ર તેમને જાણીને જોવા નહિ (૧૭૮)

અને સ્‍ત્રીના વેષને ધરી રહ્યો એવો જે પુરુષ તેને અડવું નહિ અને તેની સામે જોવું નહિ અને તે સાથે બોલવું નહિ અને સ્‍ત્રીનો ઉદેશ કરીને ભગવાનની  કથાવાર્તા કીર્તન પણ ન કરવાં (૧૭૯)

અને તે નૈષ્ઠિક બ્રહ્મચારી તેમણે પોતાના બ્રહ્મચર્યવ્રતનો ત્યાગ થાય એવું જે વચન તે તો પોતાના ગુરુનું પણ ન માનવું ને સદાકાળ ધીરજવાન રહેવું અને સંતોષે યુકત રહેવું ને માને રહિત રહેવું (૧૮૦)

અને બળાત્‍કારે કરીને પોતાને અતિશય સમીપ આવતી એવી જે સ્‍ત્રી તેને બોલીને અથવા તિરસ્‍કાર કરીને પણ તુરંત વારવી પણ સમીપે આવવા દેવી નહિ. (૧૮૧)

અને જો કયારેક સ્‍ત્રીઓનો અથવા પોતાનો પ્રાણનાશ થાય એવો આપાત્‍કાળ આવી પડે ત્‍યારે તો તે સ્‍ત્રીઓને અડીને અથવા તે સાથે બોલીને પણ તે સ્‍ત્રીઓની રક્ષા કરવી અને પોતાની પણ રક્ષા કરવી. (૧૮૨)

અને તે નૈષ્ઠિક બ્રહ્મચારી તેમણે પોતાને શરીરે તૈલમર્દન ન કરવું ને આયુધ ન ધારવું ને ભયંકર એવો જે વેષ તે ન ધારવો અને રસના ઇંદ્રિયને જીતવી (૧૮૩)

અને જે બ્રાહ્મણના ઘરને વિષે સ્‍ત્રી પીરસનારી હોય તેને ઘેર ભિક્ષા કરવા જવું નહિ ને જયાં પુરુષ પીરસનારો હોય ત્‍યા જવું (૧૮૪)

અને તે નૈષ્ઠિક બ્રહ્મચારી તેમણે વેદશાસ્‍ત્રનો અભ્‍યાસ કરવો ને ગુરુની સેવા કરવી ને સ્‍ત્રીઓની પેઠે સ્‍ત્રૈણ પુરુષનો સંગ જે તે સર્વકાળે તજવો (૧૮પ)

અને જાતિએ કરીને જે બ્રાહ્મણ હોય તે કોઇએ પણ ચર્મવારી ન પીવું જે ડુંગળી ને લસણ આદિક અભક્ષ્‍ય વસ્‍તુ બ્રાહ્મણ જાતિ હોય તેણે કોઇ પ્રકારે ન ખાવી (૧૮૬)

અને જે બ્રાહ્મણ હોય તેણે સ્‍નાન, સંધ્‍યા, ગાયત્રીનો જપ, શ્રી વિષ્‍ણુની પુજા અને વૈશ્વદેવ એટલા વાનાં કર્યા વિના ભોજન કરવું જ નહિ. (એવી રીતે નૈષ્ઠિક બ્રહ્મચારીના વિશેષ ધર્મ કહ્યાં) (૧૮૭)

હવે સાધુના જે વિષેશ ધર્મ તે કહીએ છીએ-


અમારે આશ્રિત જે સર્વ સાધુ તેમણે નૈષ્ઠિક બ્રહ્મચારીની પેઠે સ્‍ત્રીઓના દર્શન ભાષણાદિક પ્રસંગનો ત્‍યાગ કરવો તથા સ્‍ત્રૈણ પુરુષના પ્રસંગાદિકનો ત્‍યાગ કરવો અને અંતઃશત્રુ જે કામ ક્રોધ લોભ અને માન આદિક તેમને જીતવા. (૧૮૮)

અને સર્વે જે ઇંદ્રિયો તે જીતવી ને રસના ઇંદ્રિયને તો વિશેષ કરીને જીતવી અને દ્રવ્‍યનો સંગ્રહ પોતે કરવો નહિ ને કોઇ બીજા પાસે પણ કરાવવો નહિ. (૧૮૯)

અને કોઇની થાપણ ન રાખવી અને કયારેય પણ ધીરજતાનો ત્‍યાગ ન કરવો અને પોતાના ઉતારાની જગ્‍યા બંધિની હોય તો તેને વિષે કયારેય પણ સ્‍ત્રીનો પ્રવેશ થવા દેવો નહિ. (૧૯૦)

અને તે સાધુ તેમણે આપત્‍કાળ પડયા વિના રાત્રિને વિષે સંગસોબત વિના ચાલવું નહિ તથા આપત્‍કાળ પડયા વિના કયારેય પણ એકલા ચાલવું નહિ. (૧૯૧)

અને જે વસ્‍ત્ર બહુ મૂલ્‍યવાળુ હોય તથા ચિત્રવિચીત્ર ભાત્‍યનું હોય તથા કસુંબાદિક જે રંગ તેપે કરીને રંગેલું હોય તથા શાલ દુશાલા હોય ને તે જો બીજાની ઇચ્‍છાએ કરીને પોતાને પ્રાપ્ત થયું હોય તોપણ તે વસ્‍ત્ર પોતાને પહેરવું ઓઢવું નહિ. (૧૯૨)

અને ભિક્ષા તથા સભા પ્રસંગે એ બે કાર્ય વિના ગૃહસ્‍થના ઘર પ્રત્‍યે જવું નહિ અને ભગવાનની જે નવ પ્રકારની ભકિત તે વિના વ્‍યર્થ કાળ નિર્ગમવો (૧૯૩)

અને જે ગૃહસ્‍થના ઘરને વિષે રાંધેલ અન્‍નનો પીરનારો પુરુષ જ હોય તથા સ્‍ત્રીઓનો દર્શનાદિક પ્રસંગ કોઇ રીતે થાય એમ ન હોય (૧૯૪)

તેવી રીતનું જે ગૃહસ્‍થનુંઘર તે પ્રત્‍યે અમારા સાધુ તેમણે જમવા જવું અને એ કહ્યું તેવું ન હોય તો કાચુ અન્‍ન માંગીને પોતાના હાથે રસોઇ કરવી ને ભગવાનને નૈવેધ ધરીને જમવું. (૧૯પ)

અને પૂર્વે ઋષભદેવ ભગવાનના પુત્ર જે ભરતજી તે જેતે પૃથ્‍વીને વિષે જડ બ્રાહ્મણ થકા જેમ વર્તતા હતા તેમજ પરમહંસ એવા જે અમારા સાધુ તેમણે વર્તવું (૧૯૬)

અને નૈષ્ઠિક બ્રહ્મચારીને એ સાધુ તેમણે તાંબુલ તથા અફીણ તથા તમાકુ ઇત્‍યાદિકનું જે ભક્ષણ તે જતને કરીને વર્જવું (૧૯૭)

અને તે નૈષ્ઠિક બ્રહ્મચારી ને સાધુ તેમણે ગર્ભાધાન આદિક જે સંસ્‍કાર તેમજે વિષે જમવું નહિ તથા એકાદશાહ પર્યત જે પ્રતશ્રાદ્ધ તેમને વિષે જમવું નહિ તથા દ્વાદશાહ શ્રાદ્ધને વિષે જમવું નહિ. (૧૯૮)

અને રોગાદિક આપત્‍કાળ પડયા વિના દિવસે સૂવું નહિ અને ગ્રામ્‍યવાર્તા કરવી નહિ ને જાણીને સાંભળવી નહિ (૧૯૯)

અને તે નૈષ્ઠિક બ્રહ્મચારી ને સાધુ તેમણે રોગાદિક આપત્‍કાળ પડયા વિના ખાટલા ઉપર સુવું નહિ અને સાધુની આગળ તો નિરંતર નિષ્‍કપટપણે વર્તવું (ર૦૦)

અને તે સાધુ ને બ્રહ્મચારી તેમણે કોઇક કુમતિવાળા દુષ્‍ટજન હોય ને તે પોતાને ગાળ દે અથવા મારે તો તે સહન જ કરવું પણ તેને સામી ગાળ ન દેવી ને મારવો નહી અને તેનું જેમ હિત થાય તેમજ મનમાં ચિંતવન કરવું પણ તેનું ભુંડું થાય એવો તો સંકલ્‍પ પણ ન કરવો (૨૦૧)

અને કોઇનું દૂતપણું ન કરવું તથા ચાડિયાપણું ન કરવું તથા કોઇના ચારચક્ષુ ન થવું અને દેહને વિષે અહંબુદ્ધિ ન કરવી ને સ્‍વજનાદિક વિષે મમતા ન કરવી (એવી રીતે સાધુના વિશેષ ધર્મ કહ્યા) (૨૦૨)

અને અમારે આશ્રિત એવા જે સત્‍સંગી બાઇભાઇ સર્વે તેમના જે સામાન્‍ય ધર્મ અને વિશેષ ધર્મ તે જેતે સંક્ષપે કરીને આવી રીતે અમે લખ્‍યા છે અને આ ધર્મનો જે વિસ્‍તાર તે તો અમારા સંપ્રદાયના જે ગ્રંથ તે થકી જાણવો (ર૦૩)

અને સર્વે જે સચ્‍છાસ્‍ત્ર તેનો જે સાર તેને અમે અમારી બુદ્ધિએ કરીને ઉદ્ધરીને આ શિક્ષાપત્ર જેતે લખી છે, કેવી છે તો સર્વે મનુષ્‍યમાત્રને મનવાંછિત ફળની દેનારી છે. (ર૦૪)

એ હેતુ માટે અમારા આશ્રિત જે સત્‍સંગી તેમણે સાવધાન પણે કરીને નિત્‍યપ્રત્‍યે આ શિક્ષાપત્રીને અનુસરીને જ વર્તવું પણ પોતાના મનને જાણે તો કયારેય ન વર્તવું (ર૦પ)

અને જે અમારા આશ્રિત પુરુષ ને સ્‍ત્રીઓ તે જેતે આ શિક્ષાપત્રી પ્રમાણે વર્તશે તો તે ધર્મ, અર્થ, કામ ને મોક્ષ એ ચાર પુરુષાર્થની સિદ્ધિને નિશ્ર્ચેય પામશે. (ર૦૬)

અને જે બાઇ ભાઇ આ શિક્ષાપત્રી પ્રમાણે નહિ વર્તે તે તો અમારા સંપ્રદાયથકી બાહર છે એમ અમારા સપ્રદાયવાળા સ્‍ત્રી પુરુષ તેમણે જાણુવું (ર૦૭)

અને અમારા જે આશ્રિત સંતસંગી તેમણે આ શિક્ષાપત્રીનો નિત્‍યપ્રત્‍યે પાઠ કરવો અને જેને ભણતા આવડતુ ન હોય તેમણે તો આદરથકી આ શિક્ષાપત્રીનું શ્રવણ કરવું (ર૦૮)

અને આ શિક્ષાપત્રીને વાંચી સંભળાવે એવો કોઇ ન હોય ત્‍યારે તો નિત્‍ય પ્રત્‍યે આ શિક્ષાપત્રીની પૂજા કરવી અને આ જે અમારી વાણી તે અમારું સ્‍વરૂપ છે એ રીતે પરમ આદર થકી માનવી (ર૦૯)

અને આ જે અમારી શિક્ષાપત્રી જે તે આપવી અને જે જન આસુરી સંપ્રદાએ કરીને યુકત હોય તેને તો કયારેય ન આપવી (ર૧૦)

સંવત ૧૮૮૨ અઢારસો બ્‍યાસીના મહાસુદી પંચમીને દિવસે આ શિક્ષાપત્રી અમે લખી છે તે પરમ કલ્‍યાણકારી છે (૨૧૧)

અને પોતાના આશ્રિત જે ભકતજન તેમની જે સમગ્ર પીડા તેના નાશ કરનારા એવા અને ધર્મ સહિત જે ભકિત તેની રક્ષાના કરનારા એવા ને પોતાના ભકતજનને મનવાંછિત સુખના આપનારા એવા જે શ્રીકૃષ્‍ણ ભગવાન તે જેતે અમારા સમગ્ર મંગળને વિસ્‍તારો (૨૧૨)


                             || ઈતિ શ્રી નિત્યાનંદ સ્વામી રચિત શિક્ષાપત્રી ટીકા સમાપ્ત ॥



ભૂજ સ્વામીનારાયણ મંદિરના પુનઃર્નિમાણ વખતે શિક્ષાપત્રીનું અંગ્રજી, ગુજરાતી અને હિન્દી ભાષામાં પ્રકાશન કરવામાં આવ્યું છે. તે અત્રે મળી શકશે.

ગુજરાતી શિક્ષાપત્રી
હિન્દી શિક્ષાપત્રી
અંગ્રજી શિક્ષાપત્રી

આજનું આ શિક્ષાપત્રી ગાન જો આપને ડાઉનલોડ કરવું હોય તો તે ભુજ મંદિરની સાઇટની નીચેની લીંક અનુસરવાથી મળશે.

શિક્ષાપત્રી ગાન

ભુજમંદિરની વેબસાઇટ પર  શિક્ષાપત્રી ઉપરાંત ઢગલાબંધ પુસ્તકો, લેખો અને કીર્તનો ઉપલબ્ધ છે. તેને મફતમાં ડાઉનલોડ પણ કરી શકાય છે. આજની આ પૉસ્ટની ઑડિયો માટે અને ફોટા માટે ભુજ મંદિરનો ખુબ ખુબ આભાર. જ્યારે શિક્ષાપત્રીને ગુજરાતીમાં ટાઇપ કરીને અપલોડ કરવા માટે સ્વામિનારાયણ ગુરૂકુળ નહિયરનો ખુબ ખુબ આભાર.

શિક્ષાપત્રી વાંચ્યા પછી મારા મનમાં કેટલાક સવાલો ઊઠે છે. વડીલોના માર્ગદર્શનની આશા છે.

૧. શિક્ષાપત્રીમાં સહજાનંદ સ્વામી સ્પષ્ટપણે લખે છે કે તેમના ઇષ્ટદેવ ભગવાન કૃષ્ણ છે. તેમને અર્જુન સાથે નરનારાયણ સ્વરૂપે, રુક્મણિ સાથે લક્ષ્મીનારાયણ સ્વરૂપે અને રાધાજી જોડે રાધારમણ સ્વરૂપે પૂજવાની આજ્ઞા છે. સહજાનંદજીએ પોતાને  ભજવાની વાત શિક્ષાપત્રીમાં ક્યાંય નથી કરી કે નથી કોઇ મંદિરમાં પોતાની મૂર્તિ પધરાવી. પણ આજે આ સંપ્રદાયમાં કૃષ્ણની જગ્યાએ તેમની જ ભક્તિ થાય છે, શું આ આચરણ શિક્ષાપત્રી મુજબનું કહી શકાય.?

૨. હજી, સહજાનંદ સ્વામીની પૂજા થતી હોય ત્યાં સુધી વાત બરાબર છે. પણ આ સંપ્રદાયના લગભગ દરેક ફાંટામાં ભગવાન કૃષ્ણની જગ્યાએ આ સંપ્રદાયના આચાર્યને, ગુરુઓને, સહજાનંદ સ્વામીના માતા-પિતાની મૂર્તિને પૂજવામાં આવે છે, શું આ શિક્ષાપત્રી મુજબ છે? કેટલાક વચનામૃતનો હવાલો આપે છે. પરંતુ વચનામૃત તો બીજા સંતો દ્વારા સંકલીત છે, સાંભળીને લખ્યું છે. શિક્ષાપત્રી તો ખુદ સહજાનંદ સ્વામીએ પોતે લખી છે. ૧૧૫માં શ્લોકમાં સ્પષ્ટપણે આજ્ઞા કરી છે કે મનુષ્યાદિક જીવોકે જે શ્રીકૃષ્ણ ભગવાનના ભક્ત હોય કે બ્રહ્મવેત્તા હોય તો પણ ધ્યાન કરવા યોગ્ય નથી. શું શિક્ષાપત્રીની આજ્ઞા વધારે મોટી નહીં?

૩. શિક્ષાપત્રીમાં ધર્મનું વિભાજન થાય તેવી કોઇ પ્રવૃત્તિ કરવાની ના પાડી છે. પણ આજે તો આ સંપ્રદાય જ અનેક ફાંટામાં વહેંચાઇ ગયો છે. અને દરેક ફાંટાની વ્યક્તિ પોતાની વાત સાચી છે તેવો તંત પકડી રાખી અંદરો અંદર ઝઘડે છે અને સંપ્રદાયને નબળો પાડે છે. તેમાં કોઇ જ બાકાત નથી. ગઢડામાં થયેલો વિવાદ આ સંપ્રદાય સાથે સંકળાયેલી દરેક વ્યક્તિ માટે નાલેશીભર્યો છે.

૪. શ્રીકૃષ્ણ આદી અવતારોનું ખંડન કર્યું હોય તેને ક્યારે પણ ન સ્વીકારવું. પણ આ સંપ્રદાયના કેટલાક મતોમાં પોતાનાં સંતોને ભગવાનથી પણ મોટા બતાવ્યા છે. તેમના રૂંવાડામાં અનંત કોટી રામકૃષ્ણ સમાઇ જાય છે તેવી વાત કરી છે. ભગવાનને નીચા દેખાડી પોતાના સંતને વધુ મોટા બતાવ્યા છે. અરે કેટલેક ઠેકાણે તો સ્વામીનારાયણ ભગવાનને બદલે પોતાના સંતના નામનું ભજન કરી શકાય છે, તેવી વાત કરી છે. આ શું શિક્ષાપત્રીનું  અને સહજાનંદ સ્વામીના આદેશનું અપમાન નથી?

આ બાબતો તો ફક્ત મારા મનની મુંઝવણ છે. સંપ્રદાયના દરેક સંતો,આચાર્યો પ્રત્યે મને ખુબ માન છે, તેમની મહાનતા માટે કોઇ શંકા નથી. આ સંપ્રદાયે સમાજસુધારણા અને નૈતિક ઉન્નતિ માટે જે પ્રવૃત્તિ કરી છે, તે ના માટે સમગ્ર ભારતીય સમાજ આ સંપ્રદાયનો આભારી છે.  પણ સહજાનંદ સ્વામી જેવા મહાન સમાજ સુધારક અને વૈજ્ઞાનિક વિચારસરણીના પ્રણેતાના નામે ચાલતા આ સંપ્રદાયમાં આવા ગપગોળા ચાલે તેનું મને દુઃખ છે.

અંતે મારા કૉલેજના પ્રધ્યાપિકા ડૉ. મીતા સુથારના શબ્દોમાં કહું તો, ' જો તમારે કોઇ વ્યક્તિના વિચારોને સમજવા હોય તો તે વ્યક્તિએ પોતે લખેલા પુસ્તકો વાંચો, કારણ કે બની શકે કે બીજી વ્યક્તિએ તે વ્યક્તિના વિચારોનું જે અર્થઘટન કર્યું હોય તે પોતાના હેતું (મારી ભાષામાં સ્વાર્થ) મુજબનું હોય છે.'

1 પ્રત્યાઘાતો:

Ramesh Patel Tuesday, February 08, 2011 9:29:00 am  

ભગવંત શ્રી સ્વામિનારાયણે લોકહિતના માટે આપેલા આ નિયમોથી સંસાર સુખી છે.

રમેશ પટેલ(આકાશદીપ)

Copyright 2009-2013 © With Respective Creators, Ahmedabad, Gujarat, India. All Right Reserved.

No song uploaded on this blog can be downloaded by using any techniques. If any one downloads song without permission, blog will not be responsible for copyright infringement.

Back to TOP