સ્વરકાર અજિત મર્ચંટની વિદાય
Source - i.ytimg |
હજી દિલીપદાદાની વિદાયના આઘાતમાંથી ગુજરાતી સંગીત વિશ્વ હજી બહાર આવવાનો પ્રયત્ન કરી રહ્યું છે, ત્યાં તો ગઇ કાલે (તા.૧૮.૩.૨૦૧૧)ની વહેલી સવારે ગુજરાતી સંગીતના અનન્ય સિતારા એવા અજીતદાદાએ વિદાય લઇ લીધી. અજીતદાદાની ટૂંકી ઓળખ આપવી હોય તો 'તારી આંખનો અફીણી' ગીતના સંગીતકર તરીકે. પણ આ તેમની કદાચ સહુથી ટૂંકી ઓળખ હોઇ શકે.
મુંબઇમાં જન્મેલા અજિતદાદા વ્યવસાયે ફોજદારી ધારાશાસ્ત્રી. ગુનેગારોના કેસ લડવાનું તેમનું કામ. પણ તેમના પિતાની ઇચ્છાને કારણે બીજી કળાં પણ હસ્તગત કરી. સંગીતની શાસ્ત્રીય તાલીમ પણ લીધી. રેડીયો પર 'એક ડાયરો' પ્રોગામમાં કોઇ કારણસર મૂળ કલાકાર હાજર ન રહી શક્યા એટલે સી.સી. મહેતાએ અજિતદાદાને કામ સોંપ્યું અને ગુજરાતને એક અનન્ય સંગીતકારની ભેટ મળી. આ બીના બની સને ૧૯૪૫માં.
ત્યારબાદ તેમની સંગીતયાત્રા ધીમી પણ મક્કમ ગતીએ આગળ વધી રહી. આ યાત્રાનો સહુથી મોટો પડાવ એટલે સને ૧૯૫૦ની ફિલ્મ 'દીવાદાંડી' અને તેનું ગીત 'તારી આંખનો અફિણી'. આ ગીતે તેના શબ્દો અને સંગીતસજ્જા દ્વારા સમગ્ર ગુજરાતની પ્રજાને ઘેલી કરી. (ગુજરાતમાં દારુબંધી હોવા છતાં આ અફિણ જેવા માદક ગીતે સમગ્ર ગુજરાતને મદહોશ કર્યું!!!) આ ગીતની સફળતાની પારાશીશી એ કે જુદાં-જુદાં ચાલીસ વ્યક્તિએ પોતાની રચનાં હોવાનો દાવો કર્યો. ખુદ અજિતદાદાએ પણ તેમના હિન્દી ગીતોમાં આ ધૂન વાપરીને ગીત બનાવ્યું 'ચંદા લોરિયા સુનાયે'. સ્વર લતા મંગેશકર. તમે પણ આ ગીત સાંભળો.
૨૫૦ જેટલાં ગુજરાતી, હિન્દી અને મરાઠી નાટકોમાં તેમણે કામ કર્યું. 'કરિયાવર' અને 'લગ્નમંડપ' જેવી ફિલ્મોમાં સંગીત આપ્યું. નાટકોમાં અભિનય કર્યો અને નાટક 'અનાહટ નાદ' માટે મુંબઇ રાજ્ય નાટ્ય સંસ્થા દ્વારા સર્વશ્રેષ્ઠ અભિનેતાનો પણ પુરસ્કાર મળ્યો.
સ્વભાવના કડક એવા અજિતદાદા કોઇને દૂરથી આકરાં લાગ્યાં હશે. પણ હ્રદયના ખુબ ઋજુ માણસ હતા. આજે ૮૮ વર્ષની વયે જ્યારે તેમનું અવસાન થયું છે ત્યારે ગુજરાતી સંગીત વિશ્વના એક માળી ઓછા થઇ ગયા. ઇશ્વર તેમની આત્માને શાંતિ અર્પે.
સંદર્ભ
મારું અલ્પ જ્ઞાન
0 પ્રત્યાઘાતો:
Post a Comment