Tuesday 12 April 2011

ભારતના પ્રથમ સમાજ સુધારક વિશે

ભગવાન સ્વામિનારાયણ ભારતનાં પ્રથમ સમાજ સુધારક કહી શકાય. અંગ્રેજી ઇતિહાસકારો ભારતમાં સામાજીક ક્રાંતિની શરૂઆતનું શ્રેય રાજા રામમોહન રાયને આપે છે. પણ રાજા રામમોહનરાયનાં પણ ૧૦૦ વર્ષ પહેલા સહજાનંદ સ્વામીએ ગુજરાતમાં આણેલી સામાજીક, સાંસ્કૃતિક અને ધાર્મિક ક્રાંતિની લગભગ અવગણના જ કરવામાં આવે છે. શ્રીજીમહારાજનાં થોડા કાર્યોની ઝલક અને અન્ય વિદ્વાનોના મહારાજનાં કાર્યો વિશેનાં અભિપ્રાયોની ઝાંખી રજૂ કરવાનો મારો અત્રે પ્રયત્ન છે.



જીવનમાં સ્વચ્છતાને પ્રાધાન્ય


આજે આપણને રોજ નાહ્વાની અને સ્વચ્છ કપડાં પહેરવાની વાત બહુ આશ્ચર્યજનક ન લાગે. પણ આજથી ૨૦૦ વર્ષ પહેલા આપણાં જીવનમાં સ્વચ્છતાનું આટલું મહત્વ ન હતું. રોજ નાહવા જવું, ધોયેલા કપડાં પહેરવા, ગાળેલું પાણી પીવું જેવી વાતો પર લોકો વધુ ભાર ન મુકતાં. ત્યારે સહજાનંદ સ્વામીએ સ્વચ્છતા પર ભાર મુક્યો. લોકોને ગાળીને પાણી પીવાની આજ્ઞા કરી. ધોયેલા કપડાં પહેરવા જણાવ્યું. આને કારણે ગંદકીને કારણે થતાં રોગો અટક્યાં એટલુ જ નહીં, મંદિરોને પણ સ્વચ્છ રાખવા પર ભાર મુક્યો. ગુજરાતના મોટા ભાગના મંદિરો ગંદા હોય છે, ત્યારે સ્વામીનારાયણ સંપ્રદાયના મંદિરો સ્વચ્છતાનાં અદભૂત નમૂના છે. સહજાનંદ સ્વામીના અનુયાયીઓની સ્વચ્છતા અને શિષ્ટાચારથી પ્રભાવીત થઇને જામનગર( કદાચ)ના અંગ્રેજ અધિકારીએ સમગ્ર જિલ્લામાં બધા સ્વામીનારાયણ થઇ જાય તેવો સર્ક્યુલર નીકાળવાની આજ્ઞા આપી હતી. પણ ધાર્મિક બાબતોમાં અંગ્રેજ સરકાર દખલ ન કરતી હોવાથી અંતે વિચાર મૂલતવી રાખ્યો.

સ્ત્રી-પુરુષો વચ્ચે આચરણની ચુસ્ત મર્યાદાઓ બાંધી

સ્વામિનારાયણ સંપ્રદાયની આજે આ મુદ્દા પર વિશેષ ટીકા કરવામાં આવે છે. એક સમયે ટીકાકારોનાં વર્ગમાં મારો પણ સમાવેશ થતો હતો. પણ જ્યારે જે સામાજીક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી મહારાજે આ આદેશ કર્યો હતો તેની જાણ થતાં તેમના આ પગલાને નમન કરવું ગમે. આજથી બસો વર્ષ પહેલા મંદિરોમાં પણ સ્ત્રીઓ સલામત ન હતી ત્યારે, સ્ત્રીઓના રક્ષણ માટે તેમણે સ્ત્રી-પુરૂષ આચરણની મર્યાદા બાંધી. નોંધપાત્ર બાબત એ છે કે ખુદ સહજાનંદ સ્વામી પણ આ મર્યાદા કાયમ માટે આંકેલી છે તેમ ન હોતા માનતાં. એક હરિભક્તના જવાબમાં તેમણે કહ્યું હતું કે 'બાઇ અને ભાઇ બન્ને એક જ છે. અમે હાલ પુરતાં તેમને અલગ કર્યા છે. પણ યોગ્ય સમયે બધાં એક જ થઇ જશે.' આજે આ સંપ્રદાયના મંદિરોમાં આનો આરંભ થયેલો જોવા મળે છે.

સાક્ષર કિશોરલાલ મશરૂવાલાના શબ્દોમાં " સહજાનંદ સ્વામીએ સ્ત્રી-પુરુષ વચ્ચેની મર્યાદા વધુ મજબુત કરી. પણ એથી સંપ્રદાયમાં સ્ત્રી જાતિ વધારે સુરક્ષિત બની. સહજાનંદ સ્વામીના નિયમનની પાછળ પુરુષોનાં બ્રહ્મચર્યની રક્ષાની ચિંતા હશે તેનાં કરતાં સ્ત્રીના શીલની રક્ષાની ચિંતા વધારે હતી. તે કાળનાં ધાર્મિકપંથોમાં પેઠેલા સડાઓના અનુભવમાંથી એમનો આ બાબતમાં આગ્રહ હતો."   ('સ્ત્રી-પુરુષ મર્યાદા'માંથી)

બહેનો માટે અલગ સભા અને અલગ મંદિરની વ્યવસ્થા કરી

ઘણાં મંદિરોમાં સ્ત્રીઓને દાખલ થવાનો અને પૂજા કરવાનો અધિકાર ન હતો. (આજે પણ સામાન્ય રીતે સ્ત્રીઓને પૂજા કરવા દેવામાં આવતી નથી. કથાકાર અને પૂજારી પણ લગભગ ભાઇઓ જ હોય છે.) ત્યારે સહજાનંદ સ્વામીએ તેમના માટે અલગ જ મંદિરોની વ્યવસ્થા કરી. તેને કારણે ગામમાં સ્ત્રીઓ મુક્તપણે એકબીજા સાથે હળીમળી શકે, કથાવાર્તા કરી શકે તેવું સ્થળ તેમને મળ્યું. 

આ પ્રથાનો લાભ વર્ણવતા  કિશોર મશરૂવાલા પોતાના પુસ્તક 'સહજાનંદ સ્વામી અથવા સ્વામિનારાયણ સંપ્રદાય'માં લખે છે કે "આવી રીતે સ્ત્રીઓ માટે જેમ દર્શનાદિકની જુદી વ્યવસ્થા કરનાર તેમજ જ્ઞાન મેળવવા સ્વતંત્ર વ્યવસ્થા કરનાર સ્વામિનારાયણ પહેલા છે. આમ કરવાથી સ્ત્રીઓને વાંચવા-લખવાનું શીખવાનું આવશ્યક બન્યું. સ્વામિનારાયણ સંપ્રદાયની ઉચ્ચ જ્ઞાતિની સ્ત્રીઓ અને ખાસ કરીને વિધવા સ્ત્રીઓ બહુધા લખી-વાંચી શકે છે." 

ગુજરાતમાં સામાજિક શાંતિની સ્થાપના

યશવંત શુક્લ ૧૭મી થી ૧૮મી સદીના ગુજરાત વિશે (સ્વામીશ્રી આગમન પહેલાનો સમય) લખે છે કે "ગુજરાત પણ ધણીધુરી વગરનો દેશ હતો. મુલકગીરી, ઇજારાશાહી, વેઠપ્રથા, કુરિવાજો, અંધશ્રદ્ધાઓ, જ્ઞાતિસંસ્થાની જડતાઓ, વહેમો વળગાડ-- આ બધો આપણો પરિવેશ હતો. એક લૂંટણખોરી વચ્ચે લોકો જીવતા હતા."

જ્યારે મહારાજનાં આગમન પછીના ગુજરાત વિશે અંગ્રેજ લેખક સ્ટીફન ફ્યૂક્સ લખે છે કે "  જે જિલ્લાઓ અને ગામોમાં ભગવાન સ્વામિનારાયણ ફર્યા અને જ્યાં તેમના શિક્ષણનો સ્વીકાર થયો તે વિસ્તારો સત્વરે મુંબઇ પ્રાંતના શ્રેષ્ઠ અને વધુ વ્યવસ્થિત, શાંતિપૂર્ણ વિસ્તારો બની ગયા."

બીજા અંગ્રેજ લેખક હેન્રી બ્રિગ્સ લખે છે કે ભગવાન સ્વામિનારાયણ ગુજરાતમાં પધાર્યા પૂર્વેની પરિસ્થિતિની સરખામણીમાં દેશનું હાલનું વાતાવરણ એમના માટે ગ્રંથોનાં ગ્રંથો રચશે.

જ્ઞાતિપ્રથાનાં જડ બંધનોનો વિરોધ 

સ્વામિનારાયણ ભગવાને જ્ઞાતિપ્રથાની અવઅણના ના કરતાં તેની જડતા અને પક્કડનો નાશ કર્યો.શ્રી ઇશ્વર પેટલીકર લખે છે કે "પોતો વર્ણાશ્રમ ધર્મની  જૂની પરંપરા પ્રમાણે માનતા હોવા છતા હલકી મનાતી જ્ઞાતિઓ પણ ધર્મ,ભક્તિ અને જ્ઞાનપરાયણ થવી જોઇએ તે માનતા. એ જ્ઞાતિના લોકોને ઘેરે મુકામ કરતાં. "
વિરોધની આંધી વચ્ચે પણ તેઓ સામાજિક એકતા સ્થાપવામાં સફળ થયા હતાં. 

પ્રજાની નૈતિક ઉન્નતિ

સહજાનંદજીના પ્રભાવથી કેટલીક ગુનાહીત જાતિઓએ તેઓનો ચોરી અને ધાડ પાડવાનો ધંધો પણ મુકી દિધો હતો. તેઓ સારા નાગરિક બન્યા (Ref: A comprehencive History of India, Vol XI-P-848) તેમણે એટલી ઉચ્ચ પવિત્રતા અને સંયમની ભાવના સીંચી હતી કે તેમના શિષ્ય ત્યાંથી પસાર થતી સ્ત્રીઓની સામે નજર માંડીને જોતા નહીં. બહારવટીઓના ત્રાસથી એક સમયે આખું સૌરાષ્ટ્ર ઘ્રુજતું હતું. એવે સમયે તેમના હાથમાંથી તલવારને સ્થાને માળા પકડાવી. સ્વામીશ્રીએ તેમની વીરતા પર ન અંકુશ મુક્યો, પણ તેમની વીરતાને સમાજના ભલાં માટે યોગ્ય દિશામાં વાળી. આથી સમાજ સુખી બન્યો. તેમની આ સિદ્ધિ વિશે ખ્રિસ્તી પાદરી Reginald Heber, Bishop of Calcutta લખે છે કે,  તેઓ જે જે ગામો, જિલ્લામાં ગયા, જ્યાં જ્યાં તેમને લોકોએ સ્વીકાર્યા, તે લોકો અને સ્થળો  પહેલા અત્યંત હીન કક્ષાનાં હતાં, આજે પ્રાંતમાં શ્રેષ્ઠ કક્ષાના છે. અંગ્રજ સરકાર જે કાર્ય દંડના બળે ન કરી શકી, તે કાર્ય સહજાનંદ સ્વામીએ કમંડળના બળે કરી બતાવ્યું.

સ્ત્રીઓનું ઉત્થાન

આજે સહજાનંદ સ્વામી વિશે વાત નીકળે છે ત્યારે ટીકાકારો આંખો મીંચીને સ્ત્રીઓને આપેલા નીચલા દરજ્જાની જ વાત કરે છે.  પરંતુ સહજાનંદ સ્વામીએ સ્ત્રીઓને ક્યારે પણ નીચલા દરજ્જાની ન ગણી. ઉલ્ટાનું તેમના કલ્યાણ માટે તે જમાનામાં નવી લાગે તેવી અનેક પ્રવૃત્તિઓ આદરી હતી.  સ્ત્રીશિક્ષણના તેઓ હિમાયતી હતાં એટલે જ, ગુજરાતમાં જ્યારે કન્યાશાળાઓ શરૂ થઇ ત્યારે પ્રથમ શિક્ષિકાઓ સ્વામિનારાયણીય બહેનો જ હતી.

રાજા રામમોહનરાયે સરકારની સહાયતાની સતીપ્રથા વિરુદ્ધ લડત આદરી. પણ ગુજરાતમાં તો સહજાનંદ સ્વામીએ કોઇ પણ સરકારી સહાય વગર આ કાર્ય આરંભી દીધેલું. તેમણે સત્સંગી સ્ત્રીઓમાંથી સતિપ્રથાનો કુરિવાજ કાઢી નાખ્યો. ગુજરાતમાં સતીપ્રથા પ્રચલીત હતી. તેને નામશેષ કરવાનું શ્રેય સહજાનંદ સ્વામીને જાય છે. રાજારામમનોહરરાયે પોતાના ભાભી અલકમંજરીને સતી થતાં જોઇ પોતાને થયેલાં દુ:ખને કારણે આ પ્રથા નાબુદ કરવા ચળવળ કરી. પણ સહજાનંદ સ્વામીએ તો કોઇ અંગત કારણ વીના સમગ્ર સ્ત્રીઓના કલ્યાણ માટે સતીપ્રથા નાબૂદી માટે ચળવળ ઉપાડી. રાજા રામમોહનરાયે સરકાર દ્વારા કાયદો ઘડાવી આ પ્રથા નાબૂદ કરવાં પ્રયત્ન કર્યા, જ્યારે સ્વામીશ્રીએ કોઇ પણ જાતની સરકારી મદદ વીના જનાંદોલન ઉપાડિ આ પ્રથાના મૂળીયાં પર જ ઘા કર્યો.  એટલુ જ નહિ વિધવાપુનર્લગ્નની પણ તેમણે હીમાયત કરી. 

"""જે સ્ત્રી વિધવા થાય તેને પુરુષ કરવાની ઇચ્છા હોય તો કરવો પણ કલંકથી ડરવું"   શ્રીહરિચરિત્રસાગર પૂ. ૧૭,ત.૧૪

આખો સમાજ વિધવાઓને અમંગળકારી ગણતો ત્યારે સહજાનંદ સ્વામિએ વિધવાને સાંખ્યયોગીની (સંન્યાસીની) થવાની છૂટ આપી. શુભપ્રસંગે વિધવાઓ હડધૂત થતી તેની સામે આ સાંખ્યયોગીનીને તો સૌભાગ્યશાળિ સ્ત્રીઓ પણ પગે લાગી આશીર્વાદ માંગે તેવી પ્રણાલીકા સ્થાપી. દેવદાસીનિ પ્રથાનો પણ નિષેધ ફરમાવ્યો.

ગરાસિયાઓમાં કન્યાને દૂધપીતી કરવાનિ રિવાજ હતો તેની મનાઇ ફરમાવી. દીકરીને પરણાવવાનાં ખર્ચની જોગવાઇ ન હોવાને કારણે ઘણા આ પગલું લેતાં. ત્યારે મહારાજે સત્સંગમાંથી પૈસાની વ્યવસ્થા કરવાનું પણ વચન આપ્યું. કેટલાક રજપૂતોએ લોકલાજ આગળ ધરીને કહ્યું કે " અમારી જાતિમાં જુવાન છોકરાઓ વ્યસની અને દુરાચારી હોય છે, માટે કોઇ પૈસા આપે તોય અમે અમારી કન્યાઓને જેની તેની સાથે વરાવીને આબરૂ લીલામ કરવા માંગતા નથી."

ત્યારે મહારાજ ઢોલીયા પર હાથ પછાડીને કહ્યું કે " અમે તમારી જવાબદારી લઇએ તો શું તમારી માટે સારા છોકરા નહિ પૂરા પાડિ શકીયે. ભગવાન પર ચિંતા નાખી દો. ભગવાન તમારી સંભાળ લેશે." આમ દૂધપીતી કરવાનો રિવાજ ગુજરાતમાં નામશેષ થયો. એટલું જ નહીં રાજપૂતોને આપેલા વચન અનુસાર યુવાનોમાંથી અફીણ, ગાંજા, તમાકુ, દારૂ જેવાં અનેક વ્યસનો નાબૂદ કરી યુવાધનને યોગ્ય દિશામાં વાર્યું. સમાજના લોકો દ્વારા આવા વ્યસનોને પોષવા જે ખર્ચ થતો હતો, તે અટક્યો. આથી સમાજ આર્થિક રીતે ઉન્નત થયો. 

સાંપ્રદાયિક ઐક્યની સ્થાપના

ગુજરાતમાં તે સમયે કૃષ્ણ, શૈવ, જૈન વગેરે મત વચ્ચે ભારે અસહિષ્ણુતા પ્રવર્તતી હતી. આવા સમયે આ બધા સંપ્રદાયો વચ્ચે સૂમેળતા સ્થાપવાનો પ્રયત્ન કર્યો. શિવ અને કૃષ્ણના ઐક્યને સ્વીકાર્યું. વલ્લાભાચાર્યજીએ આપેલા શિક્ષણને પણ સ્વીકાર્યું. જૈનસમાજની પણ શુભેચ્છા મેળવી. એક પ્રસંગ મને યાદ આવે છે. સ્વામીશ્રી ગઢડામાં બીરાજમાન હતા. એક સત્સંગીનો પુત્ર કોગળા કરી રહ્યો હતો, ત્યારે તેના છાંટાં ભૂલથી વહોરવા નીકળેલા જૈનમૂનિ પર ઉડ્યા. કદાચ જૈનમૂનિને કોઇ ગેરસમજ થઇ હશે, પણ આ વાત ગઢડામાં પ્રસરી જતાં વાતાવરણ તંગ થઇ ગયું. સમગ્ર બજારો બંધ થઇ ગયાં. આ વાત સહજાનંદ સ્વામીને ધ્યાનમાં આવી. તેઓ તુરંત જ કોઇ પણ સેવક વગર જૈનમૂની જ્યાં ઉતર્યા હતાં તે ઉપાશ્રય તરફ છાલ્યાં. પોતાના અનુયાયિથી સાચે જ કોઇ ગુનો થયો છે કે મહારાજસાહેબને કોઇ ગેરસમજ થઇ છે, તેની પડોજણમાં પડ્યાં વગર સામેથી હાથ જોડીને તેમની માફી માંગી. અને બંધ થયેલા બજારો ફટાફટ ખુલી ગયાં. વાતાવરણ હળવું બન્યું. પણ જે વ્યક્તિના ૨૦ લાખ અનુયાયી હોય એ કોઇ પણ મોટપ બતાવ્યા વગર માફી માંગે એ ઘટના અજોડ છે. આના પરથી સાબીત થાય છે કે ગુજરાતમાં શાંતિ જાળવવા તે કેટલાં તત્પર હતાં.

હા પણ, સહજાનંદ સ્વામીશ્રી સમાજના જુદાં-જુદાં વર્ગોને એક લાવી શક્યાં. પણ પોતાના અનુયાયીને એક ન રાખી શક્યાં. સ્વામીશ્રીએ સંપ્રદાયના અનુશાસન માટે કડક નિયમો કરેલા. પણ કાળક્રમે આ સંપ્રદાય અતિ સમૃદ્ધ બ્ન્યો. અને તેની સમૃદ્ધી દોહી લેવાની સ્વાર્થી વૃત્તિ સાથે આ સંપ્રદાયના કેટલાય ફાંટા પડ્યાં. સંપ્રદાય આજે મુખ્ય ત્રણ ફાંટા અને અનેક પેટાફાંટામાં વહેંચાઇ ગયો છે. તેમની વચ્ચે હરિફાઇ અને હુંસાતુંસી વધી છે.  અને સમાજ કલ્યાણના કાર્યોને બદલે વિરોધી ફાંટા કરતાં પોતે ચડીયાતા છે તેમ બતાવવાનાં પ્રયત્નો પણ વધ્યાં છે. દરેક ફાંટા પોતાનો સિદ્ધાંત સાચો છે તેમ માને છે. ક્યારેક અથડામણો અને વિવાદો પણ થાય છે. જેનો મત સાચો હોય તેનો, પણ આવા પ્રસંગોથી સહજાનંદ સ્વામીના શિક્ષણના જ લીરે લીરા ઉડે છે.

અંતમાં ચંદ્રવદન મહેતાના અવતરણ સાથે વિરમુ છું.

"છેવટે ગુજરાત સહજાનંદજીને યાદ કરશે તે સંત તરીકે નહિ, ધર્માચાર્ય તરીકે નહિ, સાહિત્યપ્રેરક તરીકે નહિ, પરંતુ એમણે જનતામાંથી માંસ, દારૂ, વ્યાભિચાર, અસત્ય ને ચોરી - આ પાંચ મુખ્ય બદિઓ દુર કરી તેના માટે, એમણે ગુજરાતનાં પશુ જેવા માણસોને -માણસો બનાવ્યા તેના માટે.

સહજાનંદ સ્વામી ન હોત તો આપણે ગુજરાતને 'ગરવી' કહીયે એવું ન હોત.. આજે ગુજરાતનું નામ સાંભળીને જે હૈયું ઉછળે છે તેને બદલે સહજાનંદ સ્વામી ન હોત તો આપણને શરમના માર્યા નીચું જોવું પડત. એટલે આજે ગુજરાતમાં જે સદાચાર છે, અહીંસા છે, ગુજરાત ગુણવંતુ છે, તેમાં શ્રી સહજાનંદનો ફાળો જેવો તેવો ન કહેવાય.

ગુજરાતને અધમદશામાંથી ઉગારનાર અને અણીના વખતે આવીને ગુજરાતનો ઉદ્ધાર કરનાર, અધમોદ્ધારક ને પતિતપાવન સહજાનંદજીને દરેક ગુજરાતીનાં વંદન છે. ગુજરાતનું તેજ ઝાંખુ ન પડવા દેનાર જ્યોતિર્ધર તરીકે શ્રી કનૈયાલાલ મુનશી જેને ઓળખાવે છે, એવા ગુજરાતના મહાપુરુષોમાં સહજાનંદજીનું સ્થાન પહેલી હરોળમાં જ છે."

[ આપુસ્તકના સંદર્ભો અને ઐતિહાસિક માહિતી સ્વામી અક્ષરજીવનદાસજી લિખીત અને અક્ષરપીઠ, શાહીબાગ દ્વારા પ્રકાશીત  "સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણઃ જીવન અને કાર્ય"  પર આધારીત છે. પણ આ લેખમાં વ્યક્ત થયેલા વિચારો મારા છે.]

0 પ્રત્યાઘાતો:

Copyright 2009-2013 © With Respective Creators, Ahmedabad, Gujarat, India. All Right Reserved.

No song uploaded on this blog can be downloaded by using any techniques. If any one downloads song without permission, blog will not be responsible for copyright infringement.

Back to TOP