દુનિયા અમારી - ભાનુપ્રસાદ પંડ્યા
કવિ - ભાનુપ્રસાદ પંડ્યા
દેખ્યાનો દેશ ભલે લઇ લીધો, નાથ!
પણ કલરવની દુનિયા અમારી !
વાટે રખડ્યાની મોજ છીનવી લીધી
તે તોયે પગરવની દુનિયા અમારી!
કલબલતો થાય જ્યાં પહેલો તે પહોર
બંધ પોપચાંમાં રંગોની ભાત !
લોચનની સરહદથી છટકીને રણઝણતું
રૂપ લઇ રસળે શી રાત!
લ્હેકાએ લ્હેકાએ મ્હોરતા અવાજના
વૈભવની દુનિયા અમારી !
ફૂલોના રંગો રિસાઇ ગયા, જાળવતી
નાતો આ સામટી સુગંધ !
સમાસમાના દઇ સંદેશા લ્હેરખી
અડક્યાનો સાચવે સંબંધ !
ટેરવાંને તાજી કૈં ફૂટી તે નજરુંના
અનુભવની દુનિયા અમારી !
0 પ્રત્યાઘાતો:
Post a Comment