બ.ક. ઠાકોરનું આ સૉનેટ દામ્પત્યપ્રેમ અને પ્રકૃતિના સૌંદર્યને એકસાથે ગૂંથે છે. વાદળી વરસી ગયા પછી સર્વત્ર શાંતિ છવાયેલી છે. પર્વતના શિખર પરથી વાદળી હવે હઠી ગઇ છે અને એની સાથે અંધારપટ પણ દૂર થયો છે. આકાશનો ઘુમ્મટ સ્પષ્ટ દેખાઇ રહ્યો છે. વચ્ચે મોતીઓનાં તોરણ સમા તારાઓ જેવાં વાદળો અહીંતહીં ચમકી રહ્યાં છે. શિખરોની વચ્ચે આકાશ જેવું સ્વચ્છ સરોવર કવિ જુએ છે. માલતીમંડપમાં પત્ની સાથે બેઠોલો નાયક માલતીમાંથી ખરતી શારાઓ નિહાળે છે અને બુદબુદોના નર્તનસ્વરથી પોતાના કાનને ભરી દે છે ત્યાં તો સાવ છેડેથી થોડું જળ ફરકે છે, થોડું જળ ચળકે છે. વળી વૃક્ષો પોતાની ઉપરના વરસાદના ટીપાં ખેરવી રહ્યા છે. આકાશનું નીલ સરોવર હવે દિવ્ય લાગી રહ્યું છે અને એની વચ્ચે પર્વતશિખરો પર ચન્દ્ર ઊગી રહ્યો છે. આ દ્રશ્ય નાયિકા નાયકને બતાવે છે. અને નાયિકાનો 'વ્હાલા, જોયું?' ઉદગાર સમગ્ર પ્રકૃતિને રસસભર બનાવી દે છે. અહીં સૌદર્યની સુક્ષ્મતા અને વ્યાપકતા એકસાથે પ્રગટ થઇ છે. દામ્પત્યમાં પણ પ્રથમનાં ધનધોર આવેગી વાદળૉ પછીની નિર્મળ આકાશ જેવી પ્રીતિ અને પૂર્ણ ચન્દ્ર જેવું સુધામય દામ્પત્ય રચાયું છે. આમ, આ કાવ્યમાં પ્રકૃતિ અને પ્રયણનો સમન્વય થયો છે.
શાન્તિ ! શાન્તિ ! ઝરમર ઝરી ગૈ ગળી વાદળી આ,
અંધારી નીરવપદ ગિરિશૃંગથી જો ઊડી આ!
ઊંચે દીપે ઘુંમટ ફરીથી વ્યોમ કેરો વિશાળો,
જેમાં મુક્તાતુરણ-ભગણે આપની અભ્રમાળો.
બેઠોબેઠો સખીસહિત હું માલતીમંડપ જ્યાં,
ધારા જોતો, શ્રવણ ભરતો નૃત્યથી બુદબુદોનાં;
ત્યાં ગૈ ધારા, શમી પણ ગયા બુદબુદો, ને નિહાળ્યા
શિલો, વચ્ચે સર નભ સમું, મસ્તકે અભ્ર તારા.
ને કોરેથી સલિલ ફરક્યું, શુભ્ર ચળક્યું, અને જ્યાં
વૃક્ષો ટીપાં ટપકી ન રહ્યાં ડાળીયોનાં ભૂમિમાં,
ત્યાં એ નીલુ સર લસી રહ્યું દિવ્ય ઝાંયે રસેલું,
પાછું જોતાં, ગિરિ પર સુધાનાથ હાંસે મધુરું!
'વ્હાલા, જોયું?' વદી તું લહી ત્યાં ચન્દ્રને દ્રષ્યસાર,
ટહુકો તારો, અલિ, સર ગિરિ યોમ ગુંજ્યો રસાળ!
0 પ્રત્યાઘાતો:
Post a Comment