વહુએ વગોવ્યાં મોટા ખોરડા - લોકગીત
લોકગીત આપણી લાગણીનું પ્રતિબિંબ કહેવાય. પણ આ ગીત તો મને મૂર્ખતા લાગે છે. પતિ-પત્નીનો સંબંધ વિશ્વાસનો છે. તેમા માતાપિતા પણ મારા મતે બહારની વ્યક્તિ જ ગણાય. કોઇની પણ વાત પર સહેજ પણ વિશ્વાસ મુકતા પહેલા જાતતપાસ કરવી અત્યંત જરૂરી છે. પણ બીજાની વાત સાંભળીને પત્નીને બચાવની તક પણ ન આપે, અને ઝેરનો કટોરો ધરી દે તેવા પતિ માટે નમાલા સિવાય બીજો કોઇ શબ્દ મને સુઝતો નથી.
પત્નીએ પણ પોતાની નિર્દોષતાની સાબિતી આપ્યા વગર ઝેરની વાટકી પી લે તે પણ અયોગ્ય છે. કાચા કાનનો પતિ મેળવીને બીચારીનું ભાગ્ય પહેલેથી જ ફૂટી ગયું છે. આવા પતિને છોડીને વધુ શાંતિથી જીવી શકાય. તેમાં ઝેર પીવાની જરૂર નથી.
પણ આપણા આદર્શ જ એવા છે જે એક ધોબીની વાતથી સગર્ભા પત્નીને જંગલમાં ભટકવા છોડી દે, તો પછી આપણાં વર્તન પણ તેવા જ હોય ને?
સ્વર - પ્રફુલ્લ દવે
ગામમાં પિયર ને ગામમાં સાસરું રે લોલ,
માએ તે દીકરી વળાવી રે લોલ
કરો દીકરી સુખ દુઃખની વાત જો
કરો દીકરી સુખ દુઃખની વાત જો
કવળાં સાસરિયામાં જીવવું રે લોલ.
પછવાડે ઊભી નણંદી સાંભળે રે લોલ,
વહુ કરે છે આપણા ઘરની વાત જો
આ વહુએ વગોવ્યાં મોટા ખોરડાં રે લોલ.
નણંદીએ સાસુને સાંભળાવ્યું રે લોલ
આ વહુ કરે છે મોટા ઘરની વાત જો
આ વહુએ વગોવ્યાં મોટા ખોરડાં રે લોલ.
સાસુએ જઇ સસરાને સાંભળાવ્યું રે લોલ
વહુ કરે છે આપણાં ઘરની વાત રે
આ વહુએ વગોવ્યાં મોટા ખોરડાં રે લોલ.
સસરાએ જેઠને સાંભળાવ્યું રે લોલ
વહુ કરે છે મોટા ઘરની વાત જો
આ વહુએ વગોવ્યાં મોટા ખોરડાં રે લોલ.
જેઠે જઇ પરણ્યાને સાંભળાવ્યું રે લોલ
તારી વહુ કરે છે આપણા ઘરની વાત રે
વહુએ વગોવ્યાં મોટા ખોરડાં રે લોલ.
પરણ્યાએ તેજી ઘોડો છોડીયો રે લોલ
ગયો પોતે ગાંધીદાને હાટ જો
આ વહુએ વગોવ્યાં મોટા ખોરડાં રે લોલ.
અધશેર અફિણીયા તોળાવ્યાં રે લોલ
પાશેર તોળાવ્યો સોમલખાર જો
આ વહુએ વગોવ્યાં મોટા ખોરડાં રે લોલ.
સોનલા વાટકડે અમલ ઘોળ્યાં રે લોલ
પીવો ગોરી નહિતર હું પી જાવ જો
આ વહુએ વગોવ્યાં મોટા ખોરડાં રે લોલ.
ઘટક દઇને ગોરાંદે પી ગયા રે લોલ
તાણી છે કાંઇ ઘરચોળાની સોડ જો.
વહુએ વગોવ્યાં મોટા ખોરડાં રે લોલ.
પહેલો વીસામો ઘરને આંગણે રે લોલ,
બીજો વીસામો ઝાંપા બહાર જો.
વહુએ વગોવ્યાં મોટા ખોરડાં રે લોલ.
ત્રીજો વીસામો ગામને ગોંદરે રે લોલ
ચોથો વીસામો સમશાન જો
વહુએ વગોવ્યાં મોટા ખોરડાં રે લોલ.
સોનલા સરીખી વહુની ચેહ બળે રે લોલ
રૂપલાં સરીખી ઊડે રાખ જો
વહુએ વગોવ્યાં મોટા ખોરડાં રે લોલ.
બાળી ઝાળીને ઘેર આવ્યાં રે લોલ
હવે માડિ થઇ તને નિરાંત જો
આ ભવનો ઓશિયાળો હવે હું રહ્યો રે લોલ.
------ છંદ --------------
0 પ્રત્યાઘાતો:
Post a Comment