આજ રિસાઇ અકારણ રાધા - સુરેશ દલાલ
સુરેશ દલાલનું અવસાન ઓચિંતુ અને આઘાતજનક છે. હજી હમણાં તો શુક્રવારની સવારે ચિત્રલેખામાં તેમની ઝલક માણી હતી. સુ.દ. કવિ તરીકે અત્યંત કોમળ અને વિવેચક તરીકે એટલા જ સખત. દર શુક્રવારની સવાર તેમની ઝલકથી જ પડતી. અનેકાવિધ વિષયો પર વિવિઘ કવિતાઓનું વાંચન, વિવેચન અને આચમન તેમના દ્વારા જ પ્રાપ્ત થયું.
સુ.દ.નું ગદ્ય કોઇ કવિતાથી ઓછું ન હોતું. ઝેન અને ઓશોનો પરિચય કરાવનાર તેઓ જ. તત્વજ્ઞાન જેવા અઘરાં વિષયોને પણ સરળતાથી તેમણે પીરસ્યા છે. ઝેન વિશેની જિજ્ઞાસા તેમણે જ જાગૃત કરી. વિવેચનમાં તેમનાં મંતવ્યો કાયમ ધારદાર રહેતા, પણ એ મંતવ્યોની ધાર કદી મનમાં નહોતી વાગતી. શીરો ખાતા હોય તેટલી સહજતાથી તેમનું મંતવ્ય માનવાનું મન થતું.
સુ.દ.નું શ્રેષ્ઠ પાસું એટલે તેમના કૃષ્ણગીત. કૃષ્ણને આંખ સામે જોતા હોય તેટલી સરળતાથી કૃષ્ણને તેમણે ચિતર્યા છે. ર.પા. અને સુ.દ. બન્ન્નેએ કૃષ્ણને ગુજરાતી કવિતાઓમાં પોરવ્યાં છે. પણ ર.પા.ના ગીતોમાં મીરાબાઇ જેવો પ્રેમલક્ષ્ણા ભાવ છે, જ્યારે સુ.દ. નરસૈયાની જેમ હરિને ભજે છે. ક્યાંક વ્રજની ગોપી જેવો તલસાટ છે, રાધાનો પ્રેમ છે, તો કુરુક્ષેત્રના સારથીનું ભગવદજ્ઞાન પણ કવિતામાં ડોકાય છે. કૃષ્ણને આત્મસાત કર્યા છે, અથવા તો કહેવાય કે તેમની કવિતા કૃષ્ણસાત છે. હવે રાધાનું નામ વાંસળીના સૂરમાં નહીં રેલાય કારણ કે તેનો કવિ આજે મોરપીંછની રજાઇ ઓઢી ચિરનિંદ્રામાં સુઇ ગયેલ છે. સુ.દ.ને અલવિદા ન કહેવાય. એતો તેમના કાનજી પાસે પહોંચવાની યાત્રાએ છે. આ યાત્રાની સફળતા માટે સુ.દ.ને ખુબ ખુબ શુભેચ્છા.
આજ રીસાઇ અકારણ
બોલકણીએ, મૂંગી થઇ ને
મૂંગું એનું મારણ
મોરલીના સૂર છેડે માધવ
વિધવિધ રીતે મનાવે
નીલ-ભૂરા નીજ મોરપિંછને
ગોરા ગાલ લગાવે
આજ જવાને કોઇ બહાને
નેણથી નીતરે શ્રાવણ
રાધા.. આજ રીસાઇ અકારણ
છાની છેડ કરે છોગાળો
જાય વળી સંતાઇ
તોય ન રીઝે રાધા
કા’નનું કાળજું જાયે કંતાઇ
થાય રે આજે શામળીયાને
અંતરે બહુ અકળામ
રાધા… આજ રીસાઇ અકારણ
(શબ્દો - બિપીન પટેલ)
0 પ્રત્યાઘાતો:
Post a Comment