મારી સાસુના ઘરમાં ગધેડાં - લોકગીત
સાસુ અને વહુ એક બીજાનો મજાક કરતાં હોય તેવાં ગીતો આપણાં લોક સાહિત્યનું એક મહત્વનું અંગ છે. મજાની વાત એ છે કે વહુ પોતાની સાસુનો મજાક ઉડાવતું ગીત ગાતી હોય ત્યારે સાસુમા ક્રોધે ભરાવાને બદલે એવાં જ ફટાણામાં તેનો પ્રત્યુત્તર આપે છે. અહીં જ લોકજીવનની મજા છે.
પ્રસ્તુત લોકગીતમાં વહુ પોતાનાં સાસરાની પોતાના મૈયર સાથે સરખામણી કરે છે. પોતાની માની તેને યાદ આવે છે. આથી સાસુની મા સાથે સરખામણી કરીને સાસુને નીચી દેખાડવાનો પ્રયત્ન કરે છે.
મારી સાસુના ઘરમાં ગધેડાં,
મારી સાસુના ઘરમાં ગધેડાં,
મહીં છાસના રેલા જાય રે, સાસુડી કેમ સાંભરે?
મારી માડીના ઘરમાં ભેંસો,
મારી માડીના ઘરમાં ભેંસો,
દૂધના રેલા જાય રે, માડૂલી મને સાંભરે!
મારી સાસુએ માથા ચોળિયાં,
મારી સાસુએ માથા ચોળિયાં,
મહીં વીંછી મેલ્યા ચારે રે, સાસુડી કેમ સાંભરે?
મારી માડીએ માથા ચોળિયાં,
મારી માડીએ માથા ચોળિયાં,
મહીં કેવડા મેલ્યાં ચારે રે, માડુલી મને સાંભરે!
0 પ્રત્યાઘાતો:
Post a Comment