જુઓ લીલા કૉલેજમાં જાય - આસીમ રાંદેરી
આજે લીલાકાવ્યનાં સર્જક આસિમ રાંદેરીની ૧૦૬મી જન્મજયંતી છે. આ દિવસે સાંભળિયે એક લીલા કાવ્ય.
કવિ - આસિમ રાંદેરી
યુવાની મુહબ્બતના દમ લઈ રહી છે,
મને દિલની ધડકન ખબર દઈ રહી છે,
પ્રણય-રૂપના રંગ જોવાને માટે
બધાની નજર એ તરફ થઇ રહી છે.
. જુઓ ‘લીલા’ કોલેજમાં જઇ રહી છે
કમલ જેવા કરમાં એ પુસ્તક ઉઠાવી,
પ્રણય-ઉર્મિઓ મનની મનમાં શમાવી,
મનોભાવ મુખ પર ન દેખાય તેથી
અદાથી જરા ડોક નીચી નમાવી,
. મને અવનવી પ્રેરણા દઈ રહી છે ! જુઓ ‘લીલા’…
છે લાલિત્યમાં જે લચકતી લલિતા,
ગતિ એવી, જાણે સરકતી સરિતા,
કલાથી વિભૂષિત કલાકાર માટે;
કવિતા જ સુંદર બનીને કવિતા
. પ્રભુની પ્રભાની ઝલક દઈ રહી છે ! જુઓ ‘લીલા’…
ન સુરમો, ન કાજલ, ન પાવડર, ન લાલી,
છતાં એની રંગત છે સૌમાં નિરાલી !
બધી ફેશનેબલ સખીઓની વચ્ચે
છે સાદાઈમાં એની જાહોજલાલી !
. શું ખાદીની સાડી મજા દઈ રહી છે ! જુઓ ‘લીલા’…
સરળથી ય એની સરળ છે સરળતા,
નથી શબ્દ સમજાવવા કોઈ મળતા,
લખું તોય લખતાં ના કાંઈ લખાયે
શમી જાય છે ભાવ હૈયે ઊછળતા !
. અજબ મારા મનની દશા થઇ રહી છે ! જુઓ ‘લીલા’…
કરે છે એ જાણે-અજાણે જો દૃષ્ટિ,
નિહાળું છું એમાં પરમ પ્રેમ-સૃષ્ટિ !
મધુરો, મનોરમ્ય મલકાટ એનો
છે કળીઓની ઝરમર, છે પુષ્પોની વૃષ્ટિ !
. નજરથી પ્રણય-ગોઠડી થઈ રહી છે ! જુઓ ‘લીલા’…
ભલા ! કોણ જાણે કે કોને રીઝવવા ?
અને કોના દિલની કળીને ખિલવવા ?
રે ! દરરોજ બેચાર સખીઓની સાથે;
એ જાયે છે ભણવા કે ઊઠાં ભણવવા ?
. ન સમજાય તેવી કલા થઇ રહી છે ! જુઓ ‘લીલા’…
કોઈ કે’છે : જાયે છે ચિત્રો ચીતરવા,
કહે છે કોઈ, જ્ઞાન-ભંડાર ભરવા !
કોઈ કેમ સમજે આ બાબતને ‘આસિમ’ ?
અધૂરા પ્રણય-પાઠ ને પૂર્ણ કરવા
એ દરરોજ ભણતરના શ્રમ લઈ રહી છે ! જુઓ ‘લીલા’…
(શબ્દો - લયસ્તરો)
1 પ્રત્યાઘાતો:
મારી સૌથી વધુ પ્રિય ગઝલ છે .શબ્દો વાંચી વધુ મઝા આવી.
Post a Comment