દીકરી મારી લાડકવાયી લક્ષ્મીનો અવતાર - મુકેશ માલવણકર
થોડા સમય પહેલા આ ગીત મનહર ઉધાસના એક કાર્યક્રમમાં રૂબરું સાંભળવાનો લ્હાવો મળ્યો હતો. કૈલાસ પંડિતની પ્રખ્યાત રચના 'દીકરો મારો લાડકવાયો' પરથી કવિ મુકેશ માલવણકરે આ હાલરડાંની રચના કરી છે. માણીયે આ હાલરડું.
કવિ – મુકેશ માલવણકર
દીકરી મારી લાડકવાયી લક્ષ્મીનો અવતાર,
એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર.
દીકરી તારાં વ્હાલનો દરિયો જીવનભર છલકાય
પામતાં જીવન માતપિતાનું ધન્ય થઇ જાય,
એક જ સ્મિતમાં તારા ચમકે મોતીડાં હજાર…
ઢીંગલા સાથે રમતી ઢીંગલી જેવું મારું બાળ,
રમતા થાકીને ભૂખ લાગે તો ખીર રાખું તૈયાર
રૂપમાં તારાં લાગે મને પરિનો અણસાર …
કાલી-ઘેલી વાણીથી ઘર ઘૂઘરો થઇને ગૂંજે
પાપા પગલી ચલાવતા બાપનું હૈયું ઝૂમે
દીકરી તું તો માતપિતાનો સાચે છે આધાર….
હૈયાના ઝૂલે હેતની દોરી બાંધી તને ઝૂલાવું
હાલરડાંની રેશમી રજાઇ તને હું ઓઢાડું
પાવન પગલે તારા મારો ઊજળો છે સંસાર
2 પ્રત્યાઘાતો:
પાવન પગલે તારાથી મારો ઉજળો છે સંસાર ,
કૃતેશભાઈ ઉપરની લાઈનમાં ભૂલ સુધારશોજી .
bhai aa song ma copyright na locha che please remove kari nakh
Post a Comment