જીવનભરના તોફાન ખાળી રહ્યો છું - મરીઝ
મરીઝ જીવનના તોફાન ગાળવાની વાત કરે છે. સાવ સરળ શબ્દોનો અસરકારક ઉપયોગ કરીને અદભૂત ચમકૃતિ ઊભી કરી છે.
કવિ - મરીઝ
સ્વર - પુરુષોત્તમ ઉપાધ્યાય
સ્વર,સંગીત - જગજિતસિંહ
જીવનભરના તોફાન ખાળી રહ્યો છું, ફકત એના મોઘમ ઈશારે ઈશારે.
ગમે ત્યાં હું ડૂબું, ગમે ત્યાં હું નીકળું, છે મારી પ્રતિક્ષા કિનારે કિનારે.
નથી ઝંખના મારી ગમતી જો તમને, તો એનું નિવારણ તમારું મિલન છે.
તમે આમ અવગણના કરતા જશો તો, થતી રહેશે ઈચ્છા વધારે વધારે.
મરણ કે જીવન હો એ બન્ને સ્થિતિમાં, ‘મરીઝ’ એક લાચારી કાયમ રહી છે.
જનાજો જશે તો જશે કાંધે કાંધે, જીવન પણ ગયું છે સહારે સહારે.
અહીં દુખની દુનિયામાં એક રંગ જોયો, ભલે સુખનું જગ હો પ્રકારે પ્રકારે.
સુજનની કબર કે ગુનેગારની હો, છે સરખી ઉદાસી મઝારે મઝારે.
હૃદય મારું વ્યાપક, નજર મારી સુંદર, કલા મારી મોહક વિચારે વિચારે.
નથી આભને પણ કશી જાણ એની, કે મેં ચાંદ જોયા સિતારે સિતારે.
અમારા બધાં સુખ અને દુખની વચ્ચે સમયના વિના કંઈ તફાવત ન જોયો.
બધીયે મજા હતી રાતે રાતે, ને સંતાપ એનો સવારે સવારે.
અમસ્તો અમસ્તો હતો પ્રશ્ન મારો, હકીકતમાં કોની છે સાચી બુલંદી.
જવાબ એનો દેવા ઊઠી આંગળીઓ, તમારી દિશામાં મિનારે મિનારે.
જગતમાં છે લ્હાવા કદમ પર કદમ પર, ફક્ત એક શરત છે ગતિમાન રહેવું.
નવા છે મુસાફર વિસામે વિસામે, નવી સગવડો છે ઉતારે ઉતારે.
(શબ્દો - ગુજરાતી ગઝલ)
0 પ્રત્યાઘાતો:
Post a Comment