ફાગણ આવ્યો ફાંકડો – રાજેન્દ્ર શાહ
કાલથી વસંતરાજનું આગમન થયું. ફાંકડો ફાગણ માસ પધાર્યો. વધાવિયે આ ગીતથી.
કવિ - રાજેન્દ્ર શાહ
સ્વર - વૃંદગાન
સંગીત - ક્ષેમુ દીવેટીયા
એ જી ફાગણ આવ્યો ફાંકડો કોઈ ફાગણ લ્યો,
એનો વાંકડિયો છે લાંક રે કોઈ ફાગણ લ્યો.
એ જી આંબાની મ્હોરી મંજરી કોઈ ફાગણ લ્યો,
એવાં સરવર સોહે કંજ રે કોઈ ફાગણ લ્યો.
એ જી દરિયા દિલનો વાયરો કોઈ ફાગણ લ્યો,
એ તો અલમલ અડકી જાય રે કોઈ ફાગણ લ્યો.
એ જી જુગલ વાંસળી વાજતી કોઈ ફાગણ લ્યો,
એને નહીં મલાજો લાજ રે કોઈ ફાગણ લ્યો.
એ જી દિન કપરો કંઈ તાપનો કોઈ ફાગણ લ્યો,
એની રાત ઢળે રળિયાત રે કોઈ ફાગણ લ્યો.
એ જી ઊડે કસુંબો આંખમાં કોઈ ફાગણ લ્યો,
એને વન પોપટની પાંખ રે કોઈ ફાગણ લ્યો.
એ જી ગગન ગુલાબી વાદળાં કોઈ ફાગણ લ્યો,
જોબનિયું કરતું સાદ રે કોઈ ફાગણ લ્યો.
એ જી ફાગણ આવ્યો ફાંકડો કોઈ ફાગણ લ્યો,
એનો વાંકડિયો કંઈ લાંક રે કોઈ ફાગણ લ્યો.
(Lyrics - Readgujarati)
0 પ્રત્યાઘાતો:
Post a Comment