Monday 3 January 2011

સંગીતના સિતારા દિલીપ ધોળકીયાની ચિરવિદાય

સંગીતના ક્ષેત્રમાં સફળતાનાં અનેક શિખરો સર કરનારા વડીલ ગાયક, સ્વરકાર, વાદ્યવાદક દિલીપ ધોળકીયાનું ગઇકાલે મુંબઇમાં દુઃખદ અવસાન થયું છે. તેઓ ૯૦ વર્ષનાં હતાં. આપણાં 'અભિષેક' પરિવાર તરફથી તેમને હાર્દિક શ્રદ્ધાંજલી. ઇશ્વર તેમના આત્માને શાંતિ આપે તેવી આપણે પ્રાર્થના કરીયે.

દિલીપ ધોળકીયાનો જન્મ ૧૫ ઓક્ટોબર ૧૯૨૧ના રોજ વડનગરા નાગર પરિવારમાં થયો હતો. ગુજરાતનો નાગર સમાજ તેમનાં અદભુત કળા અને સંસ્કૃતિપ્રેમ પ્રત્યે જાણીતો છે. ચાહકોમાં 'દિલીપભાઇ'ના હુલામણા નામે ઓળખાતા દિલીપ ધોળકીયા માટે નાનપણથી જ સંગીત સર્વસ્વ હતું. સંગીતના ક્ષેત્રમાં પાપા પગલી માંડી પોતાના દાદાનો હાથ પકડીને. નાનપણમાં પોતાના દાદા સાથે જૂનાગઢના સ્વામિનારાય મંદિરમાં જતાં અને સાત વર્ષની ઉંમરે કીર્તનો ગાતા અને પખવાજ વગાડતા.

સંગીતનું તેમણે શિક્ષણ લીધું 'ભીંડિ બજાર ઘરાના'ના ગાયક શ્રી ઉસ્તાદ અમાનત અલી ખાંના શિષ્ય પાંડુરંગ આંબેડકર અને જાણીતા ગુજરાતી શાસ્ત્રીય ગાયક ગુરૂભાઇ પાસે. નિષ્ણાત ગુરૂઓના માર્ગદર્શનને કારણે ગુજરાતી સંગીતનો આ હીરો પહેલદાર બન્યો અને તેની ચમકથી સમગ્ર સંગીત વિશ્વ અંજાઇ ગયું. સરળ અને સુગમ ગાયકી તથા સંગીત નિર્દેશનમાં તેમણે મહારથ પ્રાપ્ત કર્યું. તેમણે 'ઑલ ઇન્ડિયા રેડીયો'માં પણ કામ કર્યું હતું.

તેમણે સ્વરબદ્ધ કરેલી ગુજરાતી ફિલ્મો છે ઃ સત્યવાન સાવિત્રી, મોટા ઘરની દિકરી, સતનાં પાંખે, જાલમ સંગ જાડેજા,કંકુ, ભગવાન સ્વામિનારાયણ, દિવાદાંડી. બોલીવુડમાં તેમણે ૧૯૫૧ થી ૧૯૭૨ સુધી સંગીતકાર ચિત્રગુપ્તના સહાયક તરીકે અને ત્યારબાદ ૧૯૮૮ સુધી સંગીત બેલડી લક્ષ્મીકાંત પ્યારેલાલના સહાયક તરીકે તેમણે કામ કર્યું. ૧૯૪૪માં આવેલી ફિલ્મ કિસ્મતવાલામાં રતનલાલના સંગીત નિર્દેશનમાં તેમણે ગીત પણ ગાયું છે. તેમણે 'બગદાદ કી રાત', 'તીન ઉસ્તાદ' અને 'પ્રાઇવેટ સેક્રેટરી' વગેરે હિન્દી ફિલ્મોમાં પણ સંગીત આપ્યું છે. ૧૯૬૩માં આવેલી 'હોલીડે ઇન બોમ્બે' ફિલ્મમાં અભિનય પણ કર્યો છે.

ભગવાન સ્વામિનારાયણમાં તેમને અખુટ શ્રદ્ધા હતી. સ્વામિનારાયણ સંપ્રદાયનાં અનેક કીર્તનો અને ભજનો તેમણે સંગીતબદ્ધ કર્યા છે. ૧૯૭૨માં આવેલી 'ભગવાન સ્વામિનારાયણ' ચિત્રપટમાં તેમણે ભક્તિમાં તરબોળ કરી દે તેવું સંગીત આપ્યું છે. જાણીતી સંગીત કંપની સુદીપ ઓડિયોના ડાયરેકટર તરીકે પણ તેમણે ફરજ બજાવી છે.

તેમનો નાનો દિકરો રજત ધોળકીયા પણ સંગીતકાર છે. 

આ સંગીતબ્રહ્મ પરબ્રહ્મમાં વિલીન થાય અને અક્ષરધામની પ્રાપ્તી થાય તેવી પ્રભુને પ્રાર્થના.

3 પ્રત્યાઘાતો:

Anonymous,  Monday, January 03, 2011 6:13:00 am  

We will miss Dilipbhai B his Music will keep him alive and Rajat will keep shininhg.
Praying for family comfort.
Rajendra Trivedi, M.D.
www.bpaindia.org

Govindbhai Maru Monday, January 03, 2011 10:03:00 am  

જુનાગઢી સંગીતના નરકેસરીને શ્રદ્ધાંજલી, સ્મરાંણજલી....

ઉલ્લાસ ઓઝા,  Monday, January 03, 2011 2:52:00 pm  

આદરણીય શ્રી દિલીપભાઈ ધોળકિયાની વિદાય ગુજરાતી સંગીત જગત માટે પૂરવી મુશ્કેલ છે.
ગુજરાતી પ્રજા તેમનુ યોગદાન હંમેશા યાદ રાખશે.
પ્રભુ તેમના આત્માને શાંતિ આપે.

Copyright 2009-2013 © With Respective Creators, Ahmedabad, Gujarat, India. All Right Reserved.

No song uploaded on this blog can be downloaded by using any techniques. If any one downloads song without permission, blog will not be responsible for copyright infringement.

Back to TOP